શ્વેતા જોષી અંતાણી
શાળા પૂરી થઈ. બોર્ડની પરીક્ષા પછી બધા મિત્રો અલગ-અલગ કૉલેજોમાં પહોંચી ગયા. મૈત્રી ફોટોગ્રાફીનાં પોતાનાં સપનાને આગળ વધારવા માટે માસ કમ્યુનિકેશનમાં પ્રવેશ લઈ ચૂકી હતી. નેહાએ પણ એ જ શહેરની બીજી કૉલેજ પસંદ કરી. સ્કૂલ જેટલી નજદીકી હવે નેહા રહી નહોતી, પરંતુ નેહા હજુ પણ રોજ મૈત્રીને મેસેજ કરતી. ‘ક્યાં છે? કોની સાથે છે? ફોટો મોકલ...’ જોકે મૈત્રી પણ હવે પહેલાં જેવી નહોતી. એણે નેહા સાથેની મિત્રતામાં સ્પષ્ટ સીમાઓ બનાવતાં શીખી લીધું હતું. એ જવાબ આપતી, પરંતુ નેહાને પોતાના પર હાવી થવા દેતી નહીં. એમ કરતાં બન્ને વચ્ચે અંતર વધતું ચાલ્યું એટલે નેહાને આધિપત્ય જમાવવા કોઈની તાતી જરૂર પડી. એવામાં એની મુલાકાત અનીષ સાથે થઈ. અનીષ શાંત, સર્જનાત્મક અને સંગીતનો શોખીન. નેહાને લાગ્યું કે આખરે એને એવી વ્યક્તિ મળી ગઈ જે પોતાને સમજી શકે.
સંબંધની શરૂઆત ખૂબ સુંદર હતી. અનીષને પણ નેહાનો સાથ ગમતો. જે રીતે નેહા એની દરેક નાનામાં નાની વાત યાદ રાખતી. સવારમાં સામેથી ગુડ મૉર્નિંગનો મેસેજ કરતી, એના પેરેન્ટ્સને શુભેચ્છા મોકલતી. બીમાર પડે તો નોટ્સ પહોંચાડતી. અનીષને પહેલી વાર કોઈએ આટલું મહત્ત્વ આપ્યું હશે. એ તો ભાવવિભોર થઈ ગયો. થોડા મહિનાઓ બધું સરસ ચાલ્યું. નેહાની કાળજી, સ્નેહ અને સાથ અનીષ માટે સુખદ લાગણીસમા હતાં, પરંતુ મૈત્રી સાથે નેહા જે રીતે મિત્રતાના નામે આધિપત્ય-માલિકીપણું જમાવતી થયેલી એ હવે અનીષ સાથે પ્રેમમાં વધુ તીવ્રતાથી શરૂ થવા લાગ્યું.
અનીષ ચોંકી ગયો જ્યારે એક દિવસ નેહાએ પૂછ્યું, ‘ગઈ કાલે રાત્રે બાર વાગ્યા સુધી ઑનલાઇન હતો. મારી સાથે તો વાત નહોતો કરતો. કોની સાથે ચૅટ કરતો હતો?’ એ સમયે અનીષે ખુલાસો આપ્યો, હસીને વાત ટાળી, પરંતુ બીજા દિવસે નેહાએ બીજો પ્રશ્ર્ન કર્યો, ‘આ છોકરી કોણ છે જેની પોસ્ટ તું લાઈક કરે છે? તારા ક્લાસમાં કેટલી છોકરીઓ છે? તું એની સ્ટોરી કેમ જુએ છે?’ શરૂઆતમાં અનીષને લાગ્યું કે આ પ્રેમમાં લેવાતી કાળજી છે. એ હસતાં મોંએ માનતો ને મનાવતો રહ્યો, પણ નેહાની ટોક્સિસિટી વધતી ચાલી.
એક દિવસ એણે કહ્યું, ‘લાવ, તારા ઇન્સ્ટાગ્રામનો પાસવર્ડ આપ. મારે ફક્ત જોવું છે કે તને મારા પર ભરોસો કેટલો છે. અનીષ થોડો આંચકો ખાઈ ગયો. આજ સુધી ખુદ એના પેરેન્ટ્સે પણ એની પ્રાયવસીમાં આટલી દખલ કરી નહોતી. તેમ છતાં એણે પાસવર્ડ આપી દીધો. થોડા દિવસ પછી એણે જોયું કે નેહાએ એના ફૉલોેઅર્સ લિસ્ટમાંથી બે છોકરીને કાઢી નાખી. અનીષને આ વાત ખૂંચી. એણે નેહાને કારણ પૂછ્યું તો નફિકરાઈભર્યો જવાબ મળ્યો, ‘મને એ લોકો નહોતા ગમતા.’
ધીમે-ધીમે પુછાતાં પ્રશ્ર્નો નિયમમાં બદલાતાં ગયા. ‘આજે કૉલેજ પછી સીધો ઘેર જજે. ક્રિકેટ રમવા જવાની જરૂર નથી. વીકએન્ડમાં ફ્રેન્ડ્સ સાથે નહીં, મારી સાથે જ રહેજે...’ અનીષ એક પછી એક પોતાની પસંદગી છોડતો ગયો. ક્રિકેટ બંધ. મ્યુઝિકલ ક્લબ બંધ. મિત્રો સાથેની કૉફી મીટ બંધ. એને લાગતું કે કદાચ થોડું સમાધાન કરવાથી સંબંધ બચી જશે. શરૂઆતમાં નેહાએ બતાવેલી એ પ્રેમાળ કાળજી મેળવવા મથતો અનીષ સમજી નહોતો રહ્યો કે નેહાનો ઑબ્સેસિવ સ્વભાવ એને ચોતરફથી ઘેરી રહ્યો છે. દરેક સમાધાન પછી નેહાની નવી અપેક્ષા ઊભી થઈ જતી. હવે એ દર કલાકે વીડિયો કૉલ કરવા માગતી. લાઇવ લોકેશન ચાલુ રાખવા કહેતી. જો અનીષ પાંચ મિનિટ મોડો જવાબ આપે તો સતત ફોન કરતી.
એક દિવસ અનીષ વર્કશૉપમાં હતો. ચાર કલાક સુધી ફોન બંધ. એ ચાલુ કરતાં જ એની સામે નેહાના અગણિત મિસ્ડ કૉલ્સ અને અસંખ્ય મેસેજ હતા. ‘તું મને નિગ્લેક્ટ કરી રહ્યો છે. હું તારા વગર રહી નથી શકતી. તું ક્યાં છે? હમણાં જ વીડિયો કૉલ કર, નહીંતર હું કોઈ ખોટું પગલું ભરી લઈશ...’
એ રાત્રે અનીષને પહેલી વાર ડર લાગ્યો. એણે ક્યાંક વાંચેલુ કે પ્રેમ એને કહેવાય જે તમને ઉડવા આકાશ અને વિસ્તરવા અવકાશ આપે. જ્યારે આ સંબંધ એને એવી રીતે બાંધી રહ્યો હતો કે શ્ર્વાસ લેવો મુશ્કેલ બની જાય. ગૂંગળામણ થવા માંડતી... અચાનક એને મૈત્રી યાદ આવી. નેહાએ વાત કરેલી કે કેવી રીતે એ મૈત્રીનું ધ્યાન રાખતી, તેમ છતાં એ છોકરી એના પ્રેમની કદર કર્યા વગર એને તરછોડી ચાલી નીકળેલી. બીજા દિવસે એણે મૈત્રીને મળવાનું નક્કી કર્યું.
મૈત્રીએ શાંતિથી એની વાત સાંભળી. પછી માત્ર એટલું જ બોલી, ‘અનીષ, હું નેહાને ઘણાં વર્ષોથી ઓળખું છું. સ્કૂલમાં એ મારી સૌથી સારી મિત્ર હતી. શરૂઆતમાં મને પણ લાગતું કે આ બધું પ્રેમ અને કાળજી છે. પછી સમજાયું કે એ મને ગુમાવવાના ડરમાં જીવતી હતી. એ ડર ધીમે ધીમે માલિકીભાવમાં પલટાઈ ગયો. અનીષ એને ચૂપચાપ સાંભળી રહ્યો.
‘જો, જાતને બદલવાનો પ્રયાસ ના કર.’ મૈત્રીએ કહ્યું. ‘એને મદદની જરૂર છે. તું તારી સ્વતંત્રતા ગુમાવ્યા વગર એની સહાય કરવાની કોશિશ કર.’
મૈત્રીની સુફિયાણી સલાહો સાંભળી અનીષ કંઈ ના બોલ્યો. મનોમન એને થયું કે જો મદદ કરવી જ હતી તો તું એને તરછોડી ભાગી કેમ ગઈ? પણ એ કશું બોલ્યા વગર ત્યાંથી પાછો ફર્યો. દિવસો સુધી મૂંઝાતો રહ્યો, ડરતો રહ્યો, વિચારતો રહ્યો. અંતે એણે નક્કી કર્યું કે નેહાને સુધારવા કરતાં પોતે જ આ સંબંધમાંથી બહાર નીકળી જાય. અને એણે પોતાની તરફ આવતા તમામ દરવાજાઓ ચસોચસ ભીડી દીધાં છે...
હવે આગળ શું થશે, નેહા શું કરશે, કંઈ અઘટિત બનશે કે પછી બન્ને પોતપોતાની દિશામાં આગળ વધશે?