અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે સવારથી અમદાવાદ સહિત ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી ભારે પવન સાથે ધૂળની ડમરી ઉડી રહી છે. જેના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. અમદાવાદના ઘણા વિસ્તારમાં હોર્ડિંગ્સ પણ ઉખડી ગયા છે.
હવામાન વિભાગના લેટેસ્ટ નાઉકાસ્ટ મુજબ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને 30 થી 60 ટકા જેટલી વીજળી પડવાની સંભાવના પણ છે. જ્યારે કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને ખેડા જિલ્લાઓમાં યેલો એલર્ટ સાથે હળવો વરસાદ થવાની શક્યતા છે. અહીં પવનની ગતિ 40 કિલોમીટરથી ઓછી રહેશે.
ગુજરાતમાં આજે સવારથી ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતા વિઝિબિલિટી ઘટી છે. હવામાન વિભાગ મુજબ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ પડશે. આવતીકાલે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠામાં વરસાદની શક્યતા છે. હાલ રાજ્ય પર બે સિસ્ટમ સક્રિય થઈ છે. જેની અસરથી વરસાદનું એલર્ટ અપાયું છે.
કમોસમી વરસાદને કારણે ખેતરમાં પડેલા તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ છે. ખેડૂતોએ પોતાનો પાક સુરક્ષિત સ્થળે ખસેડવા અથવા તાડપત્રીથી ઢાંકી દેવા તંત્ર દ્વારા જણાવાયું છે. આ બદલાતા વાતાવરણને કારણે તાપમાનમાં પણ આંશિક ઘટાડો નોંધાઈ શકે છે, જેનાથી ગરમીમાં થોડી રાહત મળશે પરંતુ ભેજવાળા વાતાવરણને લીધે બફારો અનુભવાઈ શકે છે.
Daily Weather Briefing (18.03.2026)
— India Meteorological Department (@Indiametdept) March 18, 2026
Scattered thunderstorm, lightning & gusty likely to continue over Western Himalayan Region and plains of northwest India till 20th March.
YouTube : https://t.co/PnOk9dXYZY
Facebook : https://t.co/gUlV6haTXx
For more information, visit… pic.twitter.com/KHzXOUN5I9
મહારાષ્ટ્રમાં કેવું રહેશે હવામાન
મહારાષ્ટ્ર પર ગુડી પડવાના દિવસે જ કુદરતી આફત તોળાઈ રહી છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને કારણે વાવાઝોડું, વીજળીના કડાકા-ભડાકા અને છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે કેટલાક સ્થળોએ કલાકના 30 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે કરા પડવાની પણ સંભાવના છે. કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને વિદર્ભના 22 જિલ્લાઓમાં 'યલો' જ્યારે 7 જિલ્લાઓમાં 'ઓરેન્જ' એલર્ટ આપવામાં આવ્યું છે
દેશમાં કેવું રહેશે હવામાન
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી પ્રમાણે, પશ્ચિમ હિમાલય વિસ્તાર તથા ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારમાં 20 માર્ચ સુધી ગાજવીજ, ભારે પવન અને વરસાદની શક્યતા છે. કેટલીક જગ્યાએ કરા પણ પડી શકે છે. આ દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં 40 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સસક્રિય થવાને કારણે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 19-20 માર્ચ દરમિયાન ભારે વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે. બીજી તરફ પંજાબ, દિલ્હી, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના અનેક વિસ્તારોમાં ભારે પવન અને વીજળી પડવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને પશ્ચિમ યુપીમાં 19-20 માર્ચના રોજ કરા પડવાની શક્યતા છે.
હવામાન વિભાગ મુજબ, પૂર્વ અને મધ્ય ભારતમાં પણ 22 માર્ચ સુધી ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે. ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોમાં કરા પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ અને તેજ પવન ફૂંકાઈ શકે છે. ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં 20-21 માર્ચ દરમિયાન કલાકના 60-80 કિમીની ઝડપે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.