Sun Sep 06 2026

Logo

ગુજરાતમાં ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમામાં શ્રદ્ધાળુઓ ઉમટયા, વ્યવસ્થાની સમીક્ષા કરાઈ

2026-03-22 17:43:00
Author: Chandrakant Kanoja
ગુજરાતમાં ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમામાં શ્રદ્ધાળુઓ ઉમટયા, વ્યવસ્થાની સમીક્ષા કરાઈ

રાજપીપળા : ગુજરાતમાં નર્મદા પરિક્રમાનો પ્રારંભ નાંદોદ તાલુકાના રામપુરા અને કીડી-મંકોડી ઘાટથી 19 માર્ચથી શરુ થયો છે.  આ પરિક્રમામાં મોટી સંખ્યા  શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. જેની માટે સરકારે  યોગ્ય વ્યવસ્થાઓ પણ કરી છે. આ પરિક્રમા  ફાગણ વદ અમાસ 19 માર્ચથી ચૈત્ર વદ અમાસ 17 એપ્રિલ 2026 સુધી  કુલ 30 દિવસ સુધી આ પરિક્રમા ચાલશે. ત્યારે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મેરજાએ પરિક્રમા રૂટ અને વિવિધ ઘાટની રૂબરૂ મુલાકાત લઈ સમિક્ષા કરી હતી. 

ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા' લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતીક

ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા' લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતીક છે. આ પરિક્રમા દરમિયાન યાત્રિકોને કોઈ અગવડ ન પડે તે માટે  વ્યવસ્થાઓની ગુણવત્તા તપાસવા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મેરજાએ પરિક્રમા રૂટ અને વિવિધ ઘાટની રૂબરૂ મુલાકાત લઈ સમિક્ષા કરી હતી.

તેમણે  રામપુરા ઘાટ ખાતે પહોંચીને સૌથી પહેલાં શ્રદ્ધાળુઓ માટે તૈયાર કરવામાં આવેલી જેટી અને બોટિંગ વ્યવસ્થાની સમિક્ષા કરી હતી. તેમણે ખાસ કરીને લાઈફ જેકેટના ઉપયોગ અને સલામતીના નિયમોના ચુસ્ત પાલન પર ભાર મૂક્યો હતો.

યાત્રિકો માટે પીવાનું પાણી, સ્નાન માટેના ઘાટ, મહિલાઓ માટે અલાયદા ચેન્જિંગ રૂમ, લાઇટિંગ અને આરોગ્ય કેન્દ્રોની સુવિધા તેમણે પ્રત્યક્ષ નિહાળી હતી. સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે કાર્યરત સીસીટીવી (CCTV) કંટ્રોલ રૂમની પણ તેમણે મુલાકાત લીધી હતી.

10 કરોડના ખર્ચે હંગામી અને કાયમી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી

યાત્રાળુઓની સુવિધા માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અંદાજે રૂ. 10 કરોડના ખર્ચે હંગામી અને કાયમી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. જેમા રહેવા અને વિશ્રામ માટે વિશાળ વોટરપ્રૂફ ડોમ શેલ્ટરમાં ખાટલા, ગાદલા, ઓશીકા અને બેડશીટ સાથેની બેઠક વ્યવસ્થા  કરવામાં આવી છે. 

ભોજન-વિશ્રામની વ્યવસ્થાઓની પ્રશંસા કરી હતી

પરિક્રમાના રૂટ પર પદયાત્રા દરમિયાન સચિવે  શ્રદ્ધાળુઓ સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો અને સુવિધાઓ અંગે તેમનો પ્રતિભાવ મેળવ્યો હતો. યાત્રા માર્ગ પર તેમણે મિશન મંગલમની બહેનો દ્વારા ચલાવવામાં આવતા સ્ટોલની મુલાકાત લઈ તેમને પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત,  મા નર્મદાના દર્શન અને આરતીમાં ભાગ લઈ ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો.

તેમણે સેવાભાવી સંસ્થાઓ અને આશ્રમો દ્વારા આપવામાં આવતા ભોજન-વિશ્રામની વ્યવસ્થાઓની પ્રશંસા કરી હતી. બોર્ડ દ્વારા કરવામાં આવેલા સુઆયોજિત પાર્કિંગ અને વિશ્રામ સ્થળોની સગવડથી યાત્રિકોને પડતી સરળતા જોઈ સચિવે  સંતોષ વ્યક્ત કર્યો હતો.

સઘન સવલતો ઉપલબ્ધ 

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રાળુઓ માટે વિશાળ વોટરપ્રૂફ ડોમ શેલ્ટરમાં ખાટલા, ગાદલા, ઓશીકા અને આરામની બેઠક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત મેડિકલ યુનિટ, 24*7 એમ્બ્યુલન્સ, ક્લોક રૂમ અને સ્વચ્છતા માટેની સઘન સવલતો ઉપલબ્ધ કરાવાઈ છે.