વોશિંગ્ટન: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવની અસર ખાસ કરીને દરિયાઈ વેપાર પર જોવા મળી રહી છે. ત્યારે હવે અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ખોલવા માટેની તૈયારી કરતાં નજરે ચડયા છે. આ માટે ટ્રમ્પ એક વૈશ્વિક ગઠબંધન બનાવવાની વિચારણા કરી રહ્યા છે, જેમાં જે દેશ સામેલ થશે તેના જહાજોને પસાર થવા દેવા માટે અમેરિકા યુદ્ધ જહાજ મોકલી શકે છે. જો કે આ યોજનામાં હજુ સુધી કોઈ પણ દેશે હોંકારો ભણ્યો નથી. ઓસ્ટ્રેલીયાએ તો યુદ્ધ જહાજ મોકલવા બાબતે સ્પષ્ટ ઇનકાર કરી દિધો છે.
જોકે, ટ્રમ્પની આ અપીલ પર અત્યાર સુધી કોઈ દેશે ખુલીને સમર્થન આપ્યું નથી. ઓસ્ટ્રેલિયાએ આ મિશનમાં પોતાના યુદ્ધજહાજો મોકલવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે, જ્યારે અન્ય સાથી દેશો પણ આ મામલે ટાળમટોળ કરી રહ્યા છે. ટ્રમ્પે ચીન, ફ્રાન્સ, જાપાન, દક્ષિણ કોરિયા અને બ્રિટન જેવા દેશોને આગ્રહ કર્યો હતો કે તેઓ પોતાની ઊર્જા સુરક્ષા માટે આ માર્ગ ખુલ્લો કરાવવામાં સહયોગ આપે. અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ તટરેખા પર બોમ્બમારો ચાલુ રાખશે અને ઈરાની નૌકાઓને નિશાન બનાવશે.
ટ્રમ્પે કડક વલણ અપનાવતા કહ્યું હતું કે આ સુરક્ષાની જરૂરિયાત અમેરિકા કરતા અમુક દેશોને વધુ છે. તેમણે બ્રિટન જેવા દેશોના મોડા પ્રતિસાદ પર નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે તેમને સમર્થન યુદ્ધ જીત્યા પછી નહીં, પણ યુદ્ધ શરૂ થતા પહેલા જોઈતું હતું. ટ્રમ્પે ચેતવણીના સૂરમાં ઉમેર્યું કે હવે ભલે તેમને અન્ય દેશોનો ટેકો મળે કે ન મળે, પરંતુ જે દેશોએ અત્યારે મદદ કરવાનો ઈન્કાર કર્યો છે તેને અમેરિકા યાદ રાખશે.