નવી દિલ્હી: ભાજપે ઉત્તર પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણી માટે કુલ આઠ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં મહત્વની બાબત છે કે આ યાદીમાં હરદીપ સિંહ પુરીને પડતાં મૂકવામાં આવ્યા છે. આ યાદીમાં બે બ્રાહ્મણ અને એક રાજપૂત ઉમેદવારનો સમાવેશ થાય છે તેમજ બે મહિલાઓને પણ પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે.
પ્રાદેશિક તથા સામાજિક સમીકરણો વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ
ભાજપની કેન્દ્રીય કાર્યાલય દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર યાદીમાં આ આઠ નામોની જાહેરાત કરવામાં આવી હતી. ઉમેદવારોની પસંદગીમાં પક્ષે સંગઠનાત્મક અનુભવ અને પ્રાદેશિક તથા સામાજિક સમીકરણો વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે. ભાજપ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારોમાં ધર્મપાલ સિંહ મુખ્ય છે. આ ઉપરાંત રાધાકાંત ઓઝા, પ્રકાશ પાલ, વિદ્યાસાગર સોનકર, ગોપી કૃષ્ણ પાંડે, પ્રિયંકા સિંહ રાવત, રામ પ્રતાપ સિંહ ચૌહાણ અને શ્રુતિ ગંગવારના નામ પણ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
भारतीय जनता पार्टी की केंद्रीय चुनाव समिति ने उत्तर प्रदेश में होने वाले राज्यसभा द्विवार्षिक चुनाव 2026 हेतु निम्नलिखित नामों पर अपनी स्वीकृति प्रदान की है। https://t.co/ra7duYMNre
— BJP Uttar Pradesh (@BJP4UP) October 5, 2026
10 બેઠકો માટે 16 ઓક્ટોબરે મતદાન યોજાનાર
ઉત્તર પ્રદેશમાં રાજ્યસભાની 10 બેઠકો માટે 16 ઓક્ટોબરે મતદાન યોજાનાર છે. આ બેઠકો પર હાલના સભ્યોનો કાર્યકાળ નવેમ્બરમાં પૂર્ણ થઈ રહ્યો છે. ચૂંટણી કાર્યક્રમ મુજબ ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 6 ઓક્ટોબર છે. 403 સભ્યો ધરાવતી ઉત્તર પ્રદેશ વિધાનસભામાં વર્તમાન સંખ્યાબળના આધારે ભાજપ અને તેના સહયોગી પક્ષો મજબૂત સ્થિતિમાં છે.
એક બેઠક જીતવા માટે આશરે 37 ધારાસભ્યોના મતની જરૂર
રાજ્યસભાની એક બેઠક જીતવા માટે આશરે 37 ધારાસભ્યોના મતની જરૂર પડે છે. ભાજપ ગઠબંધન પાસે આઠ બેઠકો મેળવવા માટે પૂરતું સંખ્યાબળ છે.જોકે, વર્તમાન રાજકીય સમીકરણોને જોતાં આઠમી બેઠક માટેનો મુકાબલો રસપ્રદ માનવામાં આવે છે.