જ્યોત્સના તન્ના
(ગતાંકથી ચાલુ)
પાછળનાં પુરાણોમાં તો રાસ સાથે રાધા એકદમ નિકટતાથી ગૂંથાઈ ગઈ છે, રાસમંડળની અધિષ્ઠાત્રી છે. મંડલ વર્તુળાકાર છે. જ્યાંથી આરંભ ત્યાં જ અંત, એટલે એ અનંતતાનું પ્રતીક છે. મણિપુરી નર્તનમાં આ પરંપરા ખાસ સચવાઈ છે. આ નર્તનમાં વૈષ્ણવકથાઓ પ્રાણરૂપે છે.
અહીં રાસમંડળીમાં કૃષ્ણ-રાધા સાથે ગોપીઓ વર્તુળાકારે નૃત્યમાં હોય છે. અહીંના નૃત્યમાં ‘જગોઈ’ - એટલે ઘૂમવું - ફરવું અથવા ચક્રાકાર ગતિનું મહત્ત્વ હોય છે. રાધા-કૃષ્ણના પ્રેમ અને શૃંગારની અનેક કથાઓ અહીં રાસ-રાસક-હલ્લીસકમાં નૃત્યોમાં ગૂંથાયેલી છે.
મણિપુરમાં સંકીર્તન સાથે રાસલીલા મહાયજ્ઞના રૂપે છે, પૂજા-અર્ચનનો મહત્ત્વનો પ્રકાર. અહીં ચૈત્રી પૂનમે વસંતરાસ, આસો પૂનમે કુંજરાસ, કાર્તિક પૂનમે મહારાસ અને નિત્યરાસ ગમે ત્યારે આયોજિત થાય છે. સાથે તાળીનૃત્ય અને દંડકરાસ પણ હોય. અને રાધા અને કૃષ્ણની આરાધના વૈષ્ણવ પદો સાથે થતી હોય છે. સુરદાસે ગાયું, ‘રાસ-મંડલ - મધ્ય સ્યામ રાધા.
માનૌ ધન બીચ દામિનિ કૌંધતિ, સુભગ એકહ રૂપ હૈ નહીં બાધા...
સજે શ્રૃંગાર નવસાત જગમગિ રહે અંગ ભૂષન રૈન બનિ તૈસી,
સૂર પ્રભુ નવલ ગિરધર, નવલ રાધિકા, નવલ બ્રજ નારિ મંડલી.’
વૈષ્ણવ કવિઓ આ રાસનું ખૂબ ભાવવાહી વર્ણન કરતાં જ રહ્યા છે.
નરસિંહ મહેતાએ રચેલ રાસ તો ગુજરાતના સંસારમાં વણાઈ ગયો છે. ‘આશાભર્યાં’ તે અમે આવિયાં, મારે વ્હાલે રમાડ્યા રાસ રે!’ નરસિંહ ગાઈ ઊઠે છે,
‘વૃંદાવન રળિયામણું રે, શરદપૂનમની રાત...
રાધા-માધવ રાસ રમે રે, તિહાં ઝાઝો રંગ-ઝકોળ.’
અવિનાશ વ્યાસે રચ્યું, ‘પીળું પીતાંબર મોર મુગટ ને અધર મુરલી ધારી, રાસ રમે વૃંદાવનવાળો ગોકુળનો ગિરધારી, બજે દાંડિયા ઢોલપખાવજ તાળી ઉપર તાળી, રમે રાધિકા રસભર રાસે ચૂંદડી ચટકાવી.’ તેમને લાગે છે, ‘કા’નો જાણે મોરલો ને રાધા ઢમકતી ઢેલ.’ ભક્તકવિ દયારામે પણ રાસ માટે કહ્યું, ‘હાં રે વૃંદાવનમાં થનકકાર થૈ થૈ! રાધાકૃષ્ણ રમે રાસ. ગોપી લહી લહી લહી રે! બીજું નહીં નહીં રે!’ આપણા લોકગીતમાં ગરબે રમવા સરખે સરખી સાહેલીઓ ભેગી થાય ત્યારે એકબીજાને બોલાવતી જાય અને કહેવાય, ‘રાધાજીના ઊંચા મંદિર નીચા મોલ, ઝરૂખડે દીવા બળે રે લોલ. રાધા ગોરી ગરબે રમવા આવો, સાહેલી સહુ ટોળે મળી રે લોલ.’
લોકોએ પણ રાધાકૃષ્ણની વાતોને કથાઓને મન મૂકીને માણી છે. પોતાના રોજિંદા ગ્રામ્ય જીવનની ઘટમાળને રાધા અને કૃષ્ણના જીવન સાથે જોડી દીધી છે અને એ રીતે રાધાકૃષ્ણ દ્વારા પોતાના મનોભાવો અને દૈનિક ક્રિયાઓની અભિવ્યક્તિ થતી રહે છે. લોકો તો ‘કેસરિયા લાલ’ પર વારી ગયા. વલોણાં માટે પણ તેમને બોલાવી દીધા.
‘એક પા’ ઘૂમે કાળો જ કા’ ન રે, બીજી પા રાધા ગોરાં. હો કા’ન તમે આવો વલોણાં તાણવાં. ‘અને સાથે શિખામણ આપી દીધી,’ ‘હળવા હળવા વા’લા ઘૂમેરાં ઘૂમજો રે, મહી છલકાય મારાં.’ સરોવર પાણી જાય, તોયે ‘રાધાજીને જોડલે રે લોલ.’ ફૂલની વાડીમાં રાધા ફૂલ વીણતી હોય અને ‘મારી ફૂલની વાડીમાં રમે વિઠલો રે.’ રાધા અને કૃષ્ણ સોગઠે રમવા બેઠાં. રૂપાના બાજઠ, બાજી મોતીએ જડેલી અને પરવાળાના પાસા, સોગઠાં સોનેથી મઢેલા. છેવટે પરિણામે, ‘હાર્યા તે કા’ન જીતી રાધિકા રે, સાડી લીધી પટોળાંની પ્રેમથી રે.’ વળી લોકમાનસને એક વિચાર જરૂર થયો અને તેમણે પ્રગટ કર્યો, ‘રાધા તે સરખી નાર મેલીને, કુબજાને શીદ મો’યા રે લોલ. ચાલોને ગોપિયું, ચાલોને સૈયરું, કા’નને મનાવા જઈએ રે લોલ.’
સાસુવહુની ચણભણ તો આપણા સમાજનું એક પાસું છે. તો પછી અહીં કેમ રહી જાય? રાધાએ સોનાની ટીલડી ઘડાવી પહેરીને સાસુ પાસે ગઈ. તો સાસુએ મોઢું મચકોડ્યું. બીજી એક જગ્યાએ રાધાએ કામથી પરવારી સાસુ પાસે શિરામણ માગ્યું, ત્યારે સાસુએ તેને મારી. રાધાએ તો રૂસણાં લીધાં. કૃષ્ણ ઘેર આવ્યા ત્યારે રાધાએ વાત કરી. પછી ન થવાનું થયું. ‘મસરક દઈને મેડીએથી કા’ન ઊતર્યા, માને જઈ સંભળાવ્યું જો, આ લ્યો માતાજી, કોઠી કોદરા, ખૂણે ભરડી ખાજો જો.
રાધા રંગીલાને કંઈ નહીં કહેવાય, રાધા તો ઠકરાણી જી!’ રાધા પણ ગ્રામ્ય સ્ત્રી જેમ વર્તે છે તે કૃષ્ણ પાસે ઘર માગે છે- સરસ એવું ઘર-બારીઓ અને થાંભલીઓવાળું, ઓસરી, ઊમરા ઊંચા હોય જેથી ઘરમાં પાણી ન આવે. ફળિયું અને ચોકમાં તુલસીક્યારો, ગાય-વાછડું બાંધ્યાં હોય અને પાસે નદી હોય. આ બધાં લોકગીતોમાં ગામની સ્ત્રી રાધાને માધ્યમ બનાવી પોતાની જ ઈચ્છા, આશા અને આકાંક્ષા વ્યક્ત કરે છે.
કૃષ્ણ તો ગેડીદડાથી રમતા. દડો તો ગમે ત્યાં જઈને પડે. રાધા અને સખીઓ ગરબે રમતાં હતાં ત્યાં એક વાર વચ્ચે પડ્યો. રાધાએ કૃષ્ણને ઠપકો આપ્યો. કૃષ્ણ રિસાઈને વનમાં ચાલ્યા ગયા. રાધાનો જીવ ન રહ્યો એટલે પછી તે કૃષ્ણને મનાવવા વનમાં ગઈ. તો કોઈ વાર રાધા પણ રિસાઈને માન કરી ચાલી જાય. ત્યારે કૃષ્ણ રિસાયેલી રાધાને મનાવવા ઝૂમણું, કુંડળ, ઝાંઝર, કડલાં, બંગડી વગેરે આભૂષણ, ચૂંદડી તો હીંચકા સાથે મહેલ પણ આપે. આ રીતે રાધા અને કૃષ્ણ સાથે લોકોએ પોતાની રીતે ઐક્ય સાધી લીધું અને પોતાના જ માનીને પોતાનાં ગીતોમાં મઢી લીધાં. (ક્રમશ:)