નવી દિલ્હીઃ વિરાટ કોહલી (Virat Kohli) શાનદાર બૅટિંગ ઉપરાંત ફિટનેસ માટે તેમ જ મેદાન પર આક્રમકતા બતાવવા માટે જાણીતો છે, પરંતુ ભૂતપૂર્વ ક્રિકેટર અને વિશ્લેષક સંજય માંજરેકરે વિરાટમાં જે આક્રમકતા જોવા મળે છે એ વિશે મોટું નિવેદન આપ્યું છે. માંજરેકરે (Manjrekar) એક જાણીતા ખેલ-સામયિક માટે પૉડકાસ્ટ પરના ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે `વિરાટ અન્ડર-19ના દિવસોથી જ આવા ઝનૂન અને ઊર્જા સાથે રમતો આવ્યો છે અને એ જ તેની સફળતાનું સૌથી મોટું કારણ છે.'
વિરાટ હાફ સેન્ચુરી કે સેન્ચુરી કરે ત્યારે તો જોશમાં જોવા મળતો જ હોય છે, ફીલ્ડિંગમાં હોય ત્યારે લગભગ દરેક બૉલ પછી તેના અગ્રેસિવ અપ્રોચની ઝલક જોવા મળે છે. હરીફ ટીમની વિકેટ પડે ત્યારે જોશપૂર્વક બોલરને કે ફીલ્ડરને ભેટી પડવું અને તેને ઉત્સાહપૂર્વક શાબાશી આપવી એ જ વિરાટનો અનોખો અંદાઝ છે અને એ જ તેને અન્ય ખેલાડીઓથી નોખો પાડે છે.
જોકે વર્ષોથી ચર્ચા છે કે શું વિરાટની આ આક્રમકતા અસલી છે કે પછી તેનું આ પ્રદર્શન માત્ર કૅમેરા માટે જ હોય છે? આ ચર્ચામાં સંજય માંજરેકરે મન મૂકીને મંતવ્યો આપ્યા છે. શાનદાર બૅટિંગથી આ વખતે ડિફેન્ડિંગ ચૅમ્પિયન બેંગ્લૂરુને પ્લે-ઑફ માટેની રેસમાં જાળવી રહેવામાં યોગદાન આપનાર વિરાટ અચાનક ખરાબ પર્ફોર્મ કરવા લાગ્યો છે. તે ઉપરાઉપરી બે મૅચમાં ઝીરોમાં આઉટ થયો છે. તેના આ ઓચિંતા ફૉર્મ બાબતમાં ચર્ચા શરૂ થઈ એટલે માંજરેકરે વિરાટના સ્વભાવ અને ખેલ વિશેની તેની માનસિકતા પર મોટું નિવેદન આપ્યું છે.
સંજય માંજરેકરે વિરાટ વિશે શું કહ્યું?
(1) મેદાન પર વિરાટમાં જે જોશ અને ઝનૂન જોવા મળે છે એ કોઈ નવી વાત નથી. ક્રિકેટ કરીઅરની શરૂઆતથી તેનો આવો અભિગમ છે અને એ જ તેની ઓળખ છે.
(2) અન્ડર-19ના દિવસોથી આજ સુધી વિરાટની આ જ રમવાની સ્ટાઇલ છે. કેટલાક લોકો તો શું, ખેલાડીઓ પણ માનતા હોય છે કે વિરાટ કૅમેરામૅનના ફૉકસમાં રહેવા આવું કરતો હોય છે. જોકે હું એ વાત સાથે બિલકુલ સહમત નથી. વિરાટ જુનિયર ખેલાડી હતો ત્યારથી હું તેને ઓળખું છું. તેની આ જ સ્ટાઇલ છે અને એ જ તેને બૅટ્સમૅન તરીકે આગળ વધારે છે.
(3) વિરાટ હરીફ ટીમ પર જ્યારે ગુસ્સામાં હોય ત્યારે વધુ સારું પર્ફોર્મ કરે છે.
(4) 37 વર્ષની ઉંમરે પણ વિરાટમાં જે ઊર્જા છે એ જોઈને હું ચોંકી જાઉં છું. સામાન્ય રીતે ખેલાડીની ઉંમર વધે એમ તેનો જોશ ઘટતો જાય, પણ વિરાટના કિસ્સામાં આવું નથી. હું માનતો હતો કે ઉંમર વધશે એમ વિરાટ થોડો શાંત થઈ જશે, પરંતુ તે કૅચ ઝીલે કે રનઆઉટ કરે કે કોઈ સાથી ખેલાડી વિકેટ લે ત્યારે તેનામાં અસાધારણ ઊર્જા જોવા મળે છે.
(5) વિરાટ બહારથી ખૂબ આત્મવિશ્વાસી દેખાય છે, પણ જો તેની કોઈ ટીકા કરે તો એ વિશે તે ખૂબ સંવેદનશીલ થઈ જાય છે.