Thu Jun 11 2026

Logo

કલ્યાણમાં બે જૂથ વચ્ચેની અથડામણમાં ગોળીબાર: યુવક ઘાયલ

2026-06-11 19:15:29
Author: Yogesh D Patel
Article Image

થાણે: થાણે જિલ્લાના કલ્યાણમાં રાતના બે હરીફ જૂથ વચ્ચે થયેલી અથડામણ દરમિયાન થયેલા ગોળીબારમાં 34 વર્ષના યુવકને ઇજા થઇ હતી.પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે કલ્યાણના ખડેગોળવલી વિસ્તારમાં બુધવારે રાતે 11 વાગ્યે બનેલી આ ઘટના બાદ બે સગીર સહિત સાત જણને તાબામાં લેવાયા હતા.કોલસેવાડી પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા મુજબ બે જૂથ વચ્ચે થયેલી સામાન્ય દલીલ અથડામણમાં પરિણમી હતી. અથડામણ દરમિયાન એક જૂથના સભ્યએ બીજા જૂથ પર ગોળીબાર કર્યો હતો.

રાહુલ વર્મા નામના યુવકને ગોળી વાગતાં તે ઘાયલ થયો હતો. રાહુલને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.દરમિયાન બનાવની જાણ થતાં કોલસેવાડી પોલીસ સ્ટેશનના અધિકારીઓ ત્વરિત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. બંને જૂથ વચ્ચે થયેલી અથડામણ પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું.

બંને જૂથના સભ્યોએ એકબીજા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગોળીબારની ઘટના સંદર્ભે બે સગીર સહિત સાત જણને તાબામાં લીધા હતા અને તેમની પૂછપરછ કરવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)