Wed Apr 29 2026

Logo

વૈભવ હજી બહુ નાનો છે, પણ હું...:રાજસ્થાનના યશસ્વીએ પંજાબના પરાજય બાદ દિલથી વાતો કરી

2026-04-29 17:29:01
Author: Ajay Motiwala
Article Image

ન્યૂ ચંડીગઢઃ મંગળવારે પંજાબ કિંગ્સ (પીબીકેએસ)ને આ સીઝનમાં પહેલી વખત હાર જોવડાવવામાં મોટી ભૂમિકા ભજવનાર રાજસ્થાન રૉયલ્સ (આરઆર)ના 24 વર્ષીય યુવાન ઓપનર યશસ્વી જયસ્વાલે પોતાની ઉંમરને લઈને ખૂબ રસપ્રદ જવાબ આપ્યો તેમ જ પોતાનાથી 10 વર્ષ નાના વૈભવ સૂર્યવંશી (Suryavanshi) વિશે પણ તેના મોઢે દિલની વાત બહાર આવી છે.

15 વર્ષીય સૂર્યવંશી આઇપીએલ-2026માં એક પછી એક સ્ટેડિયમ ગજાવી રહ્યો છે અને મંગળવારે તે ન્યૂ ચંડીગઢના મુલ્લાંપુરના સ્ટેડિયમમાં પણ છવાઈ ગયો હતો. યશસ્વી (Yashasvi) સાથે સૂર્યવંશીએ 51 રનની પ્રારંભિક ભાગીદારી કરી હતી. પંજાબે 223 રનનો લક્ષ્યાંક આપ્યા પછી રાજસ્થાને ચાર વિકેટે 228 રન કર્યા હતા જેમાં ડૉનોવાન ફરેરાના અણનમ બાવન રન, યશસ્વીના 51 રન અને શુભમ દુબેના અણનમ 31 રન ઉપરાંત વૈભવના 43 રન પણ સામેલ હતા જે તેણે 16 બૉલમાં પાંચ સિક્સર અને ત્રણ ફોરની મદદથી બનાવ્યા હતા. રાજસ્થાને ચાર બૉલ બાકી રાખીને છ વિકેટે વિજય મેળવ્યો હતો.

યશસ્વીએ મૅચ પછી કહ્યું, `અમે જાણતા જ હતા કે આ હાઇ-સ્કોરિંગ ગ્રાઉન્ડ છે એટલે અમારો ઇરાદો બહુ સ્પષ્ટ હતો. અમે નક્કી કર્યું હતું કે મોકો મળે ત્યારે ફટકો મારી જ દેવાનો. અમારે મોટી ભાગીદારી કરવી જ પડશે એ વાતે અમે સ્વાભાવિક રીતે સહમત હતા અને મેં નક્કી કર્યું હતું કે જો બૉલ મારી રેન્જમાં આવશે તો જોરદાર ફટકો મારી જ દઈશ. અમારે 200થી વધુ રન કરવાના હોવાથી અમારે કોઈ ભોગે સારી શરૂઆત કરવાની જ હતી.'

તમને સિનિયર પાર્ટનર હોવા બદલ કેવો અનુભવ થઈ રહ્યો છે? એવું પૂછાતાં યશસ્વીએ હસતાં કહ્યું, `મને નથી લાગતું કે હું મોટો થઈ ગયો છું. હું હજી પણ યુવાન જ છું. હા, વૈભવ સૂર્યવંશી બહુ નાનો છે. વધુ શું કહું એ જ નથી સમજાતું. મને તેની સાથે બૅટિંગ કરવામાં બહુ મજા આવે છે. તે ગજબની બૅટિંગ કરે છે. તે બૉલને જે રીતે ફટકો મારે છે એ સામા છેડે ઊભા રહીને જોવાની મજા પડી જાય છે.'