Sat Sep 12 2026

Logo

મુખ્યમંત્રી ફડણવીસને મળવા પહોંચ્યા UBT જૂથના ત્રણ ધારાસભ્યો; રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ

2026-07-10 10:27:00
Author: Mumbai Samachar Team
મુખ્યમંત્રી ફડણવીસને મળવા પહોંચ્યા UBT જૂથના ત્રણ ધારાસભ્યો; રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ

મહારાષ્ટ્રના રાજકારણમાં પક્ષ પલટા અને આંતરિક ખેંચતાણની ચર્ચાઓ વચ્ચે વધુ એક મહત્વની બેઠક સામે આવી છે. શિવસેના (UBT)ના ત્રણ ધારાસભ્યો અને મુંબઈ મહાનગરપાલિકા (BMC) ના પૂર્વ મેયર કિશોરી પેડણેકર વિધાનભવન ખાતે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળવા પહોંચ્યા હતા. આ બેઠક બાદ રાજકીય વર્તુળોમાં અનેક પ્રકારની અટકળો તેજ થઈ ગઈ છે, જોકે સત્તાવાર રીતે એવું જણાવવામાં આવ્યું છે કે આ મુલાકાત માત્ર મુંબઈના વિકાસ કાર્યોના સંદર્ભમાં હતી.

મુખ્યમંત્રી ફડણવીસને મળવા ગયેલા આ પ્રતિનિધિમંડળમાં ઉદ્ધવ જૂથના વરિષ્ઠ નેતાઓ અનિલ પરબ, સુનીલ પ્રભુ અને અજય ચૌધરી સામેલ હતા. આ નેતાઓએ મુંબઈના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સ, લાંબા સમયથી અટકેલા કામો અને સામાન્ય નાગરિકોને પડતી મુશ્કેલીઓ અંગે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી હતી.

મળતી માહિતી મુજબ, મુખ્યમંત્રી ફડણવીસે અગાઉ વિધાનભવનમાં મુંબઈના વિકાસ કાર્યો અને આગામી યોજનાઓ વિશે માહિતી આપી હતી. તેના જ સંદર્ભમાં ઠાકરે જૂથના ધારાસભ્યોએ આ મુલાકાત લીધી હોવાનું સામે આવ્યું છે.

આ મુલાકાત દરમિયાન ઠાકરે જૂથના નેતાઓએ મુખ્યમંત્રીને એક આવેદનપત્ર (નિવેદન) પણ સોંપ્યું હતું. આ નિવેદનમાં મુંબઈમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે નાગરિકોને થઈ રહેલી હાલાકી, પાણી ભરાવવાની સમસ્યા અને તેના ઉકેલ માટે તાત્કાલિક કડક પગલાં લેવાની માગ કરવામાં આવી હતી.

જો કે, શિવસેના (UBT) ના સાંસદો અને ધારાસભ્યો પક્ષ છોડી રહ્યા હોવાની અફવાઓ વચ્ચે આ મુલાકાત થતાં મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. માહિતી અનુસાર, આ બેઠક માત્ર ચોમાસાની સ્થિતિ અને વિકાસકામો પૂરતી જ મર્યાદિત હતી અને કોઈ પણ પ્રકારના પક્ષ પલટા કે રાજકીય નિર્ણયની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.