ગાંધીનગરઃ રાજકોટમાં ગત મહિને વાયબ્રન્ટ રિજનલ કોન્ફરન્સ યોજાઈ હતી. વર્ષ 2003માં તત્કાલીન મુખ્ય પ્રધાન અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાયબ્રન્ટ ગુજરાતની જે શરૂઆત કરી હતી, તેના મીઠા ફળ આજે આખું ગુજરાત ચાખી રહ્યું છે. રાજકોટમાં યોજાયેલી સમિટમાં બ્લુ ઇકોનોમી, ડેટા સેન્ટર, હરિત વિકાસ અને MSME સેક્ટર પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત સિરામિક, ઓટોમોબાઈલ અને મત્સ્ય ઉદ્યોગમાં રહેલી તકો વિશે પણ રાઉન્ડ ટેબલ ચર્ચાઓ થઈ હતી. સમિટમાં ટ્રેડ શો, પ્રદર્શન, નારી શક્તિ ઉદ્યોગ સંવાદ અને રિવર્સ બાયર સેલર મીટ જેવા આકર્ષણો પણ રાખવામાં આવ્યા હતા.
ગુજરાત વિધાનસભામાં રાજકોટમાં યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર-કચ્છ રિજનલ કોન્ફરન્સ અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. ચોટીલાના ધારાસભ્ય શામજીભાઈ ભીમજીભાઈ ચૌહાણે પૂછ્યું કે, 31-12-2025ની સ્થિતિએ ગુજરાતમાં વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ 2025 (સૌરાષ્ટ્ર-કચ્છ ઝોન) અંતર્ગત પ્રવાસન વિભાગ દ્વારા કેટલા કરોડના રોકાણ એમઓયુ થયા, તે પૈકી પ્રવાસન વિભાગ દ્વારા ઈન્ફ્રાસ્ટ્ર્ક્ચર પ્રોજેક્ટ્સ માટેના કેટલા કરોડના રોકાણ માટે એમઓયુ કરવામાં આવ્યા અને પ્રવાસન વિભાગ દ્વારા સ્ટ્રેટજીક પાર્ટનરશિપ માટે કેટલા એમઓયુ કરવામાં આવ્યા?
તેમના પ્રશ્નનો જવાબ આપતાં સરકારે જણાવ્યું, સૌરાષ્ટ્ર-કચ્છ ઝોન વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં 1527.56 કરોડના રોકાણ માટે એમઓયુ કરવામાં આવ્યા હતા. પ્રવાસન વિભાગ દ્વારા 1527.56 કરોડના એમઓયુ કરવામાં આવ્યા છે. પ્રવાસન વિભાગ દ્વારા સ્ટ્રેટજીક પાર્ટનરશિપ માટે ચાર એમઓયુ કરવામાં આવ્યા છે.
રાજકોટ ખાતે આયોજીત વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – કચ્છ અને સૌરાષ્ટ્રમાં રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2047 સુધીમાં વિકસીત ભારતના ભાગરૂપે સૌરાષ્ટ્ર અને કચ્છને વિકસિત બનાવવા માટે નક્કર રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો.આ સમિટ સૌરાષ્ટ્ર અને કચ્છની ક્ષમતાઓને વિશ્વ પટલ ઉપર ઉજાગર કરનાર પ્લેટફોર્મ બની હતી.