અનવર વલિયાણી
માનવીના બનાવેલા કાનૂન અને અલ્લાહના બનાવેલા કાનૂનમાં દેખીતો જ મહાન તફાવત છે. અલ્લાહે બનાવેલા કાનૂનમાં દીન અને દુનિયા ભેગી કરવામાં આવી છે આજ કારણથી એક સાચો મુસલમાન રંજમાં, ખુશીમાં, સુખમાં, દુ:ખમાં હર હાલતમાં શરીઅત નિયમો અનુસરણ કરે છે, કારણ કે તેનું એ ઈમાન છે, કે તેની આ ફરમાબરદારી, તેને અલ્લાહનો નિકટનો બંદો બનાવી દેવા માટેનો એકમાત્ર ઝરીયો-માર્ગ છે.
મોમીન (ઈમાનદાર) બંદો જાણે છે કે, તેની ફરમાબરદારી તેને દુનિયા અને આખેરતમાં સફળતા આપશે અને તેની નાફરમાની તેને આખેરતમાં અઝાબ આપશે. આ બશારતો (ખુશખબરી)ને લીધે મોમીન બંદો નેકી (પ્રમાણિકતા) તરફ લપકે છે. તેવી જ રીતે અઝાબની ચેતવણીઓને લીધે બંદો ગુનાહોથી દૂર ભાગે છે.
આ રીતે શરીઅતના કાનૂનોને લીધે સમાજમાં અને દેશમાં ગુનાહો ઓછા થાય છે, શાંતિ સ્થાપિત થાય છે અને ગેરવ્યવસ્થા ઊભી થતાં અટકે છે, પરંતુ આ શરીઅતમાં કાનૂનોના મનફાવતા અર્થઘટનો સમાજને બહુ મોટું નુકસાન પહોંચાડતા હોય છે. ઈસ્લામ અલ્લાહનો દીન છે અને તેમાં ક્યારે પણ પક્ષપાત હોઈ શકે જ નહીં. ઈસ્લામ સ્ત્રી અને પુરુષને સમાન નજરે નિહાળે છે અને સ્ત્રીના મર્તબા; દરજ્જાને જરાય નીચું નથી આંકતું.
ઈસ્લામના ઉદયકાળ પછીનો એક સમય એવો હતો કે દુનિયાના મોટાભાગના પ્રદેશો પર ઈસ્લામી હુકુમત (શાસન) કાયમ હતો. ન્યાયપ્રિય બાદશાહો શરીઅતના નિયમો મુજબ ફેસલો-ન્યાય ફરમાવતા, જેનું એક ઉદાહરણ આજનું દુબઈ છે, જ્યાં પ્રજાની સંખ્યાની દૃષ્ટિએ પોલીસોની સંખ્યા નહિવત્ છે, કારણ સ્પષ્ટ છે. ત્યાં સંપૂર્ણ શરીઅતનો કાયદો તેની સાચા અર્થમાં કાયમ છે.
બીજા એવા ઈસ્લામી રાષ્ટ્રોમાં અર્થઘટનોના કારણે ગુનેગાર છટકી જવામાં સફળ થાય છે. આ રાષ્ટ્રોમાં શરીઅતના કાનૂનોમાં માનવીએ બનાવેલા દુન્યવી કાનૂનનું ભેળસેળ કરી દેવામાં આવવાથી અપરાધોની સંખ્યામાં બેફામ વધારો થઈ ગયાનું સ્પષ્ટ ચિત્ર આજે જોવા મળે છે, જે ઈસ્લામી દેશોમાં શરીઅતના કાનૂન છે ત્યાંની પ્રજા શાંતિથી જીવે છે.
માનવીએ બનાવેલા દુન્યવી કાનૂનમાં એવી કોઈ રૂહ (આત્મા) નથી જે રૂહ તે કાનૂન પ્રત્યે માનવીના હૃદયમાં માન ઊભું કરે અથવા ડર સ્થાપિત કરે, કારણ કે માનવીના બનાવેલા કાનૂનમાં અસંખ્ય ખામીઓ હોય છે. તેમાં કેટલીય વાર ફેરફાર કરવો પડે છે. તેમાં માનવ પ્રકૃતિના પરિણામે રહેલી છટકબારીઓનો લાભ ઉઠાવી, માનવજાત તે કાનૂનની મજાક ઉડાવે છે. જો આ કાનૂનથી બચીને અથવા છટકી જઈને, કોઈ ગુનો કરી શકતા હોય, તો આવો લાભ ઉઠાવીને, તે ગુનો કરવા માટે મોટાભાગના માનવો અવશ્ય પ્રેરાય છે.
દુનિયાના લગભગ દેશોમાં જ્યાં માનવીએ બનાવેલો કાયદો ચાલે છે, ત્યાં ગુનાનું પ્રમાણ કરોડોની સંખ્યા પર પહોંચી ગયું છે. દુનિયામાં જે દેશોમાં ઈસ્લામી શરીઅતનો કાનૂન તેના સાચા અર્થમાં ચાલે છે, ત્યાં ગુનાહોની સંખ્યા આ લખનારના ઊંડાણભર્યા સંશોધનથી નહિવત્ થઈ ગઈ હોવાનું માલુમ પડે છે. પ્રજામાં શાંતિ-સહકારની ભાવના દેખાય છે માલ મિલકત લૂંટાતી નથી. આતંકવાદ દેખાતો નથી બળાત્કાર, લૂંટ, ચોરી, વ્યાભિચાર, નશાખોરી વગેરે ગુના ત્યાં બનતા જ નથી. આથી સમગ્ર સમાજ શાંતિ અને અમનમાં રહે છે.
ઈસ્લામી કાયદો ઉમ્મત (પ્રજા) માટે આવ્યો છે. તમામ મોમીન (ઈમાનદાર) બંદા માટે કૃપા બનીને આવેલા, પયગંબર હઝરત મુહંમદ સલ્લલ્લાહો અલયહે વસલ્લમને (સ.અ.વ.) લોકોની જુદી જુદી ટેવો, રિવાજો, રહેણીકરણી અને રંગ તથા ભાષા અલગ હોવા છતાં અલ્લાહે હુકમ આપ્યો કે ઈસ્લામી શરીઅતને તમામ લોકો સુધી પહોંચાડી દેવામાં આવે. ઈસ્લામી શરીઅત દરેક ખાનદાન, દરેક કબીલા, દરેક જમાત (સમૂહ) અને દરેક દેશ માટે ફાયદેમંદ (લાભકર્તા) છે. તેનો વ્યાપ સર્વવ્યાપી છે.
ઈલાહી કિતાબ કુરાને કરીમમાં સ્પષ્ટપણે સંભળાવી દેવામાં આવ્યું છે કે, ‘કુલ, યા અય્યોહન્નાસોઈન્ની રસુલુલ્લાહિ અલયકુમ જમીઆ.’ અર્થ: હે નબી! કહી દો કે હે ઈન્સાનો! હું તમો સૌની તરફ અલ્લાહનો પયગંબર બનીને આવ્યો છું. (હવાલો: સુરા એઅરાફ, આયત 158).
એજ વાત બીજા શબ્દોમાં ‘સુરા તૌબા’માં આ રીતે કહેવામાં આવી છે: અર્થ: તે અલ્લાહ જ છે, જેણે પોતાના પયગંબરને હિદાયત (માર્ગદર્શન) અને સત્યધર્મ સાથે મોકલ્યા જેથી તેને તમામ ધર્મો પર ગલબો આપે (એટલે કે પ્રભાવિત કરે).
અલ્લાહતઆલાએ એવી દલીલ પણ બાકી રહેવા દીધી નથી કે, આ શરીઅત (ઈસ્લામી કાનૂન-નિયમ) કદાચ અધૂરી હોય અને હવે પછી બીજા કોઈ પયગંબરને મોકલીને અલ્લાહતઆલા તેને સંપૂર્ણ કરવાના હોય! આ દલીલનો જવાબ અલ્લાહતઆલાએ કુરાન શરીફની જે આયતમાં આપ્યો છે તે આવતા અંકના બીજા ભાગમાં ઈન્શાઅલ્લાહ વાંચીશું અને શરીઅતના કાનૂન વિશે જાણકારી મેળવીશું.
* * *
સાપ્તાહિક સંદેશ:
હઝરત ઉમરબીન અબ્દુલ અઝીઝ ઘણા જ મશહૂર પરંતુ ફકીરી તબિયતના ખલીફા (શાસનકર્તા) થઈ ગયા. કોઈ કારણસર તે પોતાની વીંટીમાં એક કિંમતી નંગ જડેલું રાખતા હતા. તે નંગ અણમોલ હતું. મોટા મોટા ઝવેરી પણ તે નંગની કિંમત આંકી શકતા નહતા. તે નંગ એક નૂરનો દરિયો હતું જે રાત્રિના અંધકારને દિવસના પ્રકાશમાં બદલી નાખતું હતું.
એક વખત કારમો દુકાળ પડ્યો. લોકો ભૂખે મરવા લાગ્યા, જ્યારે હઝરત ઉમર બીન અબ્દુલ અઝીઝ રદ્યિલ્લાહો અન્હોને દુકાળની ખબર પડી, ત્યારે પોતાની વીંટીમાં રાખેલું તે કિંમતી નંગ વેચીને તેમણે અનાજ ખરીદ કર્યું, તે અનાજ તેમણે ગરીબોમાં વહેંચાવી દીધું.
તેમના અમીરોએ તેમને પ્રશ્ન કર્યો કે આપનું કિંમતી નંગ આપે શા માટે વેચી કાઢ્યું? હઝરતે જવાબ આપ્યો કે, એ વાત કેવી કહેવાય કે મારી પ્રજા ભૂખે મરતી હોય, ત્યારે હું કિંમતી અંગૂઠી પહેરીને રાજમહેલમાં ફર્યા કરું? કોઈપણ શાસનકર્તાને એ વાત શોભતી નથી, કે લોકોને દુ:ખ, તકલીફ અને યાતનાઓમાં ડૂબેલા જુએ, છતાં પોતાના એશ આરામને જ પ્રિય ગણે. આવું ફરમાવતાં તેમની આંખોમાંથી અશ્રુધારા વહી રહી. ખુદાએ કરેલ રચનામાં ખામી હોઈ શકે જ નહીં. લેખનો બીજો ભાગ આવતા અંકમાં વાંચી હિદાયત; ધર્મજ્ઞાન હાંસલ કરીશું.