Tue Jul 28 2026

Logo

સ્થાપત્યનું વાઈ-ફાઈઃ ઉગ્વેનું ય્વુતુ (YVUTU) આવાસ - ભૂમિતિ પ્રત્યેની શ્રદ્ધા

2026-07-04 09:16:00
Author: Hemantwala
Article Image

હેમંત વાળા

સ્થાપત્યમાં ભૂમિતિ પ્રત્યેનો લગાવ શરૂઆતથી છે. તેનો ઉપયોગ માત્ર દૃશ્ય અનુભૂતિ માટે નથી થતો, પરંતુ તેની પાછળ ક્યાંક ભાવાત્મક સંબંધ પણ હોય છે. ભૂમિતિના ઉપયોગથી સ્પષ્ટતા વ્યક્ત થાય, જે તે આકાર સાથે સંકળાયેલું મૂળભૂત સૌંદર્ય આપમેળે સ્થાપિત થાય, ભાવાત્મક સ્વીકૃતિ સરળતાથી મળી રહે અને ક્યાંક પ્રતિકાત્મક રજૂઆત થઈ શકે. તે ઉપરાંત ભૌમિતિક આકારના ઉપયોગથી માળખાકીય રચનાના નિર્ધારણમાં જટિલતા ન રહે અને ઉપયોગીતાના વર્ગીકરણ માટે પણ કેટલાંક ભૂમિતિમાં રહેલા અંતર્ગત સૂચનો મળી રહે. વળી ભૌમિતિક આકારોની પરસ્પર ગોઠવણ પણ પ્રમાણમાં સરળ રહે. આદિકાળથી સ્થાપત્યમાં ભૂમિતિનો સર્જનાત્મક તેમજ સકારાત્મક ઉપયોગ થતો રહ્યો છે.   
     
સ્થાપત્યમાં જ્યારે ભૌમિતિક આકાર પ્રયોજાય ત્યારે તેની પાછળ ચોક્કસ પ્રકારનો આશય રહેલો હોય. આ નિર્ણય અકસ્માતે ન લેવાય, તેની પાછળ ગંભીર ચિંતન જરૂરી બને. ચોરસ અને ત્રિકોણ જેવાં આકારો એક મજબૂત છાપ છોડે તો વર્તુળ કંઈક અંશે નરમાશ સ્થાપિત કરે. ચોરસમાં ચારે દિશાની સમાનતા તથા તટસ્થતા સ્થાપિત થાય તો લંબચોરસ થકી એક દિશાને પ્રાધાન્ય મળે. ત્રિકોણ કંઈક અંશે `અ-મિત્ર' સમાન જણાય, જેનાં ખૂણા `હેન્ડલ' કરવા સ્થપતિ માટે પડકાર જનક બની પણ શકે. 

ગોળ આકાર કોઈપણ દિશાને પ્રાધાન્ય ન આપે, પણ તેની સામે એક બિંદુને, એક કેન્દ્રને બહુ દૃઢતાથી સ્થાપિત કરે. ચોરસ કે લંબચોરસની સરખામણીમાં ગોળ આકારમાં રાચરચીલાની ગોઠવણી પણ મુશ્કેલ બને. ચોરસ સ્થિરતા, તટસ્થતા, દૃઢતા, સ્પષ્ટતા અને સંતુલનનું પ્રતીક છે. ત્રિકોણ શક્તિ તેમજ મજબૂતાઈ દર્શાવે. સાથે સાથે તે પોતાનાં અસ્તિત્વને પ્રબળતાથી વ્યક્ત કરે. જ્યારે વર્તુળ અનંતતા સમાન સૃષ્ટિનું પ્રતિનિધિત્વ કરે. વર્તુળ સૌમ્ય જણાય છતાં પણ તેમાં સૈદ્ધાંતિક પ્રખરતા રહેલી હોય. આધુનિક સ્થાપત્યમાં પરવલય અને અતિ-પરવલય પણ પ્રયોજાય છે. સામાન્ય રીતે જોવાં મળે મળે છે તેમ સ્થાપત્યમાં ચોરસ અને લંબચોરસનો ઉપયોગ સૌથી વધુ થયો છે. 

સ્થપતિ ઓગસ્ટિન ફિઓરિટો અને ડારિયો કોલાચે દ્વારા વર્ષ 2017માં પૂર્ણ થયેલ ઉગ્વેનું ય્વુતુ આવાસ સ્થપતિની ભૂમિતિ પ્રત્યેની શ્રદ્ધા માટેનું સરસ આધુનિક ઉદાહરણ છે. 72 ચોરસ મીટર વિસ્તારનું આ આવાસ એક લંબચોરસ,  એક ચોરસ અને એક ત્રિકોણ ગોઠવીને બનાવાયું છે. ચોરસ અને લંબચોરસ એકબીજાનાં ખૂણામાં અંદર પ્રવેશી એક પ્રકારનું સ્થાન નિર્ધારિત કરે છે. ત્રિકોણાકાર અલાયદો અને સ્પષ્ટ છે જેની ઉપયોગીતા સાવ ભિન્ન છે. 

લંબચોરસમાં શયનખંડ તેમજ સર્વિસીસ ગોઠવવામાં આવી છે. ચોરસ સ્થાન રસોડું અને ભોજન કક્ષ જેવી સામાન્ય ઉપયોગીતા માટે છે, જ્યારે ત્રિકોણ બહુ ઉપયોગી અર્ધખુલ્લું કહી શકાય તેવું સ્થાન છે. ત્રિકોણનો આ રીતે ઉપયોગ થયો હોવાથી તેની ઉપયોગીતામાં અડચણ ઊભી થવાની સંભાવના નથી. આવાસનો પ્રવેશ સીધો ચોરસમાં છે અને અહીંથી જ ત્રિકોણાકાર રવેશમાં જવાં માટે બારણું છે. 

બાહ્ય ભાગમાં બનાવાયેલું આ મોટું ત્રિકોણાકાર સ્થાન અનેક સંભાવનાઓ લાવે છે. તેનું એકધારાપણું તથા તેની `રીજીડીટી' અસ્વીકૃત ન બને તે માટે વચમાં એક ચોરસ `કટ-આઉટ' છિદ્ર રખાયું છે. આ રવેશ તથા બારી-બારણાં આજુબાજુની પરિસ્થિતિને હકારાત્મક પ્રતિભાવ આપે છે. એકંદરે એમ કહી શકાય કે આ આવાસમાં દરેક ભૌમિતિક આકાર વ્યવસ્થિત રીતે એકબીજા સાથે ગોઠવાયા છે અને તેમને સોંપવામાં આવેલું નિર્ધારિત કામ કરવા તે સક્ષમ બની રહે એ રીતે તેમનું વિગતિકરણ કરાયું છે. 

આ આવાસ પોતાનાં નિયમોને જ માન્ય રાખે છે અને આ નિયમોને આધારે જ તેનું નિર્ધારણ થયું છે. ભૂમિતિના ઉપયોગમાં જે સ્પષ્ટતા છે તે જ આ આવાસના નિર્ધારણની મુખ્ય ભૂમિકા છે. ભૂમિતિ સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ અહીં કરવામાં નથી આવી. હા, એક સ્થાને બે ભૌમિતિક આકારો પરસ્પર ભેગાં થાય છે, પરંતુ તેના ભૌમિતિક ગુણધર્મો સાથે કોઈપણ છૂટછાટ નથી લેવાઇ. વળી ભૂમિતિ પોતાનું કામ સ્પષ્ટતાથી કરે પણ છે. કોઈ સંવેદનશીલ વ્યક્તિને જો આ ત્રણ આકારો જ દર્શાવવામાં આવે તો પણ તેને ખબર પડી જાય કે કયા આકારની કેવા પ્રકારની ઉપયોગીતા હશે અને તેનું સ્થાન કયું હશે. સ્થાપત્યની આ સિદ્ધિ કહેવાય. 

સ્થાપત્યમાં ભૌમિતિક આકારનાં ઉપયોગના પ્રશ્નો પણ હોય છે. પ્રત્યેક આકાર દૃઢતાથી પોતાની વાત સ્થાપિત કરવાનો પ્રયત્ન કરે અને તેની સાથે થોડી પણ જો રમત રમાય તો ત્યાં જે તે ભૂમિતિનો વિરોધ સ્પષ્ટ વર્તાય. અહીં ક્યારેક સ્થાનની ઉપયોગિતા સાથે પણ સમજૂતી કરવી પડે. દરેક આકારની માળખાકીય મજબૂતાઈ તેમજ જરૂરિયાત પણ ભિન્ન ભિન્ન હોય, જે પરિસ્થિતિ પ્રમાણે મેળ ન પણ ખાય. 

ભૌમિતિક આકારમાં જ્યારે તીવ્ર ખૂણા હોય ત્યારે તેની અનુભૂતિ ખટકી શકે અને તે સ્થાનની ઉપયોગીતા પણ મુશ્કેલ બને - ક્યારેક અશક્ય પણ બને. ભૌમિતિક આકાર મકાનની આજુબાજુની હયાત પરિસ્થિતિ સાથે સકારાત્મક સંવાદ ન સ્થાપી શકે, તે તો બસ પોતાની વાત પોતાની રીતે જ કહેવાનો આગ્રહ રાખે. તે ઉપરાંત ભૌમિતિક આકારો સાથે જો સાંસ્કૃતિક સંદર્ભ સંકળાયેલા હોય તો તે આકારોની અનુભૂતિ જુદા જ સ્તરની પણ હોઈ શકે. 

સ્થાપત્ય માટે ભૂમિતિનો ઉપયોગ એક અગત્યનો નિર્ણય બની રહે. પરંતુ આ નિર્ણય `છેડા' સુધી લઈ જવાં માટે ચોક્કસ પ્રકારની સંવેદનશીલતા, સમજ તેમ જ સર્જનાત્મકતાની આવશ્યકતા હોય. આ આવાસની ઉપયોગિતામાં રહેલી સરળતાને કારણે અહીં આ શક્ય બન્યું છે.