Fri May 15 2026

Logo
IPL 2026:

આઈપીએલમાં વિરાટના 14,000 રન ફાસ્ટેસ્ટઃ રોહિત જેટલા 21 મૅન ઑફ ધ મૅચ અવૉર્ડ મેળવ્યા

2026-05-14 22:38:18
Author: Ajay Motiwala
Article Image

રાયપુરઃ વિરાટ કોહલી (105 અણનમ, 60 બૉલ, ત્રણ સિક્સર, અગિયાર ફોર)એ બુધવારે આઈપીએલમાં પોતાની 279મી ઐતિહાસિક મૅચમાં આ ટૂર્નામેન્ટના ઇતિહાસની વિક્રમજનક નવમી સેન્ચુરી સાથે ડિફેન્ડિંગ ચેમ્પિયન રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુને કોલકાતા સામે જિતાડીને પોઇન્ટ્સ ટેબલમાં મોખરે તો લાવી જ દીધું હતું. વરસાદના વિઘ્નવાળી મૅચમાં વિરાટે એમાં કેટલાક વિક્રમો પોતાના નામે કર્યા હતા.

વિરાટે બુધવારે 409મી ઇનિંગ્સમાં (ટી-20 ફૉર્મેટમાં) 14,000 રન પૂરા કર્યા હતા. તે ટી-20માં 14,000 રન પૂરા કરનાર વિશ્વનો સૌથી ઝડપી ખેલાડી બન્યો છે. તેણે 423 ઇનિંગ્સમાં 14,000 રન બનાવનાર ક્રિસ ગેઇલનો વિશ્વવિક્રમ તોડી નાખ્યો હતો.

વિરાટે બુધવારે આઇપીએલમાં 21મો મૅન ઑફ ધ મૅચ અવૉર્ડ જીતીને રોહિત શર્માના વિક્રમની બરાબરી પણ કરી હતી. આઇપીએલમાં ઉપરાઉપરી બે મૅચમાં શૂન્યમાં આઉટ થયા પછી ત્રીજી મૅચમાં સેન્ચુરી ફટકારનાર વિરાટ પહેલો જ ખેલાડી બન્યો છે.

આઈપીએલમાં વિરાટની આ 279મી મૅચ હતી. તે 19 વર્ષ જૂની આ ભારતીય લીગ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ મૅચ રમનારો ખેલાડી બન્યો છે. તેણે 278-278 મૅચ રમનાર એમએસ ધોની અને રોહિત શર્માનો રેકૉર્ડ તોડી નાખ્યો છે. આ રેકોર્ડ-બુકમાં રવીન્દ્ર જાડેજા (265 મૅચ) ચોથા નંબરે અને દિનેશ કાર્તિક (257 મૅચ) પાંચમા નંબરે છે.