નવી દિલ્હીઃ 2025ની આઇપીએલમાં 35 બૉલમાં સદી ફટકારીને ભારતીયોમાં ફાસ્ટેસ્ટ સેન્ચુરિયન બન્યા પછી ભારતને અન્ડર-19 વર્લ્ડ કપ જિતાડવામાં મહત્ત્વનું યોગદાન આપનાર 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી આ વખતની આઇપીએલમાં પણ છગ્ગા-ચોગ્ગાનો વરસાદ વરસાવીને તેમ જ સેન્ચુરી ફટકારીને ચમકી રહ્યો છે એનાથી પ્રેરાઈને ભારતીય સિલેક્ટરોએ તેને ઇન્ડિયા-એ ટીમમાં સામેલ કર્યો છે. આ ટીમ નવમી જૂનથી શ્રીલંકામાં ત્રણ દેશ વચ્ચેની વન-ડે ટૂર્નામેન્ટમાં રમશે. તિલક વર્મા (Tilak Verma)ને ઇન્ડિયા-એ ટીમનો કૅપ્ટન તથા રિયાન પરાગને વાઇસ-કૅપ્ટન બનાવવામાં આવ્યો છે. ટીમના ખેલાડીઓની સરેરાશ ઉંમર 23 વર્ષની છે.
વૈભવ (Vaibhav)ને ભારતની મુખ્ય ટીમમાં સમાવવાની જરૂર છે એવા કેટલાક ક્રિકેટ નિષ્ણાતોના મંતવ્યો બાદ વૈભવને ઇન્ડિયા-એ ટીમમાં સમાવવામાં આવ્યો એના પરથી કહી શકાય કે તેને ટીમ ઇન્ડિયા વતી રમાડવા માટેનું રિહર્સલ શરૂ થઈ ગયું છે. આ ટ્રાય-સિરીઝ (Tri Series)માં ઇન્ડિયા-એ, શ્રીલંકા-એ અને અફઘાનિસ્તાન-એ ટીમ રમશે. તમામ મૅચો દામ્બુલામાં રમાશે અને ભારતીય ટીમ ગૉલમાં ચાર દિવસની બે `ટેસ્ટ' પણ રમશે.
એવી ચર્ચા છે કે આઇપીએલ પછી ભારતની ટી-20 ટીમ જૂન મહિનામાં આયરલૅન્ડ તથા ઇંગ્લૅન્ડનો જે પ્રવાસ કરશે એ માટેની ભારતીય ટીમમાં જો વૈભવને સામેલ કરવો હોય તો તેને એ પહેલાં શ્રીલંકામાં ઇન્ડિયા-એ વતી રમવા મોકલવો જોઈએ.
ઇન્ડિયા-એ ટીમઃ તિલક વર્મા (કૅપ્ટન), રિયાન પરાગ (વાઇસ-કૅપ્ટન), વૈભવ સૂર્યવંશી, પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), આયુષ બદોની, નિશાંત સિંધુ, હર્ષ દુબે, સૂર્યાંશ શેડગે, કુમાર કુશાગ્ર (વિકેટકીપર), વિપ્રજ નિગમ, યશ ઠાકુર, યુધવીર સિંહ, અંશુલ કમ્બોજ અને અર્શદ ખાન.