Mon Jul 27 2026

Logo

વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર, PSIની કરતી હતી તૈયારી

2026-03-05 14:02:00
Author: Mayur Patel
Article Image

વડોદરાઃ શહેરમાં કપુરાઇ પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મીએ આપઘાત કર્યો હતો. પ્રિયંકા પ્રજાપતિએ પોતાના ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ હતી. પ્રિયંકાએ તાજેતરમાં જ પીએસઆઈ માટેની શારીરિક કસોટી પાસ કરી હતી અને તેઓ ઉચ્ચ અધિકારી બનવાની દિશામાં આગળ વધી રહ્યા હતા.

મૂળ બનાસકાંઠાની વતની

મૂળ બનાસકાંઠા જિલ્લાના વતની પ્રિયંકા પ્રજાપતિ વડોદરામાં આજવા રોડ પર નવજીવન પાસે રહીને પોતાની ફરજ બજાવતા હતા. પીએસઆઈ બનવા માટે તેમણે ભારે મહેનત કરી હતી અને પ્રારંભિક સફળતા પણ મેળવી લીધી હતી. તેઓ આગામી લેખિત પરીક્ષા માટે તનતોડ તૈયારી કરી રહ્યા હતા, પરંતુ તે પહેલાં જ તેમણે પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈ લીધો હતો.

10 દિવસથી રજા પર હતા

મૃતક પ્રિયંકા પ્રજાપતિ છેલ્લા બે વર્ષથી કપુરાઈ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા અને નવજીવન વિસ્તારમાં વોર્ડ 5ની ઓફિસ સામે એકલા રહેતા હતા. તેઓ પીએસઆઈની પરીક્ષાની તૈયારી કરતા હતા. છેલ્લા 10 દિવસથી રજા પર હતા. 

સાથી કર્મીઓએ આપી શ્રદ્ધાંજલિ

ઘટનાની જાણ થતા જ બાપોદ પોલીસ મથકની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી. સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ બહાર મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ ઉમટી પડ્યા હતા. પોલીસ જવાનોએ અત્યંત ભારે હૈયે પ્રિયંકા પ્રજાપતિને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

પોલીસે તપાસ શરૂ કરી

મહિલા પોલીસ કોન્સ્ટેબલે આ આત્યંતિક ડગલું કેમ ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. શું કોઈ કામનું દબાણ હતું, અંગત પારિવારિક સમસ્યા હતી કે અન્ય કોઈ કારણ, તે અંગે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. સાથી કર્મીના આવા પગલાથી કર્મચારીઓમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.