Sat Sep 12 2026

Logo

રોડ રેજની ઘટનામાં યુવકની હત્યા: ટૅક્સી ડ્રાઈવર સહિત બેની ધરપકડ...

2026-03-15 20:40:00
Author: Yogesh C. Patel
રોડ રેજની ઘટનામાં યુવકની હત્યા: ટૅક્સી ડ્રાઈવર સહિત બેની ધરપકડ...

મુંબઈ: મલાડમાં બનેલી રોડ રેજની ઘટનામાં બાઈકસવાર યુવકની કથિત હત્યા કરવામાં આવતાં પોલીસે ટૅક્સી ડ્રાઈવર સહિત બેની ધરપકડ કરી હતી.બાંગુર નગર પોલીસે પકડી પાડેલા બન્ને આરોપીની ઓળખ સત્યેન્દ્ર ગુપ્તા (28) અને સુનીલ પાલ તરીકે થઈ હતી. ટૅક્સી ડ્રાઈવર સત્યેન્દ્ર ગુપ્તા સાથે થયેલી બોલાચાલીમાં બાઈકસવાર શરીક અન્સારી (25) પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ ઘટના શનિવારની સવારે 11.30 વાગ્યાની આસપાસ મલાડ પશ્ર્ચિમમાં ઓશિવરા મેટ્રો સ્ટેશન નીચે બની હતી. મલાડ પશ્ર્ચિમમાં ડિજિટલ માર્કેટિંગ ફર્મમાં કામ કરતો અન્સારી બાઈક પર લિંક રોડથી અંધેરીની દિશામાં જઈ રહ્યો હતો ત્યારે ગુપ્તા તેની ટૅક્સીમાં બાઈકની પાછળ હતો.કહેવાય છે કે ગુપ્તા અને અન્સારી મીઠ ચોકી જંક્શન નજીક પહોંચ્યા ત્યારે તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. ગુસ્સામાં બન્નેએ પોતાનાં વાહન રસ્તાને કિનારે પાર્ક કર્યાં હતાં. પછી તેમની વચ્ચે ઝઘડો થયો હતો.

ગુપ્તાની સાથે ટૅક્સીમાં તેનો મિત્ર પાલ પણ હતો. ઝઘડામાં આરોપીએ તીક્ષ્ણ હથિયારથી અન્સારી પર હુમલો કર્યો હતો. છાતી અને ગરદન પર ગંભીર ઇજાને કારણે અન્સારીને નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.દરમિયાન બનાવની જાણ થતાં બાંગુર નગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મીઠ ચોકી અને કાંચપાડા પરિસરમાંથી સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તાબામાં લઈ પોલીસે ગુનો નોંધ્યો હતો. ધરપકડ કરાયેલા બન્ને આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.