રિલાયન્સ અને એચડીએફસી બૅન્ક સહિતનાં હેવી વેઈટ શૅરોમાં વ્યાપક વેચવાલીએ સેન્સેક્સમાં 1236 પૉઈન્ટનો અને નિફ્ટીમાં 365 પૉઈન્ટનો કડાકો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સતત ત્રણ સત્ર દરમિયાન તેજીતરફી વલણ જોવા મળ્યા બાદ આજે ચોથા સત્રમાં આરંભિક તબક્કે સુધારો જળવાઈ રહ્યા બાદ ખાસ કરીને અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધની ભીતિ સપાટી પર આવવાની સાથે બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ઉછળી આવ્યા હોવાથી ફુગાવો વધવાની શક્યતા અને ત્રણ સત્રની તેજી પશ્ચાત્ ખાસ કરીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને એચડીએફસી બૅન્ક સહિતના હેવી વેઈટ શૅરોમાં નફારૂપી વેચવાલીનું દબાણ વધતાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 1236 પૉઈન્ટનો અને નેશનલ સ્ટોક એક્સચેન્જના 50 શૅરના બૅન્ચમાર્ક નિફ્ટીમાં 365 પૉઈન્ટનો કડાકો બોલાઈ ગયો હતો. નોંધનીય બાબત એ છે કે આજે સત્રના આરંભે એક તબક્કે સેન્સેક્સમાં 245.11 પૉઈન્ટનો અને નિફ્ટીમાં 65.95 પૉઈન્ટનો સુધારો જોવા મળ્યો હતો.
આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના 83,734.25ના બંધ સામે સુધારાના અન્ડરટોને 83,969.82ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ઉપરમાં 83,979.36 અને નીચામાં 82,264.20 સુધી ગબડ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે 1.48 ટકા અથવા તો 1236.11 પૉઈન્ટ તૂટીને 82,498.14ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના 25,819.35ના બંધ સામે સુધારા સાથે 25,873.35ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ઉપરમાં 25,885.30 અને નીચામાં 25,388.75 સુધી તૂટ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે 1.41 ટકા અથવા તો 365 પૉઈન્ટના ઘટાડા સાથે 25,454.35ની સપાટીએ બંધ રહ્યો હતો.
વધુમાં એક્સચેન્જની આંકડાકીય માહિતી અનુસાર આજે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 8614.90 કરોડની ખરીદી સામે રૂ. 9495.39 કરોડની વેચવાલી રહેતાં કુલ રૂ. 880.49 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી. તેમ જ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ. 11,483.86 કરોડની લેવાલી સામે રૂ. 12,080.14 કરોડની વેચવાલી રહેતાં કુલ રૂ. 596.28 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી. આમ સ્થાનિક અને વિદેશી સંસ્થાકીય ચોખ્ખી વેચવાલી રૂ. 1476.77 કરોડની સપાટીએ રહી હતી.
એકંદરે અમેરિકા-ઈરાન વચ્ચેની બેઠક અનિર્ણાયક રહી હોવાના નિર્દેશો સાથે ભૂરાજકીય તણાવ સપાટી પર આવતાં ભારતીય બજારમાં વ્યાપક વેચવાલીનું દબાણ રહેતાં મંદી ફરી વળી હોવાનું જિઓજીત ઈન્વેસ્ટમેન્ટ લિ.નાં રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવતાં ઉમેર્યું હતું કે ભૂરાજકીય તણાવને કારણે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધી આવતા ફુગાવાની અને અખાતી દેશોની ચિંતા સપાટી પર આવતાં ગબડતી બજારને ઢાળ મળ્યો હતો.
વધુમાં અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાત અંગેની અનિશ્ચિતતાને કારણે વિશ્વ બજારમાં ડૉલર સામે દબાણ હેઠળ રહેલો રૂપિયો અને એશિયન બજારોમાં લ્યૂનારના નવાં વર્ષની ઉજવણીની રજાઓ હોવાથી વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઓછી સહભાગીતાની પણ બજાર પર અસર જોવા મળી હોવાનું તેમણે ઉમેર્યું હતું. જોકે, ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 1154.34 કરોડની અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ. 440.34 કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાનું એક્સચેન્જે આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.
પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર આજે બીએસઈ ખાતે કુલ 4367 શૅરોમાં કામકાજ થયા હતા, જેમાં 1276 શૅરના ભાવ વધીને, 2927 શૅરના ભાવ ઘટીને અને 164 શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા. તેમ જ આજે 110 શૅરના ભાવ બાવન સપ્તાહની ટોચે અને 146 શૅરના ભાવ બાવન સપ્તાહના તળિયે પહોંચ્યા હતા અને આજે 12 શૅરમાં ઉપલી અને 11 શૅરમાં નીચલી સર્કિટ લાગી હતી. વધુમાં આજે સેન્સેક્સ હેઠળના તમામ શૅરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં સૌથી વધુ 3.23 ટકાનો ઘટાડો ઈન્ડિગોમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રામાં 2.97 ટકાનો, અલ્ટ્રાટેક સિમેન્ટમાં 2.90 ટકાનો, ટ્રેન્ટમાં 2.89 ટકાનો, ભારત ઈલેક્ટ્રોનિક્સ લિ.માં 2.70 ટકાનો અને અદાણી પોર્ટસમાં 2.50 ટકાનો ઘટાડો આવ્યો હતો. આ સિવાય રિલાયન્સમાં 2.11 ટકાનો અને એચડીએફસી બૅન્કમાં 0.93 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
આજે બીએસઈ ખાતેના તમામ સેક્ટોરિયલ ઈન્ડેક્સ ઘટીને બંધ રહ્યા હતા. જેમાં મુખ્યત્વે રિઅલ્ટી ઈન્ડેક્સમાં 2.54 ટકાનો, પાવર ઈન્ડેક્સમાં 2.22 ટકાનો, કેપિટલ ગૂડ્સ ઈન્ડેક્સમાં 2.18 ટકાનો, ઑટો ઈન્ડેક્સમાં 2.09 ટકાનો, યુટિલિટી ઈન્ડેક્સમાં 1.90 ટકાનો, ઈન્ડસ્ટ્રિયલ ઈન્ડેક્સમાં 1.81 ટકાનો અને ક્નઝ્યુમર ડ્યુરેબલ ઈન્ડેક્સમાં 1.75 ટકાનો ઘટાડો આવ્યો હતો.
દરમિયાન આજે એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાના કોસ્પીમાં ત્રણ ટકાનો અને જાપાનના નિક્કી 225માં એક ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે હૉંગકૉંગ અને ચીનની બજારો નવા લ્યુનાર વર્ષની રજા નિમિત્તે બંધ રહ્યા હતા. આ સિવાય આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 1.02 ટકા વધીને બેરલદીઠ 71.07 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.