Thu Jul 23 2026

Logo

મોદી શાસનનાં 12 વર્ષઃ ગુજરાતમાં ૬ લાખથી વધુ  ગ્રામીણ પરિવારોને મળ્યાં ઘર

2026-06-12 10:14:00
Author: Mayur Patel
Article Image

ગાંધીનગરઃ ગુજરાત સહિત દેશમાં મોદી શાસનના 12 વર્ષની ઉજવણી થઈ રહી છે. ગુજરાતે છેલ્લા 12 વર્ષમાં ગ્રામ વિકાસક્ષેત્રે અનેક નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના 12 વર્ષના નેતૃત્વમાં ગુજરાતના ગામડાઓની કાયાપલટ થઈ રહી છે. ગુજરાતમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના દ્રષ્ટિપૂર્ણ માર્ગદર્શન અને ગ્રામ વિકાસ મંત્રી  કુંવરજીભાઈ બવાળીયાના નેતૃત્વ હેઠળ ગ્રામ વિકાસ વિભાગે પ્રગતિના નવા શિખરો સર કર્યા છે. રાજ્યમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી યોજના (મનરેગા), પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ), પીએમ-જનમન (PM-JANMAN), વોટરશેડ ડેવલપમેન્ટ અને ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન લીમીટેડ (GLPC)ની અનેક કલ્યાણકારી યોજનાઓનું અસરકારક અમલીકરણ કરીને ગ્રામીણ અર્થતંત્રને નવી ગતિ આપવામાં આવી રહી છે.

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી યોજના: રોજગારી સર્જન અને ગ્રામીણ અર્થતંત્રની મજબૂતી

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી (મનરેગા) યોજના ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં આજીવિકા સુરક્ષા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. આ યોજના થકી છેલ્લા ૧૨ વર્ષમાં રાજ્યમાં કુલ ૪,૫૫૭ લાખ કરતાં વધુ માનવદિનની રોજગારી પૂરી પાડવામાં આવી છે, જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મહિલાઓને વિશેષ પ્રાધાન્ય મળ્યું છે. યોજના અંતર્ગત જળ સંચય, કૃષિ-જમીન વિકાસ, વૃક્ષારોપણ અને પશુપાલન આધારિત ૧૯ લાખથી વધુ શ્રમકેન્દ્રિત કામો હાથ ધરવામાં આવ્યા છે.

કેન્દ્ર-રાજ્ય સરકારના ડિજિટલ ગવર્નન્સના વિઝનને પગલે મનરેગામાં પારદર્શિતા લાવવા માટે આધાર બેઝ્ડ પેમેન્ટ સિસ્ટમ (ABPS) અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) લાગુ કરવામાં આવ્યા છે. વધુમાં, નેશનલ મોબાઈલ મોનીટરીંગ એપ, ડ્રોન નિરીક્ષણ, જીઓટેગિંગ અને જીઓફેન્સિંગ જેવી આધુનિક ટેક્નોલોજીથી કામોની ગુણવત્તા સુધરી છે તેમજ કામોનું પુનવરાવર્તન અટક્યું છે. 

પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ): ઘરવિહોણા પરિવારોને મળ્યો આશરો

ગ્રામીણ વિસ્તારના ગરીબ પરિવારોને ગૌરવભેર જીવન જીવવા માટે વર્ષ ૨૦૧૬થી અમલી બનેલી પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ વર્ષ ૨૦૨૬-૨૭ સુધીમાં ૮.૨૯ લાખથી વધુ આવાસો મંજૂર કરવામાં આવ્યા છે. જે પૈકી તા. ૩૦ એપ્રિલ, ૨૦૨૬ સુધીમાં ૬.૯૯ લાખથી વધુ આવાસોનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે, જ્યારે ૧.૩૮ લાખથી વધુ આવાસો પ્રગતિ હેઠળ છે. આ કાર્ય માટે કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા રૂ. ૯,૨૧૩ કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે.

કેન્દ્ર અને રાજ્ય સરકારના ૬૦:૪૦ના હિસ્સાવાળી આ યોજનામાં લાભાર્થીને નિયમિત રૂ. ૧.૨૦ લાખની સહાય મળે છે. પરંતુ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંવેદનશીલ અભિગમ હેઠળ નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬થી ૧૦૦ ટકા રાજ્ય ફાળા હેઠળ રૂફ-કાસ્ટ લેવલે વધારાની રૂ. ૫૦ હજારની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે, જેથી હવે કુલ સહાય રૂ. ૧.૭૦ લાખ થઈ છે. આ ઉપરાંત, મનરેગા યોજના હેઠળ ૯૦ દિવસની મજૂરી પેટે રૂ. ૨૫,૯૨૦ અને શૌચાલય માટે રૂ. ૧૨ હજારની મદદ પણ આપવામાં આવે છે. સમયસર આવાસ પૂર્ણ કરનારને ‘મુખ્યમંત્રી પ્રોત્સાહક યોજના’ હેઠળ વધારાના રૂ. ૨૦ હજાર અને મહિલાઓ માટે બાથરૂમ બાંધકામ અર્થે રૂ. ૫ હજારની સહાય ચૂકવવામાં આવે છે.

PM-JANMAN: ઘર વિહોણા આદિમ જૂથોના પરિવારોને મળ્યો આશરો

વર્ષ ૨૦૨૩થી શરૂ કરવામાં આવેલા પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન (PM-JANMAN) હેઠળ રાજ્યના અતિ પછાત આદિમ જૂથો (PVTGs) જેવા કે કાથોડી, કોટવાળીયા, પઢાર, સિદ્દી અને કોલ્ગા પરિવારો માટે રૂ. ૨૨૬ કરોડથી વધુના ખર્ચે ૯,૧૫૧ પાકા આવાસોનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ યોજનામાં લાભાર્થીને રૂ. ૨ લાખની સહાય સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.

સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ): ઓડીએફ પ્લસ મોડેલ તરફ અગ્રેસર ગુજરાત

ગ્રામીણ સ્વચ્છતા અને આરોગ્ય સુરક્ષાના ક્ષેત્રે ગુજરાતે દેશભરમાં અગ્રેસર સ્થાન જાળવી રાખ્યું છે. છેલ્લા ૧૨ વર્ષમાં આ મિશન અંતર્ગત રૂ. ૭૧૬૨.૩૭ કરોડની જોગવાઈ સામે રૂ. ૫,૯૯૪.૫૪ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. તા. ૨ ઓક્ટોબર, ૨૦૧૯ના રોજ રાષ્ટ્રને ખુલ્લામાં શૌચમુક્ત (ODF) જાહેર થયા બાદ હવે ફેઝ-૨ હેઠળ 'ODF Plus Model' ગામોના નિર્માણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૪૪.૮૨ લાખથી વધુ વ્યક્તિગત શૌચાલયો બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ગ્રામીણ સ્તરે ઘન અને પ્રવાહી કચરાના વૈજ્ઞાનિક નિકાલ માટે ૧.૭૪ લાખ સામુહિક સોકપીટ, ૫૬,૩૬૯ સામુહિક કમ્પોસ્ટ પીટ અને ૧૩,૫૭૫ સેગ્રીગેશન શેડ તૈયાર કરાયા છે. ‘વેસ્ટ ટુ વેલ્થ’ અભિગમ હેઠળ ગોબરધન યોજના અંતર્ગત ૩૩ જિલ્લાઓમાં ૩૮ ક્લસ્ટર આધારિત બાયોગેસ પ્લાન્ટ અને ૧૪,૦૦૦ વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના 

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (વોટરશેડ ડેવલોપમેન્ટ કમ્પોનન્ટ) હેઠળ છેલ્લા ૧૨ વર્ષમાં રૂ. ૬૧૭.૯૦ કરોડના ખર્ચે ૧,૩૬,૫૮૯ કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. આ યોજનાનો હેતુ પ્રોજેક્ટ વિસ્તારમાં પ્રાકૃતિક સંસાધનોના જેવા કે ભૂમિ, જળ, વનસ્પતિ, આવરણનો વ્યવસ્થાપન કરી ઈકોલોજીકલ સંતુલન જાળવવાનો છે. યોજના હેઠળ જળ સંરક્ષણ,જમીન સુધારણા, આજીવિકા વિકાસ વગેરેની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેના પરિણામે ગ્રામીણ લોકોના જીવન ધોરણમાં સુધારો લાવી શકાય. યોજના અંતર્ગત ચેકડેમ, તળાવ, કોઝવે કામ અને ખેત તલાવડી જેવા જળસંચયના માળખા બનાવવામાં આવે છે, જેનાથી વરસાદનું પાણી વહી જતું અટકે છે અને તેનો સંગ્રહ થાય છે. પાણી જમીનમાં ઉતરવાથી ભૂગર્ભ જળસ્તરમાં વધારો થાય છે અને કૂવા-બોરવેલમાં પાણીની ઉપલબ્ધતા વધે છે.

GLPC: સખી મંડળો દ્વારા મહિલા સશક્તીકરણ અને ‘લખપતિ દીદી’નો સંકલ્પ

ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિ. (GLPC) એ રાજ્યની નારીશક્તિને આત્મનિર્ભર બનાવવાનું ઉત્તમ માધ્યમ બની છે. DAY-NRLM અંતર્ગત રાજ્યના ૨૪૮ તાલુકાઓમાં ૨૬.૨૫ લાખ ગ્રામીણ મહિલાઓને સાંકળીને ૨.૮૨ લાખ સ્વ-સહાય જૂથો (SHGs) ની રચના કરવામાં આવી છે. આ જૂથોને રીવોલ્વિંગ ફંડ, કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ અને રૂ. ૫,૬૦૦ કરોડથી વધુનું બેંક લિંકેજ પૂરું પાડી આર્થિક રીતે સદ્ધર કરવામાં આવ્યા છે.

વધુમાં, વડાપ્રધાનના ‘લખપતિ દીદી’ અભિયાન અંતર્ગત ગુજરાતની ૬ લાખથી વધુ મહિલાઓ આર્થિક રીતે સ્વનિર્ભર બની છે. સખી મંડળોની બહેનો દ્વારા ઉત્પાદિત વસ્તુઓને બજાર પૂરું પાડવા પ્રાદેશિક મેળાઓ, સરસ મેળા અને ઈ-કોમર્સ પ્લેટફોર્મનો સહારો લેવાઈ રહ્યો છે. આ ઉપરાંત ૩૦૦થી વધુ કેન્દ્રો પર કાર્યરત ‘મંગલમ કેન્ટીન’ બહેનોને નિયમિત આવક પૂરી પાડી રહી છે.