અમદાવાદઃ અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. આંકડાની વાત કરવામાં આવે તો શહેરમાં છેલ્લા 24 કલાકમાં 11.65 ઇંચ જેટલો વરસાદ થયો છે. જેથી શહેરના અનેક વિસ્તારો જળમગ્ન બન્યાં છે. આ વિસ્તારોમાં હજી પણ પાણી ઓસર્યા નથી. વિસ્તાર પ્રમાણે વરસાદની વાત કરવામાં આવે તો, બોપલમાં સૌથી વધારે 18.41 ઇંચ વરસાદ થયો છે. તે પછી ક્રમશઃ બાકરોલમાં 18.21 ઇંચ, સરખેજમાં 16.34 ઇંચ, થલતેજમાં 16.08 ઇંચ, જોધપુરમાં 16.06 ઇંચ અને બોડકદેવ વિસ્તારમાં 16.02 ઇંચ વરસાદ છેલ્લા 24 કલાકમાં ખાબક્યો છે.
આજે સવારે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો
મેઘરાજાએ બે દિવસથી અમદાવાદને ધમરોળ્યું છે. ગુરુવારે સવારે 9.30 વાગ્યા પછી ત્રાટકેલા વરસાદે અમદાવાદની સ્પીડ પર જાણે કે બ્રેક લગાવી દીધી. 23 તારીખે આખો દિવસ અને આખી રાત અમદાવાદને મેઘરાજાએ બાનમાં લીધું હતું. આજે આજે સવારે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ખાસ કરીને વેજલપુર, બોપલ, મણિનગર જેવા વિસ્તારોમાં હજુ પાણી ઓસર્યા નથી. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં કેટલાક સેવાભાવી લોકો તારણહાર બનીને સામે આવ્યા છે. જેની તસવીરો અત્યારે વાયરલ થઈ રહી છે.
પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા
ખાસ કરીને વાત કરવામાં આવે તો, મણિનગરના ભૈરવનાથ રોડ પરની ઇશ્વરપાર્ક સોસાયટીમાં રહેતા સેવાભાવી હાર્દિકભાઇએ અને તેમના મિત્રોએ લોકોને મદદરુપ થવા આગળ આવ્યા છે. આ સેવાભાવી લોકોએ બોટ દ્વારા પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા હોવાનું જાણવા મળ્યું છે. મુંબઈ સમાચાર સાથે વાત કરતા હાર્દિકભાઇએ જણાવ્યું કે, તેઓ દર વર્ષે પાણી ભરાય ત્યારે લોકોની મદદે પહોંચી જાય છે. આ વર્ષે પણ આવી જ સ્થિતિ સર્જાતા તેઓ લોકોની મદદે આવ્યાં છે. જે અન્ય લોકો માટે પ્રેરણારૂપ વાત છે.