ઇસ્તાંબુલ: મિડલ ઈસ્ટમાં અમેરિકા ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે તુર્કીયેના ઇસ્તાંબુલમાં ઇઝરાયલી કોન્સ્યુલેટની બહાર ગોળીબારની ઘટના બની છે. જેમાં ત્રણ હુમલાખોર માર્યા ગયા છે જ્યારે એક હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે. આ ગોળીબારીમાં એક પોલીસ અધિકારી પણ ઘાયલ થયો છે. તેની બાદ ઇમારતની આસપાસનો વિસ્તાર તાત્કાલિક સીલ કરી દેવામાં આવ્યો હતો. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ દૂતાવાસ બે વર્ષથી બંધ છે. પોલીસ અને હુમલાખોરો વચ્ચે 10 મિનિટ સુધી ગોળીબાર થયો હતો.
તુર્કીયેમાં કોઈ ઇઝરાયલી રાજદ્વારીઓ તૈનાત નથી
તુર્કીયે મીડિયાના અહેવાલ મુજબ માર્યા ગયેલા ત્રણ વ્યક્તિઓ હુમલાખોર હતા. જ્યારે એક હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે. વર્ષ 2023 માં ઇઝરાયલ-હમાસ યુદ્ધ શરૂ થયું ત્યારથી દૂતાવાસ નજીક ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હાલમાં તુર્કીયેમાં કોઈ ઇઝરાયલી રાજદ્વારીઓ તૈનાત નથી.
પોલીસે તેમને રોકવાનો આદેશ આપ્યો હતો
મીડિયા અહેવાલ મુજબ હુમલાખોરો દૂતાવાસ તરફ આગળ વધી રહ્યા હતા. જેમ જેમ તેઓ ઇમારતની નજીક પહોંચ્યા ત્યારે પોલીસે તેમને રોકાવાનો આદેશ આપ્યો હતા. ત્યારબાદ પોલીસ અને હુમલાખોરો વચ્ચે ગોળીબાર શરૂ થયો. તુર્કીયેના ગૃહ પ્રધાન મુસ્તફા સિફ્તસીએ પણ પુષ્ટિ કરી કે આ અથડામણમાં ત્રણ હુમલાખોરો માર્યા ગયા હતા.
હુમલાખોરોની ઓળખ થઈ
તેમજ હુમલાખોરોની ઓળખ થઈ ગઈ છે. તેઓ વાહન ભાડે કરીને ઇઝમિટથી ઇસ્તાંબુલ આવ્યા હતા. તેમાંથી એક ધાર્મિક સંગઠન સાથે સંબંધ ધરાવે છે.જ્યારે બે હુમલાખોરો ભાઈઓ હતા. જેમાંથી એકનો ડ્રગ્સ સંબંધિત ગુનાહિત રેકોર્ડ પણ છે. આ હુમલાખોરો પાસે મોટી બંદૂકો મોટી માત્રામાં દારૂગોળો હતો.