મુંબઈ: રાજ્યમાં હાલ વિચિત્ર વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે. એક તરફ વિદર્ભ અને મરાઠવાડામાં ગરમીનું મોજું ફરી વળ્યું છે અને તાપમાનનો પારો ૪૦ ડિગ્રીથી પણ ઉપર નોંધાઈ રહ્યો છે ત્યારે બીજી તરફ રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ નિર્માણ થયું છે, જેમાં મંગળવારે સવારના મુંબઈના બે-ચાર જગ્યાએ તો નવી મુંબઈ, થાણેના અમુક વિસ્તારમાં હળવા વરસાદનાં ઝાપટાં પડ્યાં હતાં.
ભારતીય હવામાન વિભાગે બે દિવસ રાજ્યના અમુક જિલ્લામાં વીજળીના ચમકારા સાથે કમોસમી વરસાદની શક્યતા વ્યકત કરી હતી. તે મુજબ મંગળવારે અનેક જિલ્લામાં કમોસમી વરસાદ પડયો હતો. ખાસ કરીને મુંબઈ મેટ્રો પોલિટન રિજનમાં આવતા અને તેની આજુબાજુના વિસ્તારમાં સવારના વીજળીના ગડગડાટ સાથે વરસાદના જોરદાર ઝાપટાં પડી ગયાં હતાં. મુંબઈમાં સવારથી વાદળિયું વાતાવરણ રહ્યા બાદ એકાદ-બે વિસ્તારમાં હળવા છાંટા પડી ગયા હતા પણ તે નોંધપાત્ર નહોતા. તો નવી મુંબઈમાં સવારના અમુક વિસ્તારમાં વરસાદના ઝાપટાં પડી ગયા હોવાનું જાણવા મળ્યું હતું.
મંગળવારે સવારના બદલાપુરમાં જોરદાર વરસાદ પડયો હતો. હજી બે દિવસ પહેલ અહીં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીની આસપાસ નોંધાયો હતો. કર્જત શહેરમાં પણ સવારથી વાદળિયું વાતાવરણ રહ્યા બાદ જોરદાર વરસાદ પડી ગયો હતો. મુંબઈ નજીકના હિલ સ્ટેશન માથેરાનમાં પણ સવારથી કમોસમી વરસાદનાં ઝાપટાં પડવાથી ગરમીથી રાહત મળી હતી અને વાતાવરણમાં ઠંડક વ્યાપી ગઈ હતી. રાજ્યમાં નાંદેડ જિલ્લામાં કમોસમી વરસાદને પગલે કેરીના પાકને નુકસાન થયું છે. મનમાડમાં પણ સવારથી જોરદાર વરસાદ રહ્યો હતો.