Wed May 06 2026

Logo

‘15 વર્ષના બિચારા વૈભવ સૂર્યવંશીનું તમે શોષણ કરો છો': જાણો, આવું કોણે કહ્યું...

2026-05-06 12:58:00
Author: Ajay Motiwala
Article Image

નવી દિલ્હી: ગયા મહિને જીવનના 15મા વર્ષમાં પ્રવેશ કરનાર ભારતનો અંડર-19 વર્લ્ડ ચેમ્પિયન બૅટ્સમૅન અને રાજસ્થાન રોયલ્સ (RR)નો ઓપનર વૈભવ સૂર્યવંશી તરફ આઈપીએલ (IPL)માં ધમાકેદાર પર્ફોર્મ કરીને ભારતની મુખ્ય ટીમમાં સ્થાન મેળવવાની આશા જગાવી રહ્યો છે ત્યાં સીએમ શિવકુમાર નાયક નામના સામાજિક કાર્યકરે વૈભવ પાસે બાળ મજૂરી કરાવવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરીને રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધાવવાની તૈયારી કરી દીધી છે.

15 વર્ષનો વૈભવ સૂર્યવંશી હજી પુખ્ત વયનો નથી થયો એટલે આઈપીએલમાં તેનું શોષણ કરવામાં આવી રહ્યું હોવાના અર્થમાં શિવકુમારે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ એફઆઇઆર નોંધાવવાની ધમકી આપી છે.

આઈપીએલમાં તમામ બૅટ્સમેનોમાં સૌથી વધુ રન કરીને આ વખતે ઑરેન્જ કૅપ મેળવી ચૂકેલા વૈભવના નામે આપવામાં આવેલી શિવકુમારની આ ધમકીને વખોડીને વૈભવના ચાહકોએ સોશ્યલ મીડિયામાં કહ્યું છે કે ‘શું અન્ડર-19 ક્રિકેટ નથી રમાતી? શું ચાઈલ્ડ એક્ટર્સ છે જ નહીં? નાના-મોટા સ્ક્રીન પર (ટીવી પર અને ફિલ્મોમાં) બાળ કલાકારો શું નથી જોવા મળતા? એવું બધું અસ્તિત્વમાં છે તો પછી વૈભવના ક્રિકેટ રમવા સામે શા માટે વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે? સચિન તેંડુલકરે તો 37 વર્ષ પહેલાં 16 વર્ષની નાની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. બાળ મજૂરીને લગતો કાયદો ઔદ્યોગિક વસાહતો માટે લાગુ કરવામાં આવતો હોય છે એ વાત અલગ છે અને પ્રોફેશનલ ક્રિકેટનો મુદ્દો અલગ છે.'

શિવકુમારે તાજેતરમાં એક કન્નડ ટીવી ચેનલ પરની ચર્ચા દરમ્યાન આક્ષેપ કરતા કહ્યું હતું કે ‘આઈપીએલમાં 15 વર્ષની નાની ઉંમરે રમાડીને વૈભવનું શોષણ થઈ રહ્યું છે.'

શિવકુમારની એવી દલીલ પણ છે કે ટીનેજર વૈભવની પ્રોફેશનલ કરીઅર બાળ મજૂરી વિરોધી કાયદાનો ભંગ કહેવાય. 

આઈપીએલની વર્તમાન સીઝનમાં વૈભવ સૂર્યવંશીએ 237.64ના સ્ટ્રાઈક-રેટથી કુલ 404 રન કર્યા છે.

શિવ કુમારે આઇપીએલમાં વૈભવના રમવા સામેના વિરોધમાં એવું પણ કહ્યું છે કે ‘વૈભવની હજી ભણવાની ઉંમર છે, પરંતુ તેને ક્રિકેટના અત્યંત સ્પર્ધાત્મક કહી શકાય એવા વૈશ્વિક ફલક પર મૂકી દેવામાં આવ્યો છે. આ ચાઈલ્ડ લેબર કહેવાય. હું બાળમજૂરીની સખત વિરુદ્ધમાં છું. હું આ સંબંધમાં (બાળક પાસેથી એનો અધિકાર છીનવી લેવા વિશે) રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરીશ અને અદાલતમાં પણ જઈશ.'