ભુજઃ સરહદી કચ્છના મુખ્યમથક ભુજ શહેરમાં ઊંચા ભાવે માદક પદાર્થ હેરોઈનનું વેચાણ કરી આર્થિક લાભ મેળવવાના ઈરાદે આવેલા પંજાબ અને રાજસ્થાનના બે યુવકોને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ઝડપી પાડ્યા છે. પોલીસે બંને આરોપીઓ પાસેથી રૂ.૧૯.૩૦ લાખની આંતરરાષ્ટ્રીય કિંમત ધરાવતું ૯૬.૫ ગ્રામ હેરોઈન જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, રાત્રિ દરમિયાન એસઓજી અને ભુજ 'એ' ડિવિઝન પોલીસની સંયુક્ત ટુકડી દ્વારા શહેરના વિવિધ ગેસ્ટ હાઉસોના રજિસ્ટર ચકાસવાની કામગીરી ચાલી રહી હતી. આ કામગીરી દરમિયાન વાણિયાવાડ વિસ્તારમાં આવેલા નીલકંઠ ગેસ્ટ હાઉસના રૂમ નંબર ચારમાં બે પરપ્રાંતીય શંકાસ્પદ યુવકો રોકાયા હોવાની માહિતી મળી હતી.
પોલીસ ટુકડીએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરતાં ઓરડામાંથી હરપ્રીતસિંઘ બલવિન્દરસિંઘ (ઉં.વ.૪૨, રહે. ફિરોઝપુર, પંજાબ) અને રામજશ ઊર્ફે રમેશ ગોદારા (બિશ્નોઈ) (ઉં.વ.૨૫, રહે. જોધપુર, રાજસ્થાન) નામના બંને યુવકો મળી આવ્યા હતા. આરોપી હરપ્રીતસિંઘની અંગજડતી લેતાં તેના પેન્ટના ખિસ્સામાંથી ૯૬.૫ ગ્રામ હેરોઈન ભરેલું પ્લાસ્ટિકનું પાઉચ મળી આવ્યું હતું.
પોલીસની સઘન પૂછપરછમાં બહાર આવ્યું હતું કે, હરપ્રીતસિંઘ અગાઉ પણ પંજાબમાં માદક પદાર્થોના ગુનામાં જેલવાસ ભોગવી ચૂક્યો છે. આશરે દોઢ વર્ષ પૂર્વે ફિરોઝપુર જેલમાં તેની મુલાકાત જોબનપ્રીત નામના અન્ય એક આરોપી સાથે થઈ હતી. જ્યારે રામજશ અગાઉ ભુજમાં કામ કરતો હોવાથી આ વિસ્તારથી પરિચિત હતો અને તે પણ નશાકારક પદાર્થોના ગુનાઓ સાથે સંકળાયેલો છે.
રામજશના કહેવાથી હરપ્રીતસિંઘે જોબનપ્રીત પાસેથી રૂ.૧.૧૦ લાખમાં હેરોઈન ખરીદ્યું હતું. ત્યારબાદ હરપ્રીતસિંઘ પંજાબથી અને રામજશ બીકાનેરથી ટ્રેન મારફતે સાબરમતી પહોંચ્યા હતા. ત્યાંથી બંને ખાનગી બસ મારફતે ભુજ આવી નીલકંઠ ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા. સરકારી મૂલ્યાંકન મુજબ ૧ ગ્રામ હેરોઈનની કિંમત રૂ.૨૦,૦૦૦ લેખે જપ્ત કરાયેલા ૯૬.૫ ગ્રામ જથ્થાની કુલ કિંમત રૂ.૧૯,૩૦,૦૦૦ થાય છે. પોલીસે બંને વિરુદ્ધ એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
(ઉત્સવ વૈદ્ય)