Mon May 25 2026

Logo

અમેરિકામાં રૂ. 28 કરોડના ગોલ્ડ કૌભાંડમાં ગ્રીન કાર્ડ ધરાવતી ગુજરાતી મહિલાની ધરપકડ

2026-05-25 10:42:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદ: અમેરિકામાં ગુજરાતીઓ, ભારતીયો સહિત અનેક દેશોના લોકો મોટી સંખ્યામાં વસવાટ કરે છે. આ દરમિયાન ટ્રમ્પ સરકારે ગ્રીન કાર્ડનું સપનું જોતા લોકોને મોટો ઝટકો આપ્યો હતો. અમેરિકાની સરકારે નવો નિયમ લાગુ કર્યો છે, જે અંતર્ગત ગ્રીન કાર્ડ મેળવવા માટે વિદેશી નાગરિકોએ પહેલા અમેરિકા છોડવું પડશે. જેની સૌથી વધુ અસર ગુજરાતીઓ, ભારતીયો પર થશે. આ દરમિયાન અમેરિકામાં ગ્રીન કાર્ડ ધરાવતી 30 વર્ષની એક ગુજરાતી મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. તેના પર કરોડો ડૉલરની છેતરપિંડીમાં કુરિયર (નાણાં કે સોનું લઈ જનારા) તરીકે કામ કરવાનો આરોપ છે. આ મહિલાએ 74 વર્ષીય વૃદ્ધાને છેતરીને 3 મિલિયન અમેરિકન ડૉલર (આશરે 28 કરોડ)થી વધુ કિંમતનું સોનું પડાવી લીધું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વરિષ્ઠ નાગરિકોને નિશાન બનાવતા આવા ગુનામાં આ ઉંમરની ગ્રીન કાર્ડ ધરાવતી મહિલા પકડાઈ હોય તેવી આ દુર્લભ ઘટના છે.

મળતી વિગત પ્રમાણે, મહિલાએ ગુજરાતમાં રહેતા તેના એક સંબંધીની સૂચનાથી આ કાવતરાને અંજામ આપ્યો હતો. તેણે વિવિધ રાજ્યોમાં એક જ મૉડસ ઓપરેન્ડીથી 15 લોકોને નિશાન બનાવ્યા હતા. કોર્ટના પુરાવા મુજબ, ઇન્ડિયાના સ્ટેટના ફ્રેન્કલિનમાં એક દાલિકર સ્ટોર બહાર સોનું લેવા માટે ગોઠવાયેલા પ્લાન દરમિયાન એફબીઆઈ (FBI) એજન્ટોએ આરોપી મહિલાને આંતરી લીધી હતી. તેણી યુએસ માર્શલ હોવાનો ઢોંગ કરીને 5 લાખ ડૉલરની કિંમતના સોનાના સિક્કા લેવા માટે ત્યાં પહોંચી હતી.

કેવી રીતે મામલો આવ્યો સામે

ઇન્ડિયાનાના કેમ્બીમાં પોતાની બહેન સાથે રહેતી ભોગ બનનાર વૃદ્ધાના કમ્પ્યુટર પર એક પૉપ-અપ મેસેજ આવ્યો હતો. જેમાં તેમની ઓળખ સાથે છેડછાડ થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જે બાદ તપાસ કરતાં આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. કૌભાંડીઓએ કથિત રીતે સરકારી અધિકારીઓ હોવાનો ડોળ કર્યો અને વૃદ્ધાને સોશિયલ સિક્યોરિટી માટે લાખો ડૉલર ટ્રાન્સફર કરવા તથા પોતાની આજીવન બચતને સોનામાં ફેરવી દેવા મનાવી લેવામાં આવી હતી.

તપાસ દરમિયાન એવું પણ સામે આવ્યું કે, ભોગ બનનાર વૃદ્ધા સોના પાછળ 3 મિલિયન યુએસ ડૉલર પહેલાથી જ ખર્ચી ચૂકી હતી. આ દરમિયાન સોનાના સિક્કાના એક વેપારીને આટલી મોટી ખરીદી શંકાસ્પદ લાગતા તેણે FBI ને એલર્ટ કરી હતી. જે બાદ એક સ્ટિંગ ઓપરેશન ગોઠવવવામાં આવ્યું હતું અને મહિલા ડિલિવરી લેવા આવી ત્યારે તેની અટકાયત કરવામાં આવી હતી.

મળતું હતું તગડું કમિશન

પૂછપરછ દરમિયાન, મહિલાએ સ્વીકાર્યું હતું કે તે યુએસ બહારથી ચાલતી એક મોટી છેતરપિંડી કરતી ગેંગ માટે કુરિયર તરીકે કામ કરતી હતી. ગુજરાતમાં રહેતો એક સંબંધી આ કૌભાંડનું સંચાલન કરતા મુખ્ય સૂત્રધારોમાંનો એક હતો. મહિલાના મોબાઈલ ફોનની તલાશી લેતા તેમાંથી ભોગ બનેલા અન્ય વૃદ્ધોના ફોટોગ્રાફ્સ, રૂટ મેપ મળી આવ્યા હતા. તપાસકર્તાઓના દાવા મુજબ, આ કામગીરી કરવા બદલ મહિલાને  આશરે 10,000 યુએસ ડૉલર મળતા હતા.

વર્ષ 2020માં ભારતથી અમેરિકા ગયેલી અને ગ્રીન કાર્ડ ધરાવતી આ મહિલા પર ચોરી, છેતરપિંડી અને સરકારી અધિકારી હોવાનો ડોળ કરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. હાલમાં તેને 5,00,000 યુએસ ડૉલરના કેશ બૉન્ડ પર જૉહન્સન કાઉન્ટી જેલમાં રાખવામાં આવી છે.