મુંબઈ: ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા જૂન-જુલાઈ ૨૦૨૬ દરમિયાન પુણે સહિત રાજ્યભરમાં નકલી દવાઓ, લાઇસન્સ વિનાના ઉત્પાદન અને ભ્રામક જાહેરાતો સામે ૮૮ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ કાર્યવાહીમાં લગભગ ૯.૫૦ કરોડ રૂપિયાની ગેરકાયદેસર દવાઓ અને કોસ્મેટિક્સ જપ્ત કરવામાં આવ્યા હતા, ૨૦ કેસ નોંધાયા હતા અને ૧૦ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને નિયમોનું ઉલ્લંઘન કરતી ત્રણ બ્લડ બેંકોના લાયસન્સ કાયમી ધોરણે રદ કરવામાં આવ્યા હતા.
નકલી દવાઓ, બોગસ સૌંદર્ય પ્રસાધનો, પરવાનગી વગર દવાઓનું ઉત્પાદન અને વેચાણ, ગેરમાર્ગે દોરતી જાહેરાતો અને એનડીપીએસ દવાઓના દુરુપયોગ વિરુદ્ધ એફડીએ એ રાજ્યભરમાં એક સઘન ઝુંબેશ હાથ ધરી છે.
આ કાર્યવાહી અંતર્ગત ૩૧ સંસ્થાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને ૫૫.૫૭ લાખ રૂપિયાની દવાઓ જપ્ત કરવામાં આવી હતી. નાગપુર, મુંબઈ, થાણે, પુણે, કોલ્હાપુર, અહિલ્યાનગર, સોલાપુર, નાંદેડ, અકોલા, સતારા, જલગાંવ અને છત્રપતિ સંભાજીનગરમાં લાયસન્સ વગરના દવાના ઉત્પાદન અને વેચાણ સામે ૨૭ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મુંબઈ અને ભિવંડીમાં લાયસન્સ વિનાના અને ખોટી બ્રાન્ડવાળા કોસ્મેટિક્સ સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બેચ નંબર, મેન્યુફેક્ચરિંગ અને એક્સપાયરી ડેટ વિનાના ઉત્પાદનો, તેમજ ખોટા સરનામા પર ઉત્પાદિત હોવાનું દર્શાવતી પ્રોડક્ટ્સ જપ્ત કરવામાં આવી હતી. મોગલપુરા વિસ્તારમાં આવેલી એક કોસ્મેટિક દુકાનમાંથી પ્રતિબંધિત પાકિસ્તાની કોસ્મેટિક્સનો કુલ ૧૨,૧૦૦ રૂપિયાનો સ્ટોક જપ્ત કરવામાં આવ્યો.