કોલકાતા: પશ્ચિમ બંગાળમાં બીજા અને અંતિમ તબક્કા માટે 29 એપ્રિલના રોજ યોજાનારી ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થયા છે. જેની માટે ભાજપ તેની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. આ વખતે રાજ્યમાં મમતા બેનર્જીની ટીએમસી અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો છે.
ભાજપ અને ટીએમસી વચ્ચે સીધી સ્પર્ધા
પશ્ચિમ બંગાળમાં આ વખતે મુખ્યત્વે ભાજપ અને ટીએમસી વચ્ચે સીધી સ્પર્ધા છે. જેમાં ટીએમસી સત્તા જાળવી રાખવા માટે પોતાની સંપૂર્ણ તાકાત લગાવી રહી છે. તો બીજી તરફ ભાજપ આ વખતે બંગાળમાં જીત માટે સતત પ્રયાસ કરી રહી છે. જેના પગલે પશ્ચિમ બંગાળમાં ઘણા વરિષ્ઠ ભાજપના નેતાઓ મહિનાઓથી પ્રચાર કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ પોતે રાજ્યભરમાં વિવિધ જાહેર સભાઓ, રેલીઓ અને રોડ શોમાં ભાગ લીધો હતો. ભાજપે પોતાના ચૂંટણી પ્રચારનું નેતૃત્વ માટે ગૃહ મંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ અને યોગી આદિત્યનાથ જેવા રાજકીય દિગ્ગજોને મેદાનમાં ઉતાર્યા હતા.
પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાનું મતદાન 91.78 ટકા નોંધાયું
ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન ગુરુવારે પૂર્ણ થયું. ભારતના ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, પ્રથમ તબક્કા દરમિયાન પશ્ચિમ બંગાળમાં મતદાન 91.78 ટકા રહ્યું હતું. જે અગાઉના તબક્કા કરતા નોંધપાત્ર રીતે વધારે છે. જ્યારે બીજા તબક્કાનું મતદાન 29 એપ્રિલે થવાનું છે. જેની માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ ચૂંટણી પંચે હિંસાને ટાળવા માટે 11 વધારાના પોલીસ નિરીક્ષકોની નિમણૂક કરી છે. જ્યારે બંને તબક્કાના મતદાનનું પરિણામ 4 મેના રોજ જાહેર કરવામાં આવશે.