Mon Oct 05 2026

Logo

ઉત્તરાખંડના કેદારનાથમાં ચાર ધામ યાત્રા દરમિયાન 50.30 મેટ્રિક ટન કચરો એકત્ર થયો

2026-09-25 16:08:00
Author: Chandrakant Kanoja
ઉત્તરાખંડના કેદારનાથમાં ચાર ધામ યાત્રા દરમિયાન  50.30 મેટ્રિક ટન કચરો એકત્ર થયો

કેદારનાથ: ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ દર્શને આવતા હોય છે. જોકે, આ દરમિયાન શ્રદ્ધાળુઓ અનેક સ્થળોએ કચરો મૂકી જતાં હોય છે. આ અંગે મળતી માહિતી મુજબ ચાર ધામ યાત્રાના પાંચ માસ દરમિયાન કેદારનાથ ધામમાં સૌથી વધુ કચરો એકત્ર થયો છે. આરટીઆઈમાં પ્રકાશમાં આવેલી માહિતી મુજબ એપ્રિલ અને ઓગસ્ટની વચ્ચે 50.30 મેટ્રિક ટન કચરો એકત્ર થયો હતો.

આરટીઆઈના જવાબમાં માહિતી પૂરી પાડી 

આ અંગે કેદારનાથ નગર પંચાયતે ઉત્તર પ્રદેશના  આરટીઆઈ કાર્યકર્તા અમિત ગુપ્તાની અરજીના જવાબમાં આ માહિતી પૂરી પાડી હતી. નગર પંચાયત અનુસાર, કેદારનાથમાં ઉત્પન્ન થયેલો કચરો વર્ષ  2023માં 32.58 મેટ્રિક ટન, વર્ષ 2024માં 26.10 મેટ્રિક ટન અને વર્ષ 2025માં 21.40  મેટ્રિક ટન હતો. તેની સરખામણીમાં, વર્ષ  2026 ના એપ્રિલથી ઓગસ્ટ મહિનાની વચ્ચે જ 50.30 મેટ્રિક ટન કચરો ઉત્પન્ન થયો છે.

વર્ષ  2025ના કચરા કરતાં લગભગ 135 ટકા વધારે

આમ વર્ષ 2026ના માત્ર પાંચ મહિનામાં ઉત્પન્ન થયેલો કચરો વર્ષ 2023ના કુલ કચરા કરતાં લગભગ 54 ટકા વર્ષ  2024ના કચરા કરતાં લગભગ 93 ટકા અને વર્ષ  2025ના કચરા કરતાં લગભગ 135 ટકા વધારે છે.નગર પંચાયતના આંકડા મુજબ, એપ્રિલમાં 1.7  મેટ્રિક ટન કચરો ઉત્પન્ન થયો હતો, જે આંકડો મે મહિનામાં વધીને 16.3  મેટ્રિક ટન થયો હતો. જૂનમાં કચરાનું પ્રમાણ 11.5 મેટ્રિક ટન, જુલાઈમાં 10.5 મેટ્રિક ટન અને ઓગસ્ટમાં 10.3 મેટ્રિક ટન હતું. 

વર્ષ 2026 માં  20 મેટ્રિક ટન પ્લાસ્ટિક કચરો ઉત્પન્ન

નગર પંચાયતે જવાબમાં પ્લાસ્ટિકના કચરા અંગેના આંકડા પણ પૂરા પાડ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2026 માં અત્યાર સુધીમાં લગભગ 20 મેટ્રિક ટન પ્લાસ્ટિક કચરો ઉત્પન્ન થયો છે. જેમાંથી 18.5 મેટ્રિક ટનની પ્રોસેસ કરવામાં આવી છે. જ્યારે લગભગ ૧.૫ મેટ્રિક ટન કચરા પર પ્રોસેસ કરવાની બાકી છે.