Wed Aug 19 2026

Logo

ટીમ ઇન્ડિયામાં પેસ બોલર આકિબ નબીના સમાવેશ વિશે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરે આપ્યું ચોંકાવનારું નિવેદન

2026-08-07 16:16:49
Author: Ajay Motiwala
Article Image

નવી દિલ્હીઃ રણજી ટ્રોફીની ગઈ સીઝનમાં જમ્મુ-કાશ્મીરને ચૅમ્પિયન બનાવવામાં મોટું યોગદાન આપનાર પેસ બોલર આકિબ નબી (Aqib Nabi)ને શ્રીલંકાના પ્રવાસથી ટીમ ઇન્ડિયામાં પ્રવેશ મળ્યો છે, પરંતુ તેને જે રીતે ડેબ્યૂ કરવાની તક અપાઈ છે એ વિશે એક ભૂતપૂર્વ ખેલાડીનો જુદો જ મત છે.

જસપ્રીત બુમરાહ ઈજાને કારણે શ્રીલંકા સામેની બે ટેસ્ટની શ્રેણીમાં નથી રમવાનો એટલે વિકલ્પ તરીકે નબીને ટીમ ઇન્ડિયાની કૅપ મળવાની છે, પણ મુંબઈના ભૂતપૂર્વ બૅટિંગ-લેજન્ડ અને ભારત વતી રમી ચૂકેલા વસીમ જાફર (Wasim Jaffar)નું એવું માનવું છે કે નબીને રિપ્લેસમેન્ટ તરીકે ટીમ ઇન્ડિયામાં નહોતો સમાવવો જોઈતો, નબી એવો પેસ બોલર છે જેનો ટીમમાં સીધો જ સમાવેશ થવો જોઈતો હતો.

જોકે જાફર એ વાતથી ખુશ છે કે કોઈને કોઈ રીતે નબીને ભારતીય ટીમમાં પ્રવેશ મળ્યો તો ખરો. જાફરે એક યુટ્યૂબ ચૅનલ પરની વાતચીતમાં કહ્યું, `નબી ટીમ ઇન્ડિયામાં પ્રવેશ માટે હકદાર હતો અને તેને ટીમમાં જોઈને મને ખૂબ ખુશી થઈ છે. હા, તેને ટીમમાં ફર્સ્ટ-પ્લેસ તરીકે સ્થાન મળવું જોઈતું હતું. જોકે ક્યારેય ન થવાનું હોય એના કરતાં થોડું મોડું થયું પણ ભલે થયું તો ખરું.'

ઉલ્લેખનીય છે કે ડોમેસ્ટિક ક્રિકેટમાં નબી સતત સારું પર્ફોર્મ કરી રહ્યો હતો ત્યારે સિલેક્ટરોને તે યાદ નહોતો આવ્યો, પરંતુ હવે બુમરાહ પૂરેપૂરો ફિટ નથી અને શ્રીલંકા નથી જઈ શક્યો એટલે નબીને તેના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો. ક્રિકેટચાહકોનો સવાલ એ છે કે ચીફ સિલેક્ટર અજિત આગરકરના અધ્યક્ષસ્થાન હેઠળની કમિટી શા માટે નબીને અવગણતી રહી હતી? અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટમાં જ્યારે યુવાન ખેલાડીઓને મોકો મળ્યો હતો ત્યારે પણ નબી કેમ સિલેક્ટરોને યાદ ન આવ્યો?