વડોદરાઃ શહેરમાં ઈલેક્ટ્રિક બસ ટૂંક સમયમાં દોડતી થશે. 42 બસની પ્રથમ બેચ આ મહિના અંતમાં મળી શકે છે. ગોત્રી અને સયાજીગંજ નજીક ચાર્જિંગ સ્ટેશન લગભગ પૂર્ણતાના આરે છે, જ્યારે મકરપરામાં તેનું પ્લાનિંગ થઈ રહ્યું છે. સયાજીગંજની સુવિધા રેલ્વે સ્ટેશનની સામેના હાલના બસ સ્ટેન્ડનું સ્થાન લેશે અને ચાર્જિંગ હબ તરીકે પણ કાર્ય કરશે. ઈલેક્ટ્રિક બસ દોડાવવા માટે 1 કિમીનો ખર્ચ 65 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે.
PMe-Bus sewa સ્કીમ હેઠળ કેન્દ્ર સરકારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને 250 ઈ બસને મંજૂરી આપી છે. 100 બસનું ટેન્ડર પૂર્ણ થઈ ગયું છે અને ટૂંક સમયમાં ડિલિવરી કરવામાં આવશે. બસનો વધુ સ્લોટ ત્રણ મહિનામાં આવવાની શક્યતા છે.
બસ ચલાવવા માટે પ્રતિ કિલોમીટર 65 રૂપિયાનો ખર્ચ મંજૂર કરાયો છે. જેમાંથી 30 રૂપિયા કેન્દ્ર સરકાર, 22 રૂપિયા રાજ્ય સરકારે અને 13 રૂપિયા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભોગવશે. વડોદરા કોર્પેોરેશન જાહેરાત અને ભાડા દ્વારા રિકવર કરશે.
હાલમાં 150 બસોના કાફલા સાથે ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા CNG બસ સેવા સંચાલિત છે, જેમાંથી લગભગ 130 બસો દરરોજ દોડે છે. ઇલેક્ટ્રિક બસોનો કાફલો કાર્યરત થયા પછી તેને તબક્કાવાર બંધ કરવામાં આવશે. વર્તમાન કોન્ટ્રાક્ટરે તેનો કોન્ટ્રાક્ટ સમાપ્ત કરવાની માંગ કરી છે, જે 2023થી અનેક વખત લંબાવવામાં આવ્યો છે. વધુ બસો સામેલ થયા બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પાદરા, સાવલી, વાઘોડિયા રોડ અને પોર સુધી સેવાઓ લંબાવવાની યોજના પણ ધરાવે છે.