તમિળ સંત તિરુમંગાઈ અલ્વર આ ઐતિહાસિક મૂર્તિ પરત કરી છે ઓક્સફર્ડ મ્યુઝિયમે!
કેનવાસ - અભિમન્યુ મોદી
ચારેબાજુ યુદ્ધના સમાચાર છે. ટી-ટ્વેન્ટી વર્લ્ડકપ જીતી ગયા એ પણ વાત હવે જૂની થઇ ગઈ. ધુરંધર-ટૂ પ્રોપેગેન્ડા છે કે રાષ્ટ્રવાદી ફિલ્મ છે આવા નોનસેન્સ મુદ્દા પર લોકો ઝઘડી રહ્યા છે.
આ બધા કોલાહલ વચ્ચે એક સારા અને નોંધનીય સમાચાર એ દબાઈ ગયા કે ભારતની જ અસ્મિતા સમાન એક વસ્તુ જે સદીઓથી વિદેશમાં હતી તે ભારત પરત આવી ગઈ. સદીઓથી ભારતના સાંસ્કૃતિક વારસાની અસંખ્ય એવી અમૂલ્ય એન્ટિક વસ્તુઓને અનેક વિદેશી તાકાત હડપ કરી જાય છે. અમુક દેશની સરકારો કાયદેસરની લૂંટ ચલાવે અને એના પછી ક્યારેક આવી એન્ટિક વસ્તુની હરાજી પણ થઈ જાય. હવે ધીમે ધીમે આમાંની કેટલીક ખોવાયેલી ગુમાવેલી વસ્તુઓ પરત આવી રહી છે.
`ઓક્સફોર્ડ યુનિવર્સિટી'ના એશ્મોલિયન મ્યુઝિયમે સંત તિરુમનકગાઈ અલ્વરની 500 વર્ષ જૂની કાંસ્ય પ્રતિમા ભારતમાં પાછી આપી છે, જેને તમિળ ધાર્મિક ઇતિહાસનો એક આવશ્યક ભાગ ગણી શકાય.
આ સંત તિમંગાઈ અલ્વરની કહાની તો રસપ્રદ છે જ પણ તે સંતની પ્રતિમાને કારણે તેમનું નામ જાણીતું થયું. દક્ષિણ ભારતમાં વૈષ્ણવ પરંપરાના સૌથી આદરણીય કવિ-સંતોમાંના એક સંત તિમંગાઈ અલ્વરની આ પ્રતિમા સોળમી સદીની છે. તિમંગાઈ અલ્વરને 6ઠ્ઠી અને 9મી સદી વચ્ચે રહેતા બાર અલ્વર સંતોમાં છેલ્લા અને કદાચ સૌથી વધુ માનનીય લેખક માનવામાં આવે છે. આ સંતોએ ભગવાન વિષ્ણુને સમર્પિત ભક્તિ કવિતાઓ અને ભક્તિગીતો લખ્યા હતા. આ બધી રચનાઓ પાછળથી દિવ્ય પ્રબંધમમાં સંકલિત કરવામાં આવી હતી. આ ગ્રંથ એક પવિત્ર તમિલ સંગ્રહ છે, જેમાં આશરે 4,000 સ્તોત્ર છે, પરંપરા મુજબ તિમંગાઈ અલ્વર એક સમયે કાલિયાણ નામના લશ્કરી કમાન્ડર હતા, જેમના જીવનમાં ગહન આધ્યાત્મિક પરિવર્તન આવ્યું હતું. પછી તે વિષ્ણુના પરમ ભક્ત બન્યા. તેમને ભારતના સૌથી મહત્ત્વપૂર્ણ વૈષ્ણવ મંદિરોમાંના એક એવા પ્રખ્યાત શ્રીરંગમ મંદિરના વિસ્તરણ અને વિકાસમાં યોગદાન આપવાનો શ્રેય પણ આપવામાં આવે છે.
આશરે 60 સેન્ટિમીટર ઊંચી આ કાંસ્ય પ્રતિમા મૂળ તમિળનાડુના એક મંદિરમાં હતી. જો કે, 19મી સદીમાં બ્રિટિશ સમયમાં મંદિરમાંથી ગાયબ થઈ ગઈ હતી. ઘણા દાયકાઓ પછી, આ પ્રતિમા આંતરરાષ્ટ્રીય આર્ટ અને એન્ટિક માર્કેટમાં દેખાઈ. 1967માં, એશ્મોલિયન મ્યુઝિયમે વિખ્યાત ઓકશન હાઉસ `સોથેબી' દ્વારા આયોજિત હરાજીમાં ડૉ. જે.આર. બેલ્મોન્ટ નામના ખાનગી કલેક્ટર પાસેથી પ્રતિમા ખરીદી હતી. તે સમયે સંગ્રહાલયે તેને કોઈ કારણ વિના મેળવી હતી. ત્યારે મ્યુઝિયમને આ મૂર્તિના ઈતિહાસ વિશે ખબર સુધ્ધાં ન હતી. એવો ઓક્સફોર્ડ મ્યુઝીયમનો દાવો છે.
આ પ્રતિમા પરત કરવાનો મુદ્દો છેલ્લાં થોડાં વર્ષમાં સામે આવ્યો. 2019માં એક ફ્રેન્ચ વિદ્વાને જોયું કે ઓક્સફોર્ડમાં પ્રદર્શિત કાંસાની પ્રતિમા 1957માં તમિળનાડુના સૌન્દરરાજા પેરુમલ મંદિરની અંદર એક સમયે રાખવામાં આવતી પ્રતિમા સાથે અત્યંત સામ્ય ધરાવે છે. મંદિરનો એ સમયનો ફોટોગ્રાફ હતો અને તે ફોટોગ્રાફ `ઇન્સ્ટિટ્યૂટ ફ્રાન્સાઇઝ ડી પોંડિચેરી' અને `ઇકોલે ફ્રાન્સાઇઝ ડી એક્સ્ટે્રમ-ઓરિએન્ટ'ના આર્કાઇવલ સંગ્રહમાં મળી આવ્યો હતો. આમ આ શોધથી પ્રતિમાના મૂળ વિશે વધુ તપાસ શરૂ થઈ. આ બધી જાણકારી મળ્યા પછી એશ્મોલિયન મ્યુઝિયમે લંડનમાં ભારતીય હાઈ કમિશનનો સંપર્ક કર્યો, વધુ માહિતી માટે વિનંતી કરી અને તેના મૂળ સ્થાનની પુષ્ટિ થયા પછી તેના પરત કરવા માટેની ચર્ચા કરવાની ઇચ્છા વ્યક્ત કરી. દરમિયાન, તમિળનાડુના મંદિર અધિકારીઓને ખબર પડી કે મૂળ પ્રતિમાને તો ઘણા સમય પહેલા બીજી આધુનિક પ્રતિકૃતિથી બદલવામાં આવી હતી. અત્યારે જે મંદિરમાં છે તે નકલી છે. ફેબ્રુઆરી 2020માં શંકાસ્પદ ચોરીની પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી પછી ભારત સરકારે ઔપચારિક રીતે પ્રતિમા પરત કરવાની વિનંતી કરી.
પ્રતિમાની ઓથેન્ટીસીટી તપાસવા માટે ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણની વિનંતી પર કાંસાની ધાતુનું વિશ્લેષણ કરવામાં આવ્યું. વિસ્તૃત રિપોર્ટ પરથી એ પ્રતિમા ભારતના મંદિરની જ છે એ વાતની પુષ્ટિ થઇ. વર્ષોના સંશોધન, દસ્તાવેજીકરણ અને રાજદ્વારી સંકલન પછી આખરે એશમોલિયન મ્યુઝિયમે આ મહિનામાં સત્તાવાર રીતે ભારતીય અધિકારીઓને આ પ્રતિમા પરત કરી. જોકે આ આખી પ્રક્રિયામાં આઠ વર્ષ લાગ્યા.
આમ તો આ સાંસ્કૃતિક કલાકૃતિઓને તેમના મૂળ દેશોમાં પરત કરવાનો ક્રમ ઘણા સમયથી ચાલે છે. ઉદાહરણ તરીકે, 2022માં, ગ્લાસગોમાં કેલ્વિનગ્રોવ આર્ટ ગેલેરી અને મ્યુઝિયમે સાત ઐતિહાસિક કલાકૃતિઓ ભારતને પરત કરી, જેમાં 14મી સદીની કોતરણી અને 11મી સદીના પથ્થરના દરવાજાના ફ્રેમનો સમાવેશ થાય છે, જે બ્રિટિશ સમયમાં મંદિરોમાંથી લઈ જવામાં આવ્યા હતા. આવી પરત કરાવામાં આવેલી વસ્તુઓમાં એક પરંપરાગત તલવાર હતી, જે એક સમયે હૈદરાબાદના નિઝામની હતી.
ભારતમાં આવી ઐતિહાસિક ચીજવસ્તુઓનું પાછું આવવું એ માત્ર ઐતિહાસિક કલાકૃતિની પુન:પ્રાપ્તિ નથી પણ તેનાથી વિશેષ છે. આ મૂર્તિઓ ફક્ત કળાના રૂપક નથી - તે પેઢીઓથી પૂજાતા જીવંત દેવતાઓના સ્વરૂપ છે. જ્યારે આવી વસ્તુઓની ચોરી થાય છે ત્યારે જે તે સમાજની સંસ્કૃતિનો એક ભાગ દૂર થતો હોય એવું બને છે અને તે અપરાધ છે. મહાન ભારતભૂમિનો ઈતિહાસ આવી કલાકૃતિઓમાં સમાયો હોય છે. ચોરી કરેલો માલ કોઈ દેશને બરકત ન આપી શકે. હવે ભારતને કોહિનૂર ક્યારે પાછો મળશે તેની રાહ જોઈએ...