ટેકનોલોજીના યુગમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અત્યારે સત્તા અને સુરક્ષાનું કેન્દ્ર બની ગયું છે. જે AI ના આગમનથી વૈશ્વિક શેરબજારમાં હલચલ મચી ગઈ હતી, તે જ કંપની 'Anthropic' હવે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિશાના પર આવી છે. ટ્રમ્પે તમામ સરકારી વિભાગોને એન્થ્રોપિકના AI મોડલનો ઉપયોગ તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ વિવાદનું મુખ્ય કારણ રાષ્ટ્રીય સુરક્ષા અને AI ના નૈતિક ઉપયોગ વચ્ચેનો સંઘર્ષ છે, જેમાં કંપનીએ નમતું જોખવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.
આ સમગ્ર વિવાદના મૂળમાં અમેરિકાનું સંરક્ષણ મંત્રાલય છે. પેન્ટાગન ઈચ્છે છે કે તેઓ એન્થ્રોપિકના શક્તિશાળી AI મોડલ 'Claude' નો ઉપયોગ કોઈપણ રોકટોક વગર સૈન્ય હેતુઓ માટે કરી શકે. સરકાર આ મોડલ પર સંપૂર્ણ નિયંત્રણ ઈચ્છે છે જેથી ડેટા એનાલિસિસ અને સર્વેલન્સ કરી શકાય. જોકે, એન્થ્રોપિકે સ્પષ્ટ કર્યું છે કે તે તેના 'ગાર્ડરેલ્સ' (સુરક્ષા પ્રોટોકોલ) સાથે કોઈ બાંધછોડ કરશે નહીં. કંપનીનું માનવું છે કે મોટા પાયે જાસૂસી કે સ્વાયત્ત હથિયારો માટે AI નો ઉપયોગ લોકશાહી મૂલ્યોની વિરુદ્ધ છે.
પેન્ટાગને એન્થ્રોપિકને 'સપ્લાય ચેઈન રિસ્ક' ગણાવીને તેના તમામ સરકારી ઓર્ડર રદ કરી દીધા છે. ડોનાલ્ડ ટ્રમ્પના કડક વલણ સામે કંપનીએ પણ હવે કાયદાકીય લડત આપવાનું નક્કી કર્યું છે. એન્થ્રોપિકનું કહેવું છે કે સુરક્ષા પ્રતિબંધો નૈતિક સીમાઓ જાળવવા માટે અનિવાર્ય છે અને તેઓ સરકારના આદેશને કોર્ટમાં પડકારશે. આ ટકરાવને કારણે હવે ટેક જગતમાં ચર્ચા જાગી છે કે શું ખાનગી કંપનીઓએ સુરક્ષાના નામે સરકારને યુઝર્સની પ્રાઇવસી સોંપી દેવી જોઈએ?
અમેરિકી પ્રશાસનનું તર્ક છે કે AI ની વૈશ્વિક રેસમાં ચીનથી આગળ રહેવા માટે અમેરિકી એજન્સીઓ પાસે અદ્યતન ટૂલ્સનો અવિરત એક્સેસ હોવો જરૂરી છે. ટ્રમ્પના મતે રાષ્ટ્રીય સુરક્ષાના મામલે ખાનગી કંપનીઓએ સરકારને પૂરો સહયોગ આપવો જોઈએ. રસપ્રદ વાત એ છે કે, એન્થ્રોપિક સાથે વિવાદ વધતા જ પેન્ટાગને હવે તેની સાથેની ડીલ રદ કરી દીધી છે અને સેમ ઓલ્ટમેનની કંપની 'OpenAI' સાથે હાથ મિલાવ્યા હોવાના અહેવાલો છે.