Sun Sep 06 2026

Logo

શ્યામ સમીપેઃ રાધિકા જેવી કોઈ સ્ત્રી નથી ને કૃષ્ણ જેવો કોઈ પુરુષ નથી

2026-03-16 10:06:00
Author: Jyotsna Tanna
શ્યામ સમીપેઃ રાધિકા જેવી કોઈ સ્ત્રી નથી ને કૃષ્ણ જેવો કોઈ પુરુષ નથી

જ્યોત્સના તન્ના

(ગતાંકથી ચાલુ)

શ્રીકૃષ્ણ તો સાક્ષાત્ મન્મથમન્મથ, કામદેવથી પણ સુંદર. સુરદાસ ગોપીઓના માધ્યમથી કહે છે, ‘દેખો ભાઈ સુંદરતા કો સાગર, દેખિ સુરૂપ સકલ ગોપીજન.’ તો વળી રાધા પણ એટલી જ સુંદર છે. ‘વિરાજતિ રાધા રૂપનિધાન’. અને પછી યુગલની સુંદરતાની વાત કહે છે, ઝૂલત શ્યામ-શ્યામા સંગ. ‘નિરખિ દંપતી અંગ-સોભા, લજત કોટિ અનંગ.’

રાધા લોકોની પણ ખરી, આપણાં લોકગીતમાં ‘રાધકા રંગભીની’નું
સરસ તળપદું વર્ણન છે, ઉપમાઓ પણ ગ્રામીણ છે. ‘રાધાનો
અંબોડો જાણે છૂટ્યો તેજી ઘોડો
આંખોનો ઉલાળો જાણે દરિયાનો હિલોળો
નાકની દાંડી, જાણે દીવડીએ શગ માંડી
હાથની હથેળી, જાણે બાવલપુરની થાળી
હાથની આંગળીઓ, જાણે ચોખામગની ફળીઓ,
પેટ જાણે પૂનમનો ચંદ્ર; વાંસાનો વડાકો જાણે સરપનો સડાકો.’
આ લોકમાનસમાં રૂઢ થયેલું રાધાનું સૌંદર્યવર્ણન છે.

આવી રાધાએ શ્રીકૃષ્ણનું મન જીતી લીધું હતું. એક ધોળની થોડી પંક્તિઓ છે. ‘ચૌદ લોકનો નાથ સ્વામી હાથ જોડી ઊભા રહ્યા પૂરણ બ્રહ્મને અખંડ અદ્વૈત તે વનિતાને વશ થયા.’ પ્રસિદ્ધ મુસ્લિમ ભક્ત રહીમને પણ વિચાર થયો હતો કે કૃષ્ણ (એટલે વિષ્ણુ) પાસે તો રત્નાકર સાગરરૂપી ઘર છે. પત્ની તરીકે સ્વયં લક્ષ્મી છે. પોતે જગદીશ્વર છે. તો તેને બીજું શું અપાય? પછી રહીમને વિચાર આવ્યો કે તેનું મન તો રાધાએ લઈ લીધું હતું, એટલે પોતાનું મન આપી દે છે - રાધાગૃહીતમનસે મનસે ચ તુભ્યં, દત્તં મયા નિજમન: તદિહં ગૃહાણ’. 

પછી રહીમ સ્તુતિ કરે છે, ‘સુમિરૌં મન દ્રઢ કર કૈ, નંદકુમાર જે વૃષભાનુ-કુંવરિ કે પ્રાન-આધાર.’ ‘સમ્મોહન તંત્ર’ પ્રમાણે રાધા (ગૌરતેજ) વગર (શ્યામતેજ) કૃષ્ણની આરાધના કરે તે પાપી છે. લોકોએ રાધાને રમત રમતાં દાવ આપી દીધો ત્યારે તે કૃષ્ણને શોધવા નીકળી, ‘શ્યામ ક્યાં રે તમે સંતાયા રે, રમતાં રંગતાળી. રાધા અંતરમાં જઈને છુપાયા રે, રમતાં રંગતાળી.’ અંતે તો પ્રિયતમ પ્રભુ હૃદયના અંત:સ્થળમાં જ હોય છે જેમ ભક્ત નરસિંહે કહ્યું, ‘રસિયા! રુદે-કમળમાં વસિયો, હવે કેમ થાશે અળગો રે.’

પદ્મપુરાણમાં કહેવામાં આવ્યું છે કે રાધિકા જેવી કોઈ સ્ત્રી નથી અને કૃષ્ણ જેવો કોઈ પુરુષ નથી - ન રાધિકાસમા નારી, ન કૃષ્ણસદ્દશ: પુમાન્. રાધા કૃષ્ણની પત્ની છે કે નથી એટલે સ્વકીયા છે કે પરકીયા. એ વિશે મતમતાંતર છે. આ માટે રાધા પર પ્રાચીનકાળથી જે જે પુસ્તકો લખાયાં અને લખાતાં રહ્યાં તેમાં દરેક કર્તાએ પોતપોતાની રીતે કલ્પના કરી છે. 

બ્રહ્મવૈવર્તપુરાણમાં સ્વયં બ્રહ્માએ રાધા અને કૃષ્ણનાં લગ્ન કરાવી આપ્યાં હતાં. પદ્મપુરાણમાં રાધા વિષ્ણુપ્રિયા છે. સ્કંદપુરાણમાં રાધિકારૂપી આત્મા સાથે શ્રીકૃષ્ણ રમણ કરે છે. નિંબાર્કાચાર્ય તેને પરિણીતા કૃષ્ણસ્વામિની માને છે. ચૈતન્યમતમાં સામાન્ય રીતે રાધા પરકીયા છે. પુષ્ટિમાર્ગમાં સ્વામિનીજી છે. ‘પંચતંત્ર’માં ઉલ્લેખ મળે છે કે ગોવાળોને ત્યાં વિષ્ણુ અવતર્યા હતા ત્યારે રાધા નામની તેમની ગોપપત્ની હતી. જયદેવે રાધાનું પરકીયા સ્વરૂપે વર્ણન કર્યું છે, તો ભક્તકવિ સુરદાસ રાધાને કૃષ્ણપત્ની માને છે. 

જીવ ગોસ્વામીએ ‘ગોપાલચંપૂ’ માં રાધા અને કૃષ્ણનાં લગ્ન કરાવ્યાં છે. તો તે જ કક્ષાના ચૈતન્યના પરમ શિષ્ય રૂપ ગોસ્વામીએ તેમના પુસ્તક ‘વિદગ્ધમાધવ’માં રાધાની સાસુ જટિલા અને પતિ અભિમન્યુની વાત કરી છે. રાધાના પતિનું રાયણ નામ પણ મળે છે. મહારાષ્ટ્રના નામદેવના ઉલ્લેખ પ્રમાણે અયન નામ પણ મળે છે.

ભક્તકવિ ચંડીદાસ રાધાને પરકીયા રૂપે જાણે છે. એક વાર શ્રીકૃષ્ણ રાધાને મળવા આવ્યા. અંદર જઈ શકતા નથી. આંગણમાં છુપાઈને ઊભા છે, વરસાદ પડે છે એટલે ભીંજાયા છે. રાધા દુ:ખી છે. ‘સઈ, કિ આર બોલિબો તોરે સખી, તને વધુ શું કહું?’ અનેક પુણ્યોના પ્રભાવથી મને આવો પ્રિય બંધુ મળ્યો છે. ઘરમાં વડીલો છે, હું સ્વતંત્ર નથી. બહાર નીકળવામાં વિલંબ થઈ ગયો. શ્રીકૃષ્ણની પ્રીતિ અને પીડા જોઈને મનમાં થાય છે કે કલંકનો ભાર પણ માથા પર લઈ ઘરને આગ લગાડી દઉં. 

મારો બંધુ (સખા) પોતાના દુ:ખને તો સુખ માને, પણ મારા દુ:ખથીય દુ:ખી થાય છે, બંધુ આપનાર દુ:ખ સુખ કરિ માને, આમાર દુ:ખેર દુ:ખી’. તે વિચાર કરતી રહે છે, ‘સઈ કેવા શુનાઈલો શ્યામ નામ? કાનેર ભિતર દિયા મરમે પશિલો ગો. આકુલ કરિલો મોર પ્રાન હે સખી, કોણે ક્યારે શ્યામનું નામ સંભળાવ્યું? મારા કાનની અંદરથી હૃદયના અંત:સ્થળમાં પ્રવેશ કરીને મારા પ્રાણને આકુળ કરી દીધા.’ રાધાનું સમર્પણ સંપૂર્ણ છે -કૃષ્ણના ચરણે મારું હૃદય પ્રેમની રસ્સીમાં બંધાઈ ગયું છે. બધું જ સમર્પિત કરી એક મનથી દાસી બની ગઈ છું. કૃષ્ણ સાથેના સંબંધથી તેને કલંક લાગે તો તે સ્વીકારી લેશે, પણ તેની એક જ ઈચ્છા છે.

‘જીવને મરણે જનમે જનમે, પ્રાણનાથ હોઓ તુમિ.’
કૃષ્ણના વિરહમાં રાધા દુ:ખી છે. મૈથિલ કવિ વિદ્યાપતિએ સરસ વર્ણન કર્યું છે - આંખોમાંથી એટલાં બધાં  આંસુ વહી ગયાં કે પગ ભીંજાઈ ગયા, જાણે કે સ્થળકમળ હવે જલકમળ બની ગયાં. હોઠ પરની લાલિમાપણ હવે નથી. જાણે નવા ઊગેલા પાનને શિશિરના હિમકણોએ ધોઈ નાખ્યાં. શશીમુખી રાધાનાં અંગો કૃષ્ણ પ્રત્યેના અનુરાગથી શિથિલ થઈ ગયાં.’ સંકેતસ્થાન પર કૃષ્ણ ન આવ્યા, વડીલો અને પરિવારજનો સામે તે લજ્જાયુક્ત થઈ. તેણે કૃષ્ણને સંદેશો કહેવડાવ્યો. 

‘કૃષ્ણપક્ષની કાળી અંધારી રાતમાં ચંદ્ર હોય તેવી મારી હાલત થઈ છે. હું શું સાંજના સમયે ઊભેલ એક જ તારક છું, કે ભાદરવાની ચોથનો ચંદ્ર છું કે જેને કોઈ જોવા પણ ચાહે. પ્રિયતમે મુખ ફેરવી લીધું. હવે તો જીવન ધારી રહેવાની પણ ખાતરી નથી.’ રાધાને તો શ્યામના વિરહમાં મરણ પણ વહાલું છે. ‘મરણ રે, તુહું મમ શ્યામ સમાન.’
 
તાપ દૂર કરનાર તેનો કરુણાભર્યો ખોબો મૃત્યુરૂપી અમૃતનું દાન કરે છે. એટલે મૃત્યુને આહ્વાન કરે છે, ‘તું હું મમ માધવ, તું હું મમ દોસર. તું હું મમ તાપ ઘુચાઓ.’ ત્યારે ભાનુએ એટલે રવિ ઠાકુરે) તેને સમજાવ્યું કે જીવનવલ્લભ તો મરણથી વધારે જ હોય, માટે હવે વિચાર. 
(ક્રમશ:)