Wed Jun 17 2026

Logo

ઈરાનના પ્રહારથી અમેરિકાને 16 હજાર કરોડનું નુકસાન, અબજોના રડાર સિસ્ટમ તબાહ

Washington DC   2026-03-07 14:57:00
Author: Tejas Rajpara
Article Image

અમેરિકા અને ઈરાન વચ્ચે છેડાયેલા જંગના શરૂઆતી દિવસોમાં જ સુપરપાવર અમેરિકાને આર્થિક અને સૈન્ય રીતે મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ સંઘર્ષમાં ઈરાને અમેરિકાના અત્યાધુનિક રક્ષા માળખાને નિશાન બનાવીને તેની વ્યૂહાત્મક શક્તિને જોરદાર આંચકો આપ્યો છે. ખાસ કરીને અખાતી દેશોમાં તૈનાત અમેરિકાના મોંઘાદાટ રડાર અને સંરક્ષણ પ્રણાલીઓ ઈરાની મિસાઈલોનો શિકાર બની છે, જેના કારણે અમેરિકી છાવણીમાં ચિંતા પ્રસરી ગઈ છે.

યુદ્ધના પ્રથમ ચાર દિવસમાં જ ઈરાને અમેરિકાના આશરે 2 અબજ ડોલર (અંદાજે 16 હજાર કરોડ રૂપિયા)ના સંરક્ષણ સાધનો નષ્ટ કરી દીધા છે. કતારના અલ-ઉદીદ એરબેઝ પર તૈનાત 1.1 અબજ ડોલરની કિંમતનું AN/FPS-132 રડાર ક્ષતિગ્રસ્ત થયું છે. આ સિવાય, દુશ્મન મિસાઈલોને હવામાં જ તોડી પાડતા પ્રખ્યાત THAAD ડિફેન્સ સિસ્ટમના બે મહત્વપૂર્ણ રડાર યુએઈ અને જોર્ડનમાં તબાહ થયા છે. સેટેલાઈટ તસવીરોમાં આ સૈન્ય મથકો પર થયેલા વિનાશના નિશાન સ્પષ્ટપણે જોઈ શકાય છે, જે ઈરાનની સચોટ પ્રહાર ક્ષમતા સાબિત કરે છે.

આ જંગમાં માત્ર મશીનરી જ નહીં, પરંતુ અમેરિકાએ માનવ મહેરામણ પણ ગુમાવ્યો છે. કુવેતના કેમ્પ આરીફજાન ખાતે થયેલા હુમલામાં છ અમેરિકી સૈનિકોના મોત થયા છે, જ્યારે અનેક ઘાયલ થયા છે. આશ્ચર્યજનક રીતે, કુવેતમાં અમેરિકાના ત્રણ F-15E સ્ટ્રાઈક ઈગલ ફાઈટર જેટ્સ પણ નષ્ટ થયા છે, જે અહેવાલો મુજબ ટેકનિકલ ખામી અથવા ભૂલથી પોતાના જ એર ડિફેન્સની ફાયરિંગનો ભોગ બન્યા હતા. બહેરીનમાં સ્થિત અમેરિકી નૌસેનાના હેડક્વાર્ટરના કોમ્યુનિકેશન ટર્મિનલ્સને પણ ઈરાને સફળતાપૂર્વક નિશાન બનાવ્યા છે.

આ હુમલાઓએ અમેરિકાની પ્રાદેશિક સુરક્ષા વ્યવસ્થાની નબળાઈઓ છતી કરી દીધી છે. અમેરિકા પાસે સમગ્ર વિશ્વમાં માત્ર 9 THAAD રડાર છે, તેમાંથી બે ગુમાવવા એ મોટી વ્યૂહાત્મક હાર ગણાય છે. જોકે નાટો (NATO) આ યુદ્ધમાં સીધી રીતે સામેલ નથી, પરંતુ બ્રિટન અને ફ્રાન્સ જેવા દેશો લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડી રહ્યા છે. આ દરમિયાન બ્રિટનના સાયપ્રસ સ્થિત મથક પર પણ ડ્રોન હુમલામાં સામાન્ય નુકસાન થયું છે. ઈરાનના આ આક્રમક વલણથી હવે મિડલ ઈસ્ટમાં અમેરિકાના બાકીના સૈન્ય મથકો પર પણ જોખમ વધી ગયું છે.