Wed Aug 19 2026

Logo

મુસાફરીમાં બેચેની થવી...

2026-03-10 11:08:00
Author: Mumbai Samachar Team
Article Image

આરોગ્ય પ્લસઃ

સંકલન: સ્મૃતિ શાહ મહેતા


બેચેનીનાં લક્ષણ

* ઊલટી થવી, ચક્કર આવવા, માથું દુ:ખવું, શ્વાસ લેવામાં તકલીફ થવી, શરીરમાં બેચેની અનુભવવી વગેરે.
કારણ : 
* મુસાફરી દરમ્યાન જયારે આંખ અને કાન દ્વારા મગજને શરીરની ગતિ વિશે વિરોધાભાસી સંકેતો મળે છે, ત્યારે બેચેની થાય છે. જયારે આપણે ગાડી, બસ, સ્ટીમર કે પ્લેનમાં મુસાફરી કરતા હોઇએ ત્યારે આપણે એક જગ્યાએ બેઠા હોવાથી આંખ મગજને શરીરની સ્થિરતાના સંકેતો પહોંચાડે છે. તે જ વખતે વાહનના થતા હલન-ચલન અને વાઇબ્રેશનોના કારણે જાણે શરીર હલન-ચલન કરી રહ્યું છે, એવા સંકેતોને કાન મગજને પહોંચાડે છે. આમ જયારે આંખ અને કાન દ્વારા મગજને વિરોધાભાસી સંકેતો મળે છે ત્યારે મુસાફરી દરમ્યાન શરીરમાં કોઇક રીતે બેચેની કે ગભરામણ અનુભવાય છે.

મુસાફરીમાં બેચેનીના ઉપચાર:

1. મુસાફરી પહેલાં આદુંના 1-2 નાના ટુકડા ખાઇ લેવા.
2. મુસાફરી દરમ્યાન મોઢામાં લવિંગ, એલચી કે તજ રાખી ચૂસતા રહેવું.
3. હૂંફાળા પાણીમાં 1 ચમચી મધ તથા અડધા લીંબુનો રસ મેળવીને પીવું.
4. 1 ગ્લાસ સફરજનનું તાજું જયૂસ પીવું.

સાવધાની

* મુસાફરી પહેલાં કે તે દરમ્યાન ભારે, તળેલાં,મસાલેદાર અને નશાવાળા (ચા, કોફી વગેરે) પદાર્થો ન લેવા.
* સાવ ભૂખ્યા પેટે પણ મુસાફરી ન કરવી.
* માથું શકય હોય એટલું ઓછું હલાવવું.
* મુસાફરી દરમ્યાન વાંચવાની કે ટી.વી. જોવાની ટેવ ન પાડવી.
* ગાડીમાં આગલી સીટે બેસવું અને અમુક સમયે બારીમાંથી બહાર જોતા રહેવું.
* વિમાનની મુસાફરી દરમ્યાન બારીની સાઇડની અને પાંખોની સીટની માગણી કરવી. કેમ કે, ત્યાં ખૂબ જ ઓછા ધક્કાઓ લાગવાની સંભાવના હોય છે. 
* મુસાફરી દરમ્યાન તાજી હવા લેતા રહેવું. જે વાહનોમાં પાછળની સીટોમાં ઓછી બારીઓ હોય છે, ત્યાં હવાનું વ્યવસ્થિત પરિભ્રમણ હોતું નથી. તેથી આ બીમારી અનુભવાતી હોય છે. માટે ગાડીમાં બેઠા હોઇએ ત્યારે માત્ર એ.સી.ની ઠંડી હવા પર નિર્ભર ન રહેતા અમુક સમયે ગાડીની બારીઓ ખોલતા રહેવું.

* જયારે વધારે મુશ્કેલી અનુભવાય ત્યારે આંખો બંધ કરી ઊંડા શ્વાસ લેવા. શાંત સંગીત સાંભળતા રહેવું.
* જે વાહનોમાં સામ-સામે સીટો હોય (જેમ કે, ટે્રન, બોટ) તેમાં વાહન જે દિશામાં જતું હોય તે દિશા તરફની સીટમાં બેસવું.
* અમુક લોકો પહેલેથી જ એવી માનસિકતા રાખતા હોય છે કે, મુસાફરી દરમ્યાન તેમને તકલીફ થશે જ, પરંતુ તે ખોટી માનસિકતાનો ત્યાગ કરવો.

લૂ લાગવી

લૂ લાગેલનાં લક્ષણ :
* ખૂબ જ પરસેવો થવો અને થાક લાગવો.
* અશક્તિ, નબળાઇ અને ચક્કર આવવા.
* ઊભા થવાથી લો-બ્લડપ્રેશર થવું.
* ઉબકા આવવા, માથાનો દુ:ખાવો થવો અને સ્નાયુઓ દુ:ખવા.

લૂ લાગવાનાં કારણ :
* ગરમીના વાતાવરણમાં વધુ સમય રહેવાથી તથા અતિ શ્રમ કરવાથી .
* શરીરમાં પાણી ઓછું થઇ જવાથી.
* વધુ ફિટ કપડાં પહેરવાથી.

સાવધાની

*  માટલાનું ઠંડું પાણી પીવું.
* ઠંડકવાળી જગ્યામાં આરામ કરવો.
* આરામ કરતી વખતે પગ હૃદયની ઊંચા રહેવા જોઇએ.
* ઠંડા પાણીથી નાહવું અથવા શરીર પર ઠંડા પાણીથી પલાળેલો રૂમાલ મૂકવો.

લૂ લાગે તેના ઉપચાર

1. 30 ગ્રામ કાચી કેરીના ટુકડા 500 મિ. લી. પાણીમાં ઉકાળી, તેમાં 50 ગ્રામ સાકર મેળવીને બનાવેલ શરબત પીવાથી લૂમાં આરામ થાય છે.
2. ગોળનું શરબત પીવું.
3. ગરમાળાનો ગોળ 5 થી 10 ગ્રામ જેટલો 1-2 કપ ઠંડા પાણીમાં ઓગાળીને સવાર-સાંજ પીવો.
4. તુલસીના પાનનો રસ ખાંડ સાથે મેળવીને પીવાથી આરામ થાય છે.
5. ઠંડા જળમાં ધાણા, આમળાં, સાકર, વરિયાળી અને સુખડ (ચંદન) આ દરેકનું 5-5 ગ્રામ ચૂર્ણ નાખીને લેવું.
6. 30 ગ્રામ પાકી આમલીનો ગર, 25 ગ્રામ ગોળ અને 2 ગ્રામ કાળા મરીના ચૂર્ણને 250-300 મિ. લી. પાણી લઇ તેમાં ઉકાળીને ગાળી લઇ, ઠારીને દર્દીને વારંવાર એક કપ જેટલું પાતા રહેવું.