Fri Apr 17 2026

Logo

હૈદરાબાદ-ઈટલી કે સ્વિટ્ઝર્લેન્ડ- પાણીનો ફુવારો પ્રેમનું પ્રતીક છે...

2026-02-28 08:49:00
Author: Mumbaisamachar Team
Article Image

એક નજર ઈધર ભી...:કામિની શ્રોફ

પ્રેમ અને પાણી વચ્ચે અનોખો સંબંધ છે. પ્રેમમાં પ્રિયતમ પાણી પાણી થઈ જતો હોય છે અને પાણીદાર પ્રેમી માટે પ્રિયતમા સર્વસ્વ ન્યોછાવર કરતી હોય છે. ઉપરથી નીચે વહેવું એ પાણીની પ્રકૃતિ છે જ્યારે પ્રેમમાં ઉપરની દિશામાં ઉછળવું એ મનુષ્યની પ્રકૃતિ છે. અંગ્રેજીમાં  `ફાઉન્ટન' અને ગુજરાતીમાં આપણે જેને `ફુવારો' તરીકે ઓળખીએ છીએ એમાં પાણી નીચેથી ઉપર તરફ ઉછળતું હોવાથી એ પ્રેમનું પ્રતીક છે. 

પ્રેમમાં પડવામાં પણ ઉછળવાની વૃત્તિ જ ડોકિયાં કરે છે ને. `થોડા સા રૂમાની હો જાએ'માં નાના પાટેકરનો પાણીનો સંવાદ સાંભળતી વખતે કે પછી `નૌશેરવાન-એ-આદિલ'નું યુગલગીત `ભૂલ જાયેં સારે ગમ, ડૂબ જાયેં પ્યાર મેં' યુ ટ્યૂબ પર જોતા-સાંભળતા પાણીના ફુવારા પાસે દેખાતી માલા સિંહામાં તમને તમારા પ્રિય પાત્રની ઝાંખી અવશ્ય થાય. એ પાણીના ફુવારાની કમાલ છે. દેશ-વિદેશની ભ્રમણ યાત્રામાં પાણીના ફુવારાથી દિલ-દિમાગમાં એવું સિંચન થયું છે કે ભીતરનો પ્રદેશ કાયમ લીલોછમ રહે છે. કેટલાક ફુવારાની ફોરમ માણીએ.

વોટર જેટ, જીનિવા
સ્વિસ વ્હેર યુ ડોન્ટ વોન્ટ ટુ મીસ એનિથિંગ...યુરોપના પ્રવાસમાં સ્વિટ્ઝર્લેન્ડ જવાની લાલચ કોઈ ન રોકી શકે અને દેખવું એટલું દેખી લેવાની ઈચ્છા થાય એવો એનો પ્રભાવ છે. જીનિવા શહેર વિશેષ તો રાજદ્વારી બાબત સાથે સંબંધ ધરાવે છે. આ શહેર `યુનાઈટેડ નેશન્સ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન' અને `વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન'ના કાર્યાલયનું સરનામું છે. સિવાય વૈજ્ઞાનિક સંશોધનને ઉત્તેજન આપતી વિશ્વવિખ્યાત `ફિઝિક્સ લૅબોરેટરી યુરોપિયન ઓર્ગેનાઈઝેશન ફોર ન્યુક્લિયર રિસર્ચ' પણ આ જ શહેરમાં છે. 

જોકે, સ્વિસ ચોકલેટ અને રોલેક્સ તેમજ કાર્ટિએ લક્ઝરી બ્રાન્ડ રિસ્ટ વૉચ માટે પણ જીનિવા જાણીતું છે. આ ભૌતિકવાદના પરિચય સાથે જીનિવા પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતો વોટર ફાઉન્ટન (વોટર જેટ) માટે પણ ખ્યાતિ ધરાવે છે. યુરોપ ટૂરમાં આયોજન એવી રીતે થયું હતું કે અમે વોટર જેટ પાસે પહોંચ્યા ત્યારે સંધ્યાટાણું થયું હતું. પરિણામે દિવસના થોડા ઉજાસમાં અને સૂર્ય રોશની વિના રંગીન આહલાદક ફુવારો જોવાનો લહાવો મળ્યો. 

નાગરિકોના પાણી પુરવઠાની સમસ્યાના ઉપાય તરીકે 1886માં અસ્તિત્વમાં આવેલો આ ફુવારો બહુ જલદી સહેલાણીઓમાં આકર્ષણ બની ગયો. અત્યારે જે વોટર જેટ છે એ 1951માં અસ્તિત્વમાં આવ્યો હતો. બંધાયો ત્યારે એનું પાણી ફક્ત 30 મીટર ઊંચાઈ સુધી ઉછળતું હતું. આજની તારીખમાં 140 મીટર ઊંચે ઊડે છે. આ ફુવારાની લાઈટિગની વાત પણ રસપ્રદ છે. કોઈ પ્રસંગની ઉજવણી અથવા અંજલિ આપવા પાણીને રંગ આપવામાં આવે છે. 

પેરિસમાં 2016માં થયેલા આતંકવાદી હુમલા પછી વોટર જેટમાં ફ્રેન્ચ ધ્વજના ત્રણ રંગ બ્લુ, વાઈટ ને રેડ કલરના શેડ જોવા મળતા હતા. બારમાસી હોવાથી ફુવારાનું સંચાલન કરતી કંપનીના પાંચ નિવૃત્ત કર્મચારી એની દેખરેખ કરે છે અને તેમને હવામાનના કારણસર જરૂરી લાગે ત્યારે આ ફુવારો બંધ કરી દે છે.

હુસેન સાગર સંગીતમય ફુવારો
હૈદરાબાદ નામ પડતા જ વિશ્વ પ્રસિદ્ધ પાયા - બિરિયાની (પાયા નહીં ખાયા તો ક્યા ખાયા) યાદ આવે. પછી તરત ગોલકોંડા કિલ્લો અને રામોજી ફિલ્મ સિટીનું સ્મરણ થાય. તરત શ્રીમતી ચાર મિનાર અને એના બંગડી બજાર અને હૈદરાબાદી પોચમપલ્લી સાડીના ઉલ્લેખ સાથે માહિતીમાં ઉમેરો કરે. જોકે, બે વર્ષથી હૈદરાબાદના નયનરમ્ય સ્થળમાં એક નવું નામ ઉમેરાયું છે: હુસેન સાગર મ્યુઝિકલ ફાઉન્ટન. છેલ્લા કેટલાંક વર્ષોમાં જનતાને મોહિત કરી દેતા લેઝર શોનું ચલણ ખાસ્સું વધ્યું છે. 

હૈદરાબાદના આ ફુવારામાં પાણીની અંદર ગોઠવેલી એલઈડી લાઈટ્સથી પાણી અને પ્રકાશનું રચાતું અદ્ભુત સંયોજન નીરખી પાણી પાણી થઈ જવાય. 800 નાળચામાંથી ઉછળતું પાણી જ્યારે સંગીતના તાલ પર નૃત્ય કરતું નજરે પડે ત્યારે બત્રીસ કોઠે દીવા થયા હોય એવી લાગણી સાથે દિલ બાગ બાગ થઈ જાય. ટૂરિસ્ટ એટ્રેક્શન બની ગયેલા આ ફુવારાનું પાણી વિવિધ રંગ ધારણ કરી 90 મીટરની ઊંચાઈએ ઊડે ત્યારે પ્રત્યેક પ્રેમી જીવ વિહંગ બની આસમાનમાં ઊડવા લાગે છે. નજીકમાં આવેલા ગૌતમ બુદ્ધનું સ્મરણ કરાવતા `લુમ્બિની પાર્ક'માં અનુભવેલી આધ્યાત્મ શાંતિ પછી આ મ્યુઝિકલ ફાઉન્ટનના અનુભવ સામે શહેરના અન્ય આકર્ષણ ઝાંખા પડી જાય.

ધ ઈટાલિયન ફાઉન્ટન્સ
રોમ ભડકે બળતું હતું ત્યારે સમ્રાટ નીરો વાજિંત્ર વગાડતો હતો જેવી પીડાદાયક ઓળખ ધરાવતી ઈટલીની રાજધાની અન્ય કારણસર પણ ખ્યાતિ ધરાવે છે. કોલોઝિયમ, વેટિકન સિટી, પિઝા અને ફાઉન્ટન - ફુવારા માટે પણ રોમ ખ્યાતિ ધરાવે છે. રોમના રોકાણ દરમિયાન સ્પેશ્યલ ગાઈડ પાસે જાણવા મળ્યું કે શહેરના આઠથી દસ ફાઉન્ટનની મુલાકાત જરૂર લેવી જોઈએ. અલબત્ત, એ શક્ય નહોતું પણ બે ફુવારા ફાઉન્ટન ઑફ ધ ફોર રિવર્સ અને ટ્રેવિસ ફાઉન્ટન જોવાનો મોકો જરૂર મળ્યો. ફુવારાનો ઈતિહાસ રોમન સામ્રાજ્યના ઈતિહાસ (ઈ. સ. પૂર્વે 27થી ઈ. સ. 467) જેટલો પ્રાચીન છે. 

આશ્ચર્યચકિત કરનારી વાત તો એ છે કે અમુક ફુવારામાંથી પાણી તો એ શરૂ થયા ત્યારે વહેતુ હતું એ જ જગ્યાએથી વહે છે. ફાઉન્ટન ઑફ ફોર રિવર્સ રોમન માસ્ટરપીસ ગણાય છે. જિયાન લોરેન્ઝો બનીની નામના ઈટાલિયન શિલ્પીની આ કમાલ છે. આ ફાઉન્ટન ઈટલીના અન્ય ફુવારાથી નોખો તરી આવે છે, કારણ કે એની રચનામાં ઈજિપ્શ્યન સ્મારકનું પ્રતિનિધિ છે જે સત્તા, પ્રતિષ્ઠા અને પોપનું પ્રતીક છે. 

ગોળાકારમાં એશિયાની ગંગા, આફ્રિકાની નાઈલ, યુરોપની દાન્યુબ અને દક્ષિણ અમેરિકાની રિઓ ડે લા પ્લાટા એ ચાર નદીના દેવ-દેવીની હાજરી ઊડીને આંખે વળગે છે. ઉપરાંત દરેક દેશના પ્રાણી અને વનસ્પતિ આ દેવ-દેવીની ફરતે જોવા મળે છે. ટ્રેવિસ ફાઉન્ટન રોમનો જ નહીં, વિશ્વનો અત્યંત પ્રખ્યાત ફાઉન્ટન છે. એવી વાયકા છે કે જો કોઈ સહેલાણી જમણા હાથે ડાબા ખભા પરથી સિક્કો નાખે અને જો એ ફાઉન્ટનમાં પડે તો એ ફરી રોમની મુલાકાતે આવે. ફાઉન્ટનમાંથી મળતી રકમનો ઉપયોગ ગરીબીને કારણે બે ટંક અન્ન નહીં મેળવી શકતા રોમના રહેવાસીઓના ભોજન માટે કરવામાં આવે છે.