Mon Jul 27 2026

Logo

મોંઘી વીજળીના સમયમાં ગુજરાતના આ ગામડામાં લાઈટ બિલ આવે છે 'ઝીરો'! તમે આ ગામ વિશે જાણો છો કે નહીં...

2026-05-23 11:49:00
Author: Darshana Visaria
Article Image

ભારતમાં અત્યારે જ્યાં એક તરફ મેટ્રો શહેરોમાં વધતી ગરમી વચ્ચે વીજળીના ભાવો સતત આસમાને પહોંચી રહ્યા છે, ત્યારે બીજી તરફ દેશના કેટલાક એવા આદર્શ ગામડાઓ પણ છે જે પાવરફુલ સોલર સિસ્ટમ, સ્માર્ટ ગ્રીડ અને એડવાન્સ બેટરી સ્ટોરેજ ટેકનોલોજીના દમ પર સંપૂર્ણપણે 'ઉર્જા આત્મનિર્ભર' બની ગયા છે. આ ગામના લોકોને હવે દર મહિને આવતા મોંઘા લાઈટ બિલની કોઈ ચિંતા જ નથી. આજે આપણે આ સ્ટોરીમાં આ વિશે જ વાત કરીશું... 

ભારતના આ સોલર વિલેજ મોડલે સાબિત કરી દીધું છે કે જો સાચી ટેકનોલોજી અને સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે તો વીજળી પાછળ થતો મોટો ખર્ચ શૂન્ય કરી શકાય છે. ચાલો જોઈએ આખરે દેશના કયા એવા ગામડાઓ છે કે જેઓ આ મોડેલને અપનાવીને સમૃદ્ધ બન્યા છે-

મોઢેરાઃ 
વર્લ્ડ ફેમસ સૂર્ય મંદિર માટે જાણીતું ગુજરાતના મહેસાણા જિલ્લાનું મોઢેરા ગામ માત્ર રૂફટોપ સોલર પેનલ લગાવવા પૂરતું સીમિત નથી. અહીં વીજળીની અવિરત સપ્લાય માટે થ્રી-ટીયર (ત્રણ સ્તરીય) એનર્જી સિસ્ટમ વિકસાવવામાં આવી છે. ગામથી 3 કિલોમીટર દૂર સુજ્જનપુરમાં આશરે 12 હેક્ટર જમીન પર એક વિશાળ ગ્રાઉન્ડ-માઉન્ટેડ સોલર પાવર પ્લાન્ટ બનાવાયો છે, જે દિવસ દરમિયાન આખા ગામની વીજળીની જરૂરિયાત પૂરી કરે છે.

રાતના સમયે પણ આ ગામમાં વીજળી ગુલ ન થાય તે માટે 15 મેગાવોટનું બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ લગાવવામાં આવ્યું છે. દિવસ દરમિયાન બચેલી વધારાની સોલર ઉર્જા આ બેટરીમાં સ્ટોર થાય છે, જેને કારણે સૂરજ આથમ્યા પછી આખું ગામ ઓટોમેટિક બેટરી પાવર પર શિફ્ટ થઈ જાય છે.

ગામના 1600 થી વધુ ઘરોમાં પરંપરાગત મીટર હટાવીને ડિજિટલ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. આ સિસ્ટમ ન માત્ર વપરાશ પર નજર રાખે છે, પરંતુ ઘરોની છત પર બનાવવામાં આવેલી  વધારાની સોલાર એનર્જીને પાવર ગ્રીડમાં પાછી મોકલે છે, જેનાથી ગ્રામજનો ધૂમ કમાણી પણ કરે છે. આ આખા પ્રોજેક્ટ પાછળ આશરે 65 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો હતો, જેમાં કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારે ફિફ્ટી-ફિફ્ટીની ભાગીદારીમાં ફંડિંગ આપ્યું હતું.

માન્યાચીવાડી:
મહારાષ્ટ્રના સતારા જિલ્લાનું 'માન્યાચીવાડી' રાજ્યનું પ્રથમ સંપૂર્ણ સોલર સંચાલિત ગામ બની ગયું છે. અહીં સામાન્ય ઘરોથી લઈને ખેડૂતોના પંપ સુધી બધું જ સોલર એનર્જીથી ચાલે છે, જેના કારણે ખેડૂતોને હવે ખેતી માટે વીજળીના તોતિંગ બિલોમાંથી કાયમી મુક્તિ મળી ગઈ છે.

હિવરે બજાર: 
ભારતના સૌથી ધનિક ગામડાઓમાં જેની ગણના થાય છે એ મહારાષ્ટ્રનું અહમદનગરનું 'હિવરે બજાર' માત્ર ટેકનોલોજી પર નિર્ભર નથી. આ ગામે કુશળ જળ વ્યવસ્થાપન દ્વારા વીજળીની વપરાશ ઓછી કરી નાખી છે. અહીં શેરડી જેવા વધુ પાણી પીતા પાકો પર પ્રતિબંધ મૂકી દેવાયો, જેનાથી સિંચાઈ માટે વપરાતી ક્રેઝી વીજળીની બચત થઈ અને ગામ આર્થિક રીતે વધુ સમૃદ્ધ બન્યું.