Sat Aug 15 2026

Logo

વૈષ્ણોદેવી ત્રિકૂટ પર્વત પર વસેલું લાખો શ્રદ્ધાળુઓનું ભક્તિનું સ્થાન

2026-08-03 09:25:00
Author: Umesh Trivedi
Article Image

 

ઉમેશ ત્રિવેદી

ભારતમાં માતા સતીની 51 શક્તિપીઠો આવેલી છે, તેમાં માતા વૈષ્ણોદેવીનો સમાવેશ થાય છે. આ મંદિર સમુદ્ર સપાટીથી 5,300 ફૂટ ઊંચાઇએ આવેલું છે. આ યાત્રા જમ્મુ કાશ્મીરના કટરાથી શરૂ થાય છે અને માતાના ભવન સુધી પહોંચવા માટે 13 કિલોમીટર જેટલું ચઢાણ ચડવું પડે છે. આ મંદિર ત્રિકૂટ પર્વત પર આવેલું છે અને ભારતના જે સૌથી શ્રીમંત એવા પાંચ મંદિરમાં વૈષ્ણોદેવીનો સમાવેશ થાય છે.

કટરાથી શરૂ થતી યાત્રાનું પહેલું સ્ટોપ બાણગંગા આવે છે. જે દોઢથી બે કિલોમીટરના અંતરે છે. બાણગંગાથી અર્ધકુંવારીની ગૂફા સુધીનું અંતર 4.2 કિ.મી. છે. લોકવાયકા મુજબ અર્ધકુંવારી ગૂફામાં માતા વૈષ્ણોદેવી છૂપાઇને નવ મહિના રહ્યા હતા અને અહીં તેમણે તપસ્યા કરી હતી. આ ગૂફામાં તેઓ ભૈરોસિંહના ડરથી છુપાયા હતા. અર્ધકુંવારીથી સાંઝી છત જવાય છે અને સાંઝી છત મંદિર ભવનથી 2.5 કિ.મી. દૂર છે. અહીં એક હેલિપેડ પણ બનાવવામાં આવ્યું છે.

હવે માતા વૈષ્ણોદેવીના દર્શને જનારા ભક્તજનો માટે બેટરી કાર, રોપ-વે, હેલિકૉપ્ટર સેવા વગેરેની વ્યવસ્થા ઉપલબ્ધ છે. સાથોસાથ પિઠ્ઠુ (ખચ્ચર) પર પણ જઇ શકાય છે. છતાંય ઘણાં શ્રદ્ધાળુઓ આ અંતર પગપાળા જ પાર કરે છે. અહીં આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યા વર્ષે દહાડે લાખોમાં નોંધાય છે.

અહીંની લોકવાયકા અને માન્યતા અનુસાર, માતા વૈષ્ણોનો જન્મ દક્ષિણ ભારતના રત્નાકર પરિવારમાં થયો હતો. બાળપણમાં તેમનું નામ ત્રિકૂટ હતું. ત્યાર પછી તેમનો જન્મ ભગવાન વિષ્ણુના વંશમાં થયો, જેનાં કારણે તેમનું નામ વૈષ્ણવી રાખવામાં આવ્યું હતું. માતા વૈષ્ણોનો જન્મ ત્રેતા યુગમાં લોકકલ્યાણ માટે થયો હતો.

બીજી એક લોકવાયકા મુજબ, એક રાક્ષસ રાજાએ બ્રહ્માજીની કઠોર તપસ્પા કરી, તપસ્યાથી પ્રસન્ન થયેલ બ્રહ્માજીએ રાક્ષસ રાજને વરદાન માગવા કહ્યું, રાક્ષસ રાજાએ વરદાન માગ્યું કે ત્રણેય લોકમાં ગર્ભમાંથી જન્મેલો કોઇ પણ જીવ તેને મારી નહીં શકે. વરદાન મેળવ્યા પછી રાક્ષસ રાજે દેવી-દેવતાઓ, ઋષિમુનિઓ અને મનુષ્યો પર અત્યાચાર કરવાનું શરૂ કર્યું. હેરાન-પરેશાન થયેલા દેવતાઓ બ્રહ્માજી પાસે ગયચા, ત્યારે તેમણે તેમને ભગવાન શંકર પાસે મોકલ્યા.

શિવે દેવતાઓને વિષ્ણુ પાસે જવા કહ્યું. ભગવાન વિષ્ણુએ રાક્ષસરાજને મારવા માટે માતા લક્ષ્મી, પાર્વતી અને સરસ્વતીને પોતાની શક્તિથી એક સ્ત્રીનું સર્જન કરવાનું જણાવ્યું. આ ત્રણેય દેવીઓએ મળીને એક નવી શક્તિનું સર્જન કર્યું, જેનું નામ વૈષ્ણવી રાખવામાં આવ્યું, તે દેવીએ રાક્ષસ રાજને મારી નાખ્યો હતો.

આ કાર્ય પૂર્ણ કરીને માતા વૈષ્ણવી ભગવાન વિષ્ણુ પાસે ગયા અને તેમને હૃદયમાં સ્થાન આપવા જણાવ્યું, વિષ્ણુએ તેમને રાજા રત્નાકરની પુત્રી તરીકે જન્મ લઇ ધર્મનું રક્ષણ કરવાનો આદેશ આપ્યો અને ખાતરી આપી કે તેઓ તેમને જરૂર મળશે. માતા વૈષ્ણવીનો જન્મ રત્નાકરને ત્યાં થયો અને નાનપણથી જ તેમણે રામ નામનું રટણ ચાલુ કર્યું હતું, જ્યારે તે મોટા થયા ત્યારે ત્રિકૂટ પર્વત પર જઇને રામની રાહ જોવા લાગ્ચા. ભગવાન રામ માતા સીતાને શોધતાં શોધતાં ત્રિકૂટ પર્વત પર આવ્યા હતા, ત્યારે વૈષ્ણવીને સાથે લઇ જવાનો ઇન્કાર કર્યો હતો કે તેઓ માતા સીતાને પરણ્યાં હતાં.

પૌરાણિક કથા અનુસાર ભગવાન રામે માતા વૈષ્ણોને ચિત્રકૂટ પર્વત પર જ રાહ જોવાનું કહ્યું અને સાથે જ આશ્વાસન આપતાં કહ્યું કે, હું કળિયુગના અંતે કલ્કિ અવતાર લઇને તમને મળીશ ત્યારે તમારી સાથે જરૂર લગ્ન કરીશ, તે સમયે મારે બે પત્ની હશે એક મહાલક્ષ્મી અને બીજાં તમે, ત્યારથી માતા વૈષ્ણો ત્રિકૂટ પર્વત પર બિરાજ્યાં છે અને કલ્કિ ભગવાનની રાહ જુએ છે.

એવું પણ કહેવાય છે કે વૈષ્ણોદેવીની પવિત્ર ગૂફા એક હિન્દુ પૂજારી પંડિત શ્રીધર દ્વારા શોધાઇ હતી. દેવી વૈષ્ણવીએ સ્વપ્નમાં પૂજારીને દર્શન આપ્યા અને ત્રિકૂટ પર્વત પર આવેલી આ ગૂફાનો રસ્તો બનાવ્યો, તેમની સૂચનાઓનું પાલન કરીને પૂજારીએ યાત્રા શરૂ કરી અને આ ગૂફા શોધી કાઢી માતા વૈષ્ણોદેવીએ તેમને દર્શન આપ્યા અને તેમને ચાર પુત્ર થશે એવો આશિર્વાદ પણ આપ્યો. તેમણે શ્રીધરને આ ગૂફાના રક્ષક બનવાનું વચન આપ્યું. ત્યારથી પંડિત શ્રીધરના વંશજો આ ગૂફાની દેખરેખ કરે છે.

માતા વૈષ્ણોદેવી અને ભૈરવનાથની લોકવાયકા પણ ખૂબ જ રસપ્રદ છે. મહાયોગી ગુરુ ગોરખનાથજીએ તેમના શિષ્ય ભૈરવનાથને દેવી વૈષ્ણોએ કેટલી તપસ્યા કરી છે એ જોવા માટે મોકલ્યા હતા પણ ભૈરવનાથ પોતાનો હેતુ ભૂલી દેવીના પ્રેમમાં પડ્યો અને માતા વૈષ્ણવોને લગ્ન કરવા માટે વૈષ્ણવી ડુંગરાઓ તરફ ભાગી ગઇ, પણ ભૈરવ તેનો પીછો કરતો જ રહ્યો, ક્રોધમાં આવી દેવીએ ભૈરવનાથને મારી નાખ્ચો, ભૈરવનાથને પોતાની ભૂલ સમજાઇ તો તેણે માફી માગી, દેવીએ તેને માફ કરી દીધો અને સાથે જ વરદાન પણ આપ્યું કે, દરેક યાત્રાળુઓ વૈષ્ણદેવીના દર્શન કર્યા પછી ભૈરવનાથના દર્શન કરશે તો જ વૈષ્ણોદેવીની યાત્રા પૂર્ણ થયેલી ગણાશે.

વૈષ્ણોદેવીની ગૂફામાં માતા વૈષ્ણોની મૂર્તિ સાડા પાંચ ફૂટ ઊંચા ખડકના સ્વરૂપમાં છે. આ ખડકના ઉપરના ભાગમાં ત્રણ માથા અથવા પિંડીઓ છે, જે માતા લક્ષ્મી, માતા પાર્વતી અને માતા સરસ્વતીના છે. માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડની રચના 1986માં કરવામાં આવી, ત્યારથી આ સ્થળે લાખોની સંખ્યામાં હિન્દુઓ આવે છે.

આ મંદિરનો ઇતિહાસ એમ પણ કહે છે કે, 12મી સદીમાં ડોગરા પરિવારની કુળદેવી તરીકે માતા વૈષ્ણવીનો ઉલ્લેખ છે. માતા વૈષ્ણવી ખૂબ જ દેખાવડા હતા અને ભૈરવ જેવાં લોકો તેમના રૂપથી આકર્ષિત થતા હતા. એટલે તેમણે પોતાના શરીરનો ત્યાગ કરીને શિલાનું રૂપ ધારણ કરી લીધું, અને અહીં જે ત્રણ પિંડી છે એ મહાકાલી (પાર્વતીનું સ્વરૂપ), મહાલક્ષ્મી અને મહા સરસ્વતીના રૂપમાં છે અહીં નવરાત્રિ દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે.