Fri May 01 2026

Logo

ગુજરાતમાં ફરી માવઠાની અંબાલાલની આગાહી, દેશના 11 રાજ્યોમાં વરસાદનું એલર્ટ

2026-02-15 08:55:01
Author: MayurKumar Patel
Article Image

 

અમદાવાદઃ ગુજરાતમાંથી શિયાળો ધીમે ધીમે વિદાય લઈ રહ્યો છે. ફેબ્રુઆરીના અંત સુધીમાં જ રાજ્યના તાપમાનમાં નોંધપાત્ર વધારો થશે. માર્ચની શરૂઆતથી જ ઉનાળાની કાળઝાળ ગરમીનો અનુભવ થશે. અંબાલાલ પટેલે રાજ્યમાં ફરી માવઠાની આગાહી કરી છે. બીજી તરફ દક્ષિણ અને પશ્ચિમ ભારતના રાજ્યોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થતાં અસહ્ય બફારો અનુભવાશે. બંગાળની ખાડીમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને 19 ફેબ્રુઆરી સુધી દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે. બદલાતા ઋતુચક્રને લીધે દેશના વિવિધ ભાગોમાં કુદરતનો બેવડો મિજાજ જોવા મળશે.

ગુજરાતમાં ક્યાં નોંધાયું કેટલું તાપમાન

ગુજરાતમાં વહેલી સવારે ઠંડીનો અહેસાસ થયો છે, બે દિવસ બેવડી ઋતુની અસર રહેશે અને સૌથી નીચું તાપમાન નલિયામાં 12 ડિગ્રી નોંધાયું હતું. અમરેલીમાં 14.6 ડિગ્રી, ડીસામાં 15.2 ડિગ્રી, કેશોદમાં 15.9 ડિગ્રી, કંડલામાં 16 ડિગ્રી, પોરબંદરમાં 16 ડિગ્રી, ગાંધીનગરમાં 16.2 ડિગ્રી નોંધાયું હતું. 

અંબાલાલ પટેલે શું કરી છે આગાહી

ગુજરાતમાં શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન વચ્ચે અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે. જે મુજબ, 22 ફેબ્રુઆરી બાદ રાજ્યના વાતાવરણમાં મોટો ફેરફાર થશે. ઉત્તર ભારતમાં સક્રિય થનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાત પર માવઠાનું જોખમ તોળાઈ રહ્યું છે. જેની અસર સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. વલસાડ અને નવસારી જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટાછવાયા વરસાદી ઝાપટાં પણ પડી શકે છે. 

મહારાષ્ટ્રમાં કેવો રહેશે મોસમનો મિજાજ

મહારાષ્ટ્રમાં આજે હવામાન શુષ્ક અને ગરમ રહેવાની શક્યતા છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા નથી. હવામાન વિભાગે તાપમાનમાં થોડો વધારો થવાની શક્યતા વ્યક્ત કરી છે. બપોરે ગરમીમાં વધારો થશે તેવી પણ આગાહી કરવામાં આવી છે.

 

દેશભરમાં કેવું રહેશે હવામાન

હવામાન વિભાગે દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના 11 રાજ્યોમાં આગામી 24 કલાકમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. યુપી અને બિહારમાં 17-18 ફેબ્રુઆરીના રોજ વરસાદની શક્યતા છે. 16 અને 17 ફેબ્રુઆરીએ ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને હિમાચલમાં બરફવર્ષા થઈ શકે છે. વરસાદથી તાપમાનમાં સામાન્ય ઘટાડો થશે. 

ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં 16 ફેબ્રુઆરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે. 17 ફેબ્રુઆરીએ પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને ઉત્તર રાજસ્થાનમાં ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે. જ્યારે દક્ષિણ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી અને બફારો લોકોને પરેશાન કરી શકે છે. 16થી 18 ફેબ્રુઆરી દરમિયાન હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખના વિવિધ વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે.