ઝબાન સંભાલ કે - હેન્રી શાસ્ત્રી
આજે પહેલી માર્ચ. કેલેન્ડરના ત્રીજા મહિનાનો પ્રારંભ. ગણિત વિશ્વમાં ત્રણનો મહિમા જાણવા જેવો છે. આ એકમાત્ર સંખ્યા છે જે એની પહેલા આવતી બે ક્રમિક સંખ્યાના સરવાળા બરાબર છે (1 + 2 = 3). બીજી કોઈ સંખ્યા આ પ્રકારના મેળથી નથી તૈયાર થતી. 3 એકી સંખ્યાનો સૌથી નાનો પ્રાઈમ નંબર (એવી સંખ્યા જેને પોતાના તેમજ 1 વડે જ નિ:શુલ્ક ભાગી શકાય) છે અને આ એકમાત્ર પ્રાઈમ નંબર છે જે વર્ગ સંખ્યા 4 (4 = 2 + 2)ની પહેલા આવે છે. જોકે, ભાષામાં ત્રણનો મહિમા કભી ખુશી કભી ગમ જેવો છે.
ત્રિપુટી - ત્રણનું ઝુમખું, ત્રણનો સમૂહ જેનો મહિમા જાણવા જેવો છે. ત્રિદેવ - બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો મહિમા કેવો અનંત છે એ સમજાવવાની જરૂર ખરી? એક પુરુષ અને એક સ્ત્રી વિવાહબદ્ધ થાય એટલે યુગલ એટલે કે બે થાય અને એમને ત્યાં સંતાનનો જન્મ થાય એટલે ત્રીજી વ્યક્તિના આગમન સાથે પરિવાર બને. ત્રિપુંડ - ત્રિપુંડ એટલે કપાળમાં કરવામાં આવતી ત્રણ આડી રેખા જેનું ધાર્મિક મહત્ત્વ છે. ત્રિપુંડધારી વ્યક્તિ પ્રત્યે વંદનીય ભાવથી જોવામાં આવે છે. ત્રિકમ અથવા ત્રિકમજી એટલે વિષ્ણુનો વામન અવતાર. ભોલેનાથ - શંકર ભગવાન ત્રિનેત્ર - ત્રણ નેત્રવાળા તરીકે પણ ઓળખાય છે. શિવપુરાણ મુજબ, જ્યારે કામદેવે ભગવાન શિવનું ધ્યાન તોડવાનો પ્રયાસ કર્યો, ત્યારે શિવે ત્રીજું નેત્ર ખોલીને કામદેવને ભસ્મ કરી દીધા હતા, જે વાસના પર જ્ઞાનનો વિજય દર્શાવે છે. જૈન ધર્મમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ રત્ન ગણાય છે. રામના અનેક અર્થ પૈકી એક અર્થ છે આત્મા કે જીવ. હવે જો બે વાર રામ રામ બોલાય તો એનો અર્થ થાય છે છેવટની સલામ, કાયમ માટે વિખૂટા પડવાની વાત. જો એની સાથે ત્રણ જોડાય તો ત્રણ રામ એટલે પરશુરામ (જમદગ્નિ ઋષિના પુત્ર પરશુરામ ભાર્ગવ) રામચંદ્ર (રાજા દશરથના પુત્ર રામચંદ્ર) અને બલરામ (શ્રીકૃષ્ણના મોટા ભાઈ) એવો અર્થ નીકળે છે. વીજળી - ઈલેક્ટ્રિસિટી વિશે જો તમારી પાસે પાયાની જાણકારી હશે તો તમે ત્રણ ફેઝના ઈલેક્ટ્રિક પાવર વિશે જાણતા હશો કે એના વિશે સાંભળ્યું હશે. એના માટે ત્રણ તારા પદ્ધતિ શબ્દનું ચલણ અગાઉ અસ્તિત્વમાં હતું. આ પદ્ધતિમાં ત્રણ તાર ધનતાર, ઋણતાર અને નપુંસકતાર (પોઝિટિવ, નેગેટિવ અને ન્યુટ્રલ)નો વપરાશ થતો હતો. આ પ્રકારે થતો વીજ પુરવઠો ઓછો ખર્ચાળ અને વધુ સુરક્ષિત ગણાયો છે. આમ અહીં ત્રણનો આંકડો સકારાત્મક અર્થમાં હાજર છે. ત્રણ નકારાત્મક અર્થમાં પણ હાજર છે. ત્રણ ટકાનું - ત્રણ બદામનું એટલે હલકું, આબરૂ વિનાનું, ગણતરી વિનાનું. હવે વિરોધાભાસ જુઓ, ત્રણ તેંત્રીસની ગરજ સારે. મતલબ કે થોડામાં ઘણું કામ થઈ જાય. ત્રેવડ ત્રીજો ભાઈ છે. મતલબ કે કરકસરની એટલે કે ફાયદાની વાત છે. એકદમ સકારાત્મક વાત. જોકે, તીનપચાશિયું એટલે દંભી અથવા આડંબર કરનારી વ્યક્તિ. તીનપાંચ એટલે અહંકાર, શેખી કે વાઈડાઈ. સારો - નરસો બંને ભાવ વ્યક્ત કરતી કહેવત છે ત્રણમાં તરાડ પડે અથવા ત્રણમાં રણ પડે. મતલબ કે ત્રણનો આંકડો કાં તો ટંટો કરાવે અથવા લાભ પણ કરાવે.
तीनच्या म्हणी
મરાઠીમાં ત્રણ માટે તીન શબ્દ વપરાય છે. અલબત્ત તીન શબ્દ ગુજરાતીમાં પણ ક્યારેક વપરાય છે ખરો. ત્રણ સંબંધિત મરાઠી ભાષાપ્રયોગમાં એ છે ત્રિપદી કવિતા. त्रिपदी म्हणजे साधारण तीन ओळींचा कडवा। उदाहरण: सांजवेळ ही, पक्षी निजती / झाडांची सावली, लांबत जाती / रात्र आता, निजली धरती। यमक कवितेच्या चरणांच्या शेवटी, मध्ये किंवा ठराविक ठिकाणी उच्चारात समानता असणारे (नादमाधुर्य) शब्द आल्यास यमक अलंकार होतो, ज्यामुळे कवितेला गेयता आणि सौंदर्य प्राप्त होते. निजती, जाती, धरती या शब्दांमुळे नादमधुर्य उतपन्न होतो। કવિતા ઉપરાંત રૂઢિ પ્રયોગો અથવા કહેવતોમાં પણ તીન શબ્દની હાજરી જોવા મળે છે. मराठीत 'तीन' या अंकाचा वापर करून किंवा तीनशी संबंधित काही प्रचलित म्हणी: तीन तिघाडा काम बिघाडा: (बहुतेकदा तीन लोक एकत्र आल्यास काम नीट होत नाही, उलट बिघडते.) ગુજરાતીમાં સુધ્ધાં જોવા મળતી આ મરાઠી કહેવત કોઈ નવરી બજારનું 'સર્જન' (કે વિસર્જન?) લાગે છે. જો ત્રિદેવ બ્રહ્મા - વિષ્ણુ - મહેશ માટે વપરાતો હોય તો એ એ અશુભ કે કામ બગાડનારું કઈ રીતે હોઈ શકે એ સામાન્ય સમજની બહાર છે. આ મરાઠી કહેવત અનુસાર જો ત્રણ લોકો ભેગા થાય તો કામ સરસ રીતે પાર પડે નહીં, કામ બગડી જાય. तीन तेरा वाजणे हा मराठी वाक्प्रचार आहे, ज्याचा अर्थ पूर्णपणे नाश होणे, खूप नुकसान होणे किंवा गोंधळ उडणे असा होतो एखाद्या गोष्टीची किंवा कामाची पुरती वाट लागणे, विस्कळीत होणे, किंवा सत्यानाश होणे या अर्थाने हा शब्दप्रयोग वापरला जातो। તીન તેરા વાઝણે મરાઠી રૂઢિપ્રયોગનો અર્થ કામ સદંતર બગડી જવું, પૂર્ણપણે નાશ થવો કે ધમાલ થવી કે પાયમાલી થવી એવો થાય છે. तू वेळीच लक्ष दिले नाहीस तर या व्यवसायाचे तीन तेरा वाजतील. જો સમયસર ધ્યાન નહીં અપાય તો આ વ્યવસાયનો વીંટો વળી જશે.
तीन की कहावतें
ત્રણ મરાઠીની જેમ હિન્દીમાં પણ તીન તરીકે જ ઓળખાય છે. हिन्दी भाषा में 'तीन' अंक से जुड़ी कहावतों का प्रयोग जीवन की परिस्थितियों और अनुभवों को संक्षेप में समझाने के लिए किया जाता है। तीन लोक से मथुरा न्यारी: (सबसे निराला या अलग होना). કોઈ બાબત અલાયદી હોય - ન્યારી હોય ત્યારે આ કહેવત વપરાય છે. કૃષ્ણનો જન્મ મથુરામાં થયો હોવાથી એ વિશિષ્ટ બન્યું અને આ કહેવત બની હોવી જોઈએ. બીજી કહેવત છે तीर की मार, तीन दिन (कोई भी सुख या दुख बहुत समय तक नहीं रहता, सिर्फ तीन दिन का प्रभाव). તીર વાગવાથી પીડા થાય પણ એ પીડા ત્રણ જ દિવસ રહે, યાને કે લાંબો સમય તકલીફ સહન નથી કરવી પડતી એ ભાવાર્થ અહીં છે. भारतीय चिंतन धारा में तीन का विशेष महत्व है.त्रिदेव, त्रिलोक आदी समूह सभी जानते हैं. दैहिक, दैविक, भौतिक ऐसे तीन प्रकार के कष्ट माने हैं. ત્રણનો અંક આમ વિશિષ્ટ ભાવ ધરાવે છે તો સાથે સાથે ક્યારેય પૂરી ન થાય એવી ઈચ્છા પણ આ જ અંક દર્શાવે છે. એ ભાવ तीन खाना और तेरह की भूख बनी रहना द्वारा व्यक्त होता है. यह लोकोक्ति बताती है कि कुछ लोग भरपूर संसाधन होने पर भी असंतुष्ट रहते हैं, या अपनी क्षमता से बहुत अधिक की लालसा रखते हैं। એકેય વાતે સંતોષ નહીં એ અહીં વ્યક્ત થાય છે. જોકે, ત્રણ સાથે તેર જોડાઈ જતા એક અલગ જ રૂઢિપ્રયોગ તૈયાર થાય છે. तीन तेरह करना या होना का अर्थ इधर उधर करना या होना अथवा नष्ट होना। આઘું પાછું થવું કે નષ્ટ થવું એ ભાવ અહીં વ્યક્ત થાય છે.
THREE in Idioms
અંગ્રેજીમાં ત્રણ થ્રી કહેવાય છે અને અનેક બાબત શરૂ કરવાની હોય ત્યારે વન, ટુ, થ્રી બોલાતું હોય છે. થ્રી એ શરુ કરવાનો સંકેત આપતી સંખ્યા છે. થ્રી વિશે પણ રુઢિપ્રયોગો અને અનેક કહેવતો ચલણમાં છે. એમાંથી સૌથી જાણીતી કહેવત છે Two is a company, Three is a crowd. આ કહેવત 500 વર્ષ પહેલા અને ખાસ તો પ્રેમી પંખીડાને ધ્યાનમાં રાખી અસ્તિત્વમાં આવી હતી. Two's company, three's a crowd is an idiom meaning that two people (especially romantic partners or close friends) are comfortable alone together, but a third person makes the situation awkward, crowded, or unwelcome. It is used to suggest that a third person should leave to allow privacy. બે જણ, વિશેષ કરીને પ્રેમી - પ્રેમિકા એકબીજાના સાંનિધ્યમાં હોય એ બહેતર છે. ત્રીજી વ્યક્તિની હાજરી ત્યાં અનિચ્છનીય હોય છે. એનાથી એમના પ્રેમમાં ભંગ પડે છે. ત્રીજી વ્યક્તિને હાજરીથી ભીડ થાય એવું દર્શાવાયું છે. અલબત્ત અન્ય એક ઓછો પ્રચલિત અર્થ એ પણ છે કે બે કરતા એક સાથીનો સથવારો વધુ સારો. આયુષ્યના સંદર્ભમાં પણ એક કહેવત છે Three Scores and Ten. If a person is 70 years old he is referred as three scores which means 20 + 20 + 20 = 60 and plus 10 which is equal to 70. સ્કોર એટલે 20 અને થ્રી સ્કોર એટલે 60 અને એમાં 10 ઉમેરતા 70 થાય. ત્રણ બંદરની વાત બહુ જાણીતી છે જેની હાજરી અંગ્રેજીમાં પણ છે. Three wise monkeys, see no evil, hear no evil and speak no evil. બૂરું જોવું નહીં, બૂરું સાંભળવું નહીં અને બૂરું બોલવું નહીં. જોવું, સાંભળવું અને બોલવું એ ત્રણ મનુષ્ય જીવનમાં મહત્ત્વ ધરાવતી પ્રક્રિયા છે જેમાં સાવચેતી રાખવા બોધ આપવામાં આવ્યો છે. પરિસ્થિતિવશ કોઈ વાર ઝાઝું બોલી ન શકાયું હોય કે ટૂંકમાં પતાવી દેવું પડ્યું હોય એને માટે Didn't exchange more than three words કહેવત ઉપયોગમાં લેવાતી હોય છે. I got there late, so I didn't exchange more than three words with the headmaster. મોડા પહોંચવાને કારણે હું હેડમાસ્તર સાથે ઝાઝી વાત ન કરી શક્યો. પરિસ્થિતિ સંદર્ભમાં રજૂ થતી અન્ય કહેવત છે Three-ring circus. એનો જન્મ ભલે સરકસની પ્રવૃત્તિમાંથી થયો હોય, આધુનિક જમાનામાં એનો ઉપયોગ સર્કસ જેવી મતલબ કે ધમાલ મચી હોય એવા વાતાવરણ માટે વપરાય છે. A chaotic situation, often one in which a lot of activity is occurring simultaneously. એકસાથે ઘણી બધી પ્રવૃત્તિ થાય એ દર્શાવવા એનો ઉપયોગ થાય છે. Without the boss around, the business quickly devolved into a three-ring circus. ઓફિસમાં બૉસની હાજરી નહીં હોવાથી ધમાલ મચી ગઈ.