Fri Aug 21 2026

Logo

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ભારે વરસાદથી અલકનંદા-મંદાકિની નદીઓ ગાંડીતુર: હાઈએલર્ટ, શાળાઓ બંધ

2026-08-06 16:59:24
Author: Mumbai Samachar Team
Article Image

રુદ્રપ્રયાગઃ ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ભારે વરસાદને કારણે હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અલકનંદા અને મંદાકિની બંને નદીઓના પાણીનું લેવલ વધી રહ્યું છે. સુરક્ષાને ધ્યાને લેતા શાળાઓ અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે, લોકોને ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને વરસાદના સમયે ઘરની બાહર ન નીકળવા માટે તંત્ર તરફથી સૂચના આપવામાં આવી છે. સતત વરસાદને કારણે અલકનંદા અને મંદાકિની નદીઓના વોટરલેવલમાં વધારો થયો છે, જેના કારણે જિલ્લા વહીવટીતંત્ર એ હાઇ એલર્ટ જાહેર કર્યું છે. રુદ્રપ્રયાગ જિલ્લાના ઇમરજન્સી વિભાગે એક નોટીફિકેશન જાહેર કરી લોકોને નદી કિનારાથી દૂર રહેવા અને સલામત સ્થળોએ રહેવા વિનંતી કરી છે.

મંદાકિની નદીનું સ્તર વધતા એલર્ટ

ડિસ્ટ્રિક્ટ ઓફિસર નંદનસિંહ રાજાવરે જણાવ્યું હતું કે, હવામાન ખાતાએ કરેલી આગાહી અનુસાર, ચમૌલી તથા કેદારનાથ જેવા હિમાલયના ક્ષેત્રોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. આનાથી રૂદ્રપ્રયાગની નદી, જેમાં મંદાકિની નદીનો સમાવેશ થાય છે એને પણ માઠી અસર પહોંચી છે. મંદાકિની નદીમાં પાણીનું સ્તર વધતા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભયજનક સપાટીથી હાલમાં નીચે છે પણ જો સપાટી ઉપરથી પાણી જશે તો સ્થાનિક નગર નિગમના અધિકારીઓ,પોલીસ અને ઈમરજન્સી મેનેજમેન્ટ ટુકડીને સ્ટેન્ડ ટુ રહેવા સૂચના આપી દેવામાં આવી છે. 

નદીમાં પાણીનો ફ્લો વધી રહ્યો

નદીના કિનારાથી લોકોને દૂર રહેવા માટેની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. નદીના કિનારાઓ પાસે સતત વૉચ રાખવામાં આવી રહી છે. સમગ્ર ઉત્તરાખંડમાં થોડા થોડા સમયના અંતરે વરસાદ થઈ રહ્યો છે. આના કારણે નદીમાં પાણીનો ફ્લો વધી રહ્યો છે. હવમાન ખાતાના એલર્ટ અનુસાર દહેરાદૂન, ચમૌલી અને બાગેશ્વરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. પરિસ્થિતિને ગંભીરતાથી લઈને મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ જિલ્લા ક્લેક્ટર સાથે વાતચીત કરીને જુદા જુદા જિલ્લાઓની સ્થિતિની સમીક્ષા કરી છે. 

પ્રવાસીઓને અપીલ

હવામાન ખાતના એલર્ટ અનુસાર આગામી શનિવાર સુધી ઉત્તરાખંડ પર વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે.ભારેથી અતિભારે વરસાદ થશે. ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. રાજ્યમાં પ્રવાસ માટે આવનારા પ્રવાસીઓને અપીલ કરતા કહ્યું હતું કે, તેઓ વેધરની સ્થિતિને જોઈને આવે.હવામાન ખાતા દ્વારા આપવામાં આવતા નોટિફિકેશનને ગંભીરતાથી લે. એલર્ટ રહે. લોકો કારણ વગર બાહર નીકળવાનું ટાળે. જરૂરી હોય તો જ પ્રવાસ કરે. 

પ્રવાસીઓ પ્રવાસ શરૂ કરે એ પહેલા વેધરની વેબસાઈટ પરથી જે તે વેધરની માહિતી જોઈને જ બાહર નીકળે. સમગ્ર ઉત્તરાખંડમાં છેલ્લા પાંચ દિવસથી છૂટા છવાયા ઝાપટા પડી રહ્યા છે. આ કારણે રાજ્યમાંથી પસાર થતી નદીના જળસ્તરમાં વધારો થયો છે. આ કારણે સ્થિતિ વણસી રહી છે. ખાસ કરીને હરિદ્વાર અને ચમૌલીમાં સારો એવો વરસાદ થયો છે.