મુંબઈ: મહારાષ્ટ્ર FDAના કમિશનર તુકારામ મુંઢે ખાદ્ય સુરક્ષા નિયમોના કડક અમલને લઈને ચર્ચામાં છે. તેમના નેતૃત્વમાં રાજ્યભરમાં રેસ્ટોરા, ફૂડ આઉટલેટ્સ, ગોડાઉન અને અન્ય પ્રતિષ્ઠાનો સામે મોટા પાયે તપાસ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે. હવે FSSAIના CEO રજીત પુન્હાનીએ મુંઢેની કામગીરીની પ્રશંસા કરવાની સાથે ફૂડ સેફ્ટી વિભાગમાં કહેવાતી ‘પનિશમેન્ટ પોસ્ટિંગ’ અંગે પણ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.
એક ચેનલને રજત પુન્હાનીએ આપેલ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે ઐતિહાસિક રીતે ફૂડ સેફ્ટી વિભાગને તેની યોગ્યતા પ્રમાણે મહત્વ મળ્યું નહોતું. જેના કારણે ઘણા અધિકારીઓ આ વિભાગની જવાબદારી લેતા અચકાતા હતા અને ફૂડ સેફ્ટી વિભાગમાં પોસ્ટિંગને ઘણી વખત ‘પનિશમેન્ટ પોસ્ટિંગ’ તરીકે જોવામાં આવતી હતી. જોકે, હવે આ દૃષ્ટિકોણ બદલવાની જરૂર છે.
મહારાષ્ટ્રમાં તુકારામ મુંઢેની કામગીરીને પુન્હાનીએ ‘જ્યાં ચાહ, ત્યાં રાહ’ની કહેવતને સાર્થક ગણાવી હતી. તેમણે ખાસ કરીને એ વાતની પ્રશંસા કરી કે મુંઢેએ કોઈ વધારાના મેનપાવર વિના પોતાની હાલની ટીમ સાથે જ આટલી મોટી કાર્યવાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, મજબૂત ઈચ્છાશક્તિ હોય તો ઉપલબ્ધ સ્ટાફ સાથે પણ અસરકારક પરિણામ મેળવી શકાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મુંઢેના નેતૃત્વ હેઠળ મહારાષ્ટ્ર FDAએ છેલ્લા કેટલાક મહિનાઓમાં સમગ્ર રાજ્યમાં હજારો નિરીક્ષણો કર્યા છે. ખાદ્ય સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કરનારા સેંકડો પ્રતિષ્ઠાનોના લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ ખાદ્ય વ્યવસાય સાથે સંકળાયેલા પ્રતિષ્ઠાનોમાં નિયમોનું પાલન સુનિશ્ચિત કરવાનો અને લોકોને સલામત ખોરાક મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે.
આરોગ્ય વિભાગની સરખામણીએ ફૂડ સેફ્ટી વિભાગને ઓછું મહત્વ મળવાના સવાલ પર પુન્હાનીએ કહ્યું કે આરોગ્યનું માળખું લગભગ 100 વર્ષ જૂનું છે, જ્યારે ખાદ્ય સુરક્ષાની વ્યવસ્થા તુલનાત્મક રીતે નવી છે. તેમના મતે હવે દરેક રાજ્યમાં એક સમર્પિત અને અલગ ફૂડ સેફ્ટી કમિશનર હોવો જરૂરી છે, જેથી આ વિભાગને યોગ્ય વહીવટી મહત્વ મળી શકે.
તુકારામ મુંઢેની કામગીરીને લઈને FSSAI CEOની પ્રશંસાએ ‘પનિશમેન્ટ પોસ્ટિંગ’ની જૂની ધારણા પર ફરી ચર્ચા શરૂ કરી છે. મર્યાદિત મેનપાવર હોવા છતાં મોટા પાયે તપાસ અને કાર્યવાહી કરીને મુંઢેએ બતાવ્યું છે કે દૃઢ ઇચ્છાશક્તિ અને અસરકારક નેતૃત્વ હોય તો ઉપલબ્ધ સંસાધનો સાથે પણ મોટું પરિણામ મેળવી શકાય છે.