Tue Jul 28 2026

Logo

ભાંડુપમાં છરાના ઘા ઝીંકી યુવકની હત્યા: આરોપી 36 કલાકમાં જાલનામાં પકડાયો...

2026-02-15 20:08:00
Author: Yogesh C. Patel
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નજીવા મુદ્દે થયેલા વિવાદમાં મિત્રોની નજર સામે જ છરાના ઘા ઝીંકી યુવકની કરપીણ હત્યા કરવાની ભાંડુપમાં બનેલી ઘટનામાં પોલીસે 36 કલાકમાં જ આરોપીને જાલનામાંથી પકડી પાડ્યો હતો.

કાંજુર માર્ગ પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ રોહિત કચરુ ખરાત (26) તરીકે થઈ હતી. ભાંડુપમાં મેનન કૉલેજ નજીકના નાળા પાસે હર્ષ ઠાકુર (23)ની હત્યા કરવાના કેસમાં ખરાતની રવિવારે ધરપકડ કરાઈ હતી.

પોલીસ ફરિયાદ અનુસાર ઘટના શુક્રવારની મધરાતે દોઢ વાગ્યાની આસપાસ બની હતી. નાહુરની પ્રશાંત સાગર સોસાયટીમાં રહેતો હર્ષ શુક્રવારની બપોરે મિત્રો સાથે કામ નિમિત્તે વરલી ગયો હતો. વરલીથી મોડા પહોંચેલા મિત્રો ઘટનાસ્થળે વાતચીત કરતા ઊભા હતા ત્યારે આરોપી ખરાત બાઈક પર તેમની નજીક આવ્યો હતો.

વાતચીતને બહાને ખરાત હર્ષને મિત્રોથી થોડે દૂર લઈ ગયો હતો. વાતચીત દરમિયાન બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પછી ખરાતે છરાથી હર્ષ પર હુમલો કર્યો હતો. હાથ અને પેટ પર ગંભીર ઇજાને કારણે લોહીલુહાણ હાલતમાં હર્ષ જમીન પર ફસડાઈ પડ્યો હતો. તેની મદદ માટે દોડી આવેલા મિત્રોને ખરાતે છરાની ધાક દાખવી જાનથી મારવાની ધમકી આપી હતી. પછી બાઈક બેસી આરોપી ત્યાંથી રવાના થઈ ગયો હતો.

ગંભીર હાલતમાં હર્ષને નજીકની ખાનગી હૉસ્પિટલમાં લઈ જવાયો હતો અને તેના પિતા તુષાર ઠાકુરને જાણ કરાઈ હતી. સારવાર દરમિયાન હર્ષનું મૃત્યુ થયું હતું, એમ પોલીસે જણાવ્યું હતું. આ પ્રકરણે હર્ષના પિતા તુષારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

દરમિયાન આરોપી તેનો મોબાઈલ ફોન સ્વિચ ઑફ્ફ કરી ફરાર થઈ ગયો હતો. સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ અને સગાંસંબંધીઓની પૂછપરછમાં આરોપી તેના વતન જાલના ગયો હોવાની માહિતી પોલીસને મળી હતી. પોલીસની ટીમે જાલનાના બદનાપુર જિલ્લામાંથી ખરાતને પકડી પાડ્યો હતો.