મુંબઈ: ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના પૂર્વ ધુંઆધાર બેટર યુવરાજ સિંહે તાજેતરમાં એક ઈન્ટરવ્યુંમાં તેની નિવૃત્તિ મામલે મોટા ખુલાસા કર્યા છે, તેણે BCCIની ટીકા કરી. યુવરાજે ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ આપેલી મહત્વપૂર્ણ સલાહને પણ યાદ કરી.
યુવરાજ સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના અંતિમ તબક્કા દરમિયાન સ્પષ્ટતાના અભાવ બદલ ટીમ મેનેજમેન્ટની ટીકા કરી છે. યુવરાજે કહ્યું કે જ્યારે તેને લાંબા સમય સુધી ટીમની બહાર રાખવામાં આવ્યો ત્યારે તત્કાલીન કેપ્ટન વિરાટ કોહલી કે કોચ તરફથી કોઈ સ્પષ્ટ કારણ આપવામાં આવ્યું ન હતું.
યુવરાજ સિંહે કહ્યું કે એમએસ ધોનીએ તેને સ્પષ્ટતા આપી, ધોનીએ કહ્યું સિલેક્ટર્સ હવે તેનાં પર ધ્યાન નથી રાખી રહ્યા. યુવરાજે એમ પણ કહ્યું કે મેનેજમેન્ટે તેમને કહ્યું હતું કે જ્યારે તે ફિટનેસ ટેસ્ટ પાસ નહીં કરી શકશે, ત્યારે તેમને નિવૃત્તિ લેવાનું કહેવામાં આવશે.
યુવરાજ સિંહે કહ્યું "મારા કિસ્સામાં, કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા ન હતી. NCA, કેપ્ટન કે કોચ તરફથી કોઈ સ્પષ્ટતા કરવા આવી ન હતી. હું અટવાઈ ગયો હતો, મારી ઉંમર 36-37 વર્ષની હતી. હું 'હું શું કરું?' એ વિચારતો હતો. મને લાગ્યું કે હું જેવું ક્રિકેટ રમ્યો છું તેના માટે મને થોડું સન્માન મળવું જોઈએ.”
ધોનીએ આપી સલાહ
યુવરાજ સિંહે કહ્યું, “મેં એમએસ ધોની સાથે ફોન પર વાત કરી અને તેણે મને યોગ્ય સલાહ આપી, એ સમયે તે કેપ્ટન ન હતો. પરંતુ, જે ચાલી રહ્યું હતું તે બધું જોઈ રહ્યો હતો. ત્યાર બાદ મને કહેવામાં આવ્યું કે ‘તમે ફિટનેસ ટેસ્ટ પાસ નહીં કરી શકો, તમારે નિવૃત્તિ લેવી જોઈએ.’ મેં કહ્યું કે નિવૃત્તિ લેવી કે ન લેવી તે મારો નિર્ણય છે અને મને રમાડવો કે ન રમાડવો તે તમારો છે."