મુંબઈઃ કમિશનર તુકારામ મુંઢેના નેતૃત્વ હેઠળ મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા સઘન તપાસ હાથ ધરી છે અને ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરતા એકમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેના પગલે મુંબઈના રેસ્ટોરાના અને ફૂડ ઉદ્યોગમાં સ્વચ્છતાના ધોરણોમાં મોટા પાયે સુધારણા જોવા મળી રહી છે.
રેસ્ટોરાંમાં ડીપ ક્લિનીંગ અને નવીનીકરણ કરતો એક વીડિયો વાયરલ થયો છે, જે ખાદ્ય વ્યવસાયો પર કડક ધોરણો જાળવવા માટે વધતા દબાણને પ્રતિબિંબિત કરે છે. રસોડાની જગ્યાઓને સેનિટાઇઝ કરવાથી લઈને સ્ટોરેજ પદ્ધતિઓમાં સુધારો અને જીવાત નિયંત્રણ વગેરે નિરીક્ષણો થતા હોવાથી રેસ્ટોરાં સ્વચ્છતા પર વધુ ધ્યાન આપી રહી છે.
એફડીએની કાર્યવાહીના પરિણામે મુંબઈની અનેક જાણીતી ખાણીપીણીની દુકાનો,રેસ્ટોરન્ટ,કલબ સામે કાર્યવાહી થઈ ચૂકી છે. નિરીક્ષણોમાં સ્વચ્છતાનો અભાવ અને અયોગ્ય ખોરાક સંગ્રહ સહિતની ગંભીર ખામીઓ બહાર આવ્યા બાદ એફડીએ એ અનેક સંસ્થાઓના ફૂડ બિઝનેસ લાઇસન્સ સસ્પેન્ડ કરી દીધા છે.
આ વ્યાપક ઝુંબેશ એફડીએના ખાદ્ય-સુરક્ષા અમલીકરણના પ્રયાસોના ભાગરૂપે હાથ ધરવામાં આવી રહી છે, જેમાં ગ્રાહકોને પીરસવામાં આવતો ખોરાક નિર્ધારિત સુરક્ષા ધોરણોનું પાલન કરે તે સુનિશ્ચિત કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે.
એફડીએએ સ્વચ્છ પીવાનું પાણી, યોગ્ય સ્વચ્છતા વ્યવસ્થા, જીવાત નિયંત્રણ, તાપમાન નિયંત્રણ અને કચરાના વ્યવસ્થાપન ઉપરાંત ફળો, શાકભાજી, કઠોળ, આખા અનાજ, દૂધ અને અન્ય પૌષ્ટિક સ્થાનિક ખાદ્યપદાર્થો જેવા વધુ સ્વાસ્થ્યપ્રદ વિકલ્પો અપનાવવાની પણ હિમાયત કરી છે.