Sat Apr 18 2026

Logo

પાણી ચોરે ઘડિયાળ ને માર ખાય ઝાલર

2026-03-08 11:58:00
Author: Mumbai Samachar Team
Article Image

ઝબાન સંભાલ કે - હેન્રી શાસ્ત્રી

ઉનાળો બેસી ગયો છે. હોળી - ધુળેટી જાય એટલે ગરમી પડવાની શરૂઆત થાય. ગરમી નામ પડતા પહેલા પાણી યાદ આવી જાય. 

નીર, ઉદક, સલિલ પાણીના પર્યાયવાચી શબ્દો છે. પાણીના રૂપ કેટકેટલા છે. આકાશમાંથી વરસે તો વરસાદ. આકાશ તરફ ઊડે તો બાષ્પ. જમીને પડે તો કરા ને પડીને જામી જાય તો બરફ. ફૂલ પર હોય તો ઝાકળ, પણ ફૂલમાંથી નીકળે તો અત્તર. 

એકઠું થાય તો ખાબોચિયું અથવા તળાવ - સરોવર, પણ વહેવા લાગે તો નદી. હદમાં રહે તો જીવન, પણ હદ તોડે તો પ્રલય. આંખમાંથી નીકળે તો આંસુ, પણ શરીરમાંથી નીકળે તો પરસેવો. પાણી ચડવું એટલે જુસ્સો આવવો અથવા ઉશ્કેરાઈ જવું, પણ પાણી ચડાવવું એટલે પાનો ચડાવવો, ઉશ્કેરવું કે ઉત્તેજન આપવું. હથિયારને પાણી ચડાવવું એટલે એને ધારદાર બનાવવું. પાણીમાં રહેવું ને મગર સાથે વેર (જેની સત્તા હેઠળ રહેવાનું હોય એની સાથે દુશ્મનાવટ ન રખાય) અને પાણી પહેલા પાળ બાંધવી (મુશ્કેલી આવે એ પહેલા જ ઉપાય કરી લેવો) બહુ જ જાણીતી કહેવતો છે. વાંક કોઈનો હોય અને સજા કે શિક્ષા અન્યને થાય એ ભાવાર્થની કહેવત છે પાણી ચોરે ઘડિયાળ ને માર ખાય ઝાલર. અહીં ઝાલરનો અર્થ છે હથોડી જેવું લાકડાનું ઘંટ વગાડવાનું ઓજાર. ગધેડા માટે ખર શબ્દ પણ છે. પાણી પીને પૂછે ઘર તે પહેલો ખર એટલે કે ગધેડા જેવો એવી કહેવત છે. ટૂંકમાં કામ શરૂ કરતા પહેલા જે તકેદારી રાખવી જોઈએ એ બાબતે બેદરકારી. પાણી પ્રમાણે પોયણી કહેવત સમજવા જેવી છે. પોયણી એટલે કમળની વેલ. પોયણીનું ફૂલ પાણીના સ્તર સાથે ઉપર-નીચે થાય એ જ રીતે માણસે જીવનમાં બદલાતા સંજોગો સાથે જાતને બદલતી રહેવી પડે.

પાણીનો સંદર્ભ ધરાવતી નાનકડી કથા થોડામાં ઘણું કહી જાય છે. એક ઘરમાં નોળિયો હતો, બાળક ઘોડિયામાં ઊંઘી રહ્યું હતું. બાળકની મા પાણી ભરવા ગઈ એ વખતે અચાનક ઘરમાં સાપ ઘૂસ્યો અને બાળકને કરડવા ઘોડિયા ઉપર ચઢ્યો. નોળિયાના ધ્યાનમાં આવતા તેણે સાપને મારી નાખી બાળકનું રક્ષણ કર્યું. જોકે, સાપ સાથે નાનકડા યુદ્ધમાં એનું મોં લોહિયાળ થઈ ગયું. પાણી ભરી મા પાછી આવી અને નોળિયાના મોઢા પર લોહી જોઈ એણે બાળકને મારી નાખ્યું એવું માની લીધું. ક્રોધાવેશમાં આવી માએ નોળિયાને મારી નાખ્યો. પછી ઘોડિયામાં જોયું તો બાળક હસતું હતું. ઘણો પસ્તાવો થયો, પણ એનો કોઈ અર્થ નહોતો.

લોકબોલીનાં રત્નો 

પાણીના સંદર્ભમાં વપરાતા કેટલાક લોકબોલીનાં રત્નો જાણીએ.  ગ્રામ્ય જીવનની રહેણી કરણી જાણતા હશો તો પવાલું, ડોયો, પાણિયારું, હાંડો, બોઘરણું શબ્દોથી થોડા ઘણા પરિચિત હશો અથવા આ શબ્દો સાંભળ્યા હશે. અર્થ ખબર નહીં હોય અથવા ભૂલી ગયા હશો. પવાલું: ગામમાં કોઈના ઘરે પરોણો (અતિથિ કે મહેમાન) આવે એટલે યજમાન તરત જ કૂખે કે ‘પાવલું પાણીનું આપજો’. પાવલું એટલે પાણી પીવાનું તાંબા કે પિત્તળનું નાનકડું વાસણ. ડોયો: આ શબ્દ ડોઈ તરીકે પણ ઓળખાય છે. ડોયો એટલે લાંબા દાંડાનું પાણી કે અન્ય પ્રવાહી કાઢવા માટેનું એક ખાસ સાધન. અગાઉના સમયમાં માટલાને નળ નહોતા. એટલે પીવાનું પાણી માટલામાંથી કાઢવા માટે ડોયાનો ઉપયોગ કરવામાં આવતો હતો.સિવાય દાળ શાક વગેરે હલાવવાનો અને પીરસવાનો લાકડાનો હાથાવાળો કડછો પણ ડોયા તરીકે ઓળખાતો હતો. પાણિયારું: પાણી અથવા પાણી ભરેલાં બેડાં, માટલાં વગેરે રાખવાની ઘરની ખાસ ઓરડી અથવા ચોકડી વગેરે સાથે ઈંટ અને ચૂનાથી બાંધેલી જગ્યા. સામાન્ય રીતે ઘરમાં પાણીનાં વાસણ રાખવાની જગ્યા પાણિયારું તરીકે ઓળખાય છે. એના પરથી એક વિશિષ્ટ રૂઢિપ્રયોગ છે પાણિયારાનો મુનશી. એનો અર્થ છે ઘરકૂકડો માણસ. ઘરમાં બેસીને જ ફડાકા મારનારો પણ બહાર જેનાથી કંઈ બોલાતું ન હોય એવો માણસ. બોઘરણું એટલે પહોળા મોઢાવાળું  ધાતુનું વાસણ જે વટલોઈ તરીકે પણ જાણીતું છે. ગોવાળો ગાય - ભેંસ દોહતી વખતે જે પાત્રનો ઉપયોગ કરતા હોય છે એ પણ બોઘરણું તરીકે ઓળખાય છે. એને સમાંતર બીજા બે શબ્દો છે વટલોઈ અને દેગડો. વટલોઈ એટલે મોટા પેટાળવાળો લોટો. મતલબ કે એ ઊંડું હોવાથી એમાં વધુ પ્રવાહી સમાઈ શકે. દેગડો એટલે નીચેથી પહોળું અને ઉપરથી સાંકડા મોઢાવાળું વાસણ.

तंत्रज्ञान संबंधित शब्द 
મરાઠીઓમાં ભાષાપ્રેમ અનન્ય હોય છે. મરાઠીઓ વ્યવહારમાં ચલણી બની ગયેલા અનેક અંગ્રેજી શબ્દોનું મરાઠી સંસ્કરણ વાપરવા માટે જાણીતા છે. ક્રિકેટ એનું પ્રચલિત ઉદાહરણ છે. फलंदाजाने या षटकात चेंडू चार वेळा सीमापार पाठवला असून धावसंख्येत चांगली भर पडली आहे. ગુજરાતીમાં આપણે કહીએ કે આ ઓવરમાં બેટ્સમેને બૉલને ચાર વાર બાઉન્ડરી બહાર મોકલી દેતા સ્કોરમાં સારો વધારો થયો છે. નોંધનીય છે કે બેટ્સમેન, બૉલ, ઓવર, બાઉન્ડરી, સ્કોર વગેરે સહજ વપરાશના અંગ્રેજી શબ્દો માટે મરાઠી શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ટેક્નોલૉજી સંબંધિત કેટલાક મરાઠી શબ્દો પણ ખાસ્સા ચલણમાં છે. ટેક્નોલોજી માટે મરાઠીમાં तंत्रज्ञान શબ્દ વપરાય છે. ઈન્ફર્મેશન ટેક્નોલોજીની આજના સમયમાં બોલબાલા છે અને અનેક લોકો એમાં કારકિર્દી બનાવવા ઉત્સુક હોય છે. મરાઠી અખબારો અને ચૅનલો એને માટે माहिती तंत्रज्ञान શબ્દો વાપરતા અચકાતા નથી. એ પ્રમાણે કમ્યુનિકેશન ટેક્નોલોજી संप्रेषण तंत्रज्ञान  નામે ઓળખાય છે. આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ માટે कृत्रिम बुद्धिमत्ता પ્રયોગ વપરાય છે. ફિફટી પ્લસ લોકો જ નહીં યુવા વર્ગ પણ કમ્પ્યુટર માટે संगणक શબ્દ વાપરતો જોવા મળે છે. કમ્પ્યુટરના વપરાશકારો માટે ઈન્ટરનેટ અત્યંત મહત્ત્વની બાબત  છે. એને માટે મરાઠીમાં आंतरजाळ (ઈન્ટર એટલે आंतर અને નેટ એટલે जाळ) શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. કમ્પ્યુટર અને ઈન્ટરનેટનો વપરાશ કરનારા જુદી જુદી વેબસાઇટનો ઉપયોગ કરતા જ હોય છે. વેબસાઈટ માટે વપરાતો મરાઠી શબ્દ છે संकेतस्थळ. ગણતરી કરવા માટે કમ્પ્યુટરમાં જ કેલકયુલેટર હોય છે. એને માટે गणना सारणी એવો સાંભળવામાં મીઠો લાગતો શબ્દ વપરાય છે.

गर्मी की कहावतें

ગરમી માટે હિન્દીમાં પણ ગરમી અથવા ગર્મી શબ્દ છે. गर्मी को तपिश भी कहते हैं जो फारसी शब्द है. 'गर्मी' या 'तपिश' से संबंधित हिंदी मुहावरे और कहावतें भीषण तपन, गुस्से या अत्यधिक परेशानी को दर्शाती हैं। प्रमुख मुहावरों में दिमाग़ की गर्मी उतारना (घमंड मिटाना), गर्मी से जवाब देना (गुस्से में बोलना),और आग बबूला होना (बहुत गुस्सा होना) शामिल हैं. દિમાગની  ગરમી ઉતરી જવી એટલે ઘમંડ ચકનાચૂર થવો. ગરમીથી જવાબ આપવો એટલે ક્રોધિત થઈ કે રોષમાં આવી બોલવું. दिमाग़ की गर्मी छँट जाना मतलब नशा उतर जाना, जोश ख़त्म हो जाना. માણસને જો બહુ ગુસ્સો ચડે તો આગ બબૂલા હોના કહેવાય છે. ભીષણ કે અસહ્ય અથવા કાળઝાળ ગરમી માટે खलिहान जलाने वाली गर्मी પ્રયોગ વપરાય છે. खलिहान का अर्थ वह स्थान या भवन है जहाँ कटी हुई फ़सल (अनाज) को रखा जाता है. ટૂંકમાં એવી ગરમી કે કાપણી કરી રાખેલો પાક પણ સળગી ઉઠે. राहत इंदौरी की पंक्तियां जो अत्यधिक गर्मी का वर्णन करती हैं: शहर क्या देखें कि हर मंज़र में जाले पड़ गए, ऐसी गर्मी है कि पीले फूल काले पड़ गए. અસહ્ય પરિસ્થિતિના રૂપક છે. गर्मी का फूँके देना मतलब पर्यावरण का तापमान बढ़ने से शरीर का अधिक बेचैनी महसूस करना, बेहद तपिश होना, सख़्त गर्मी पड़ना। તાપમાનનો પારો વધી જતા અકળામણ થવી એ અર્થ અહીં અભિપ્રેત છે. સૂરજની ગરમીનો સંદર્ભ વાપરી ભગવાન શ્રી રામનો સુંદર સંદર્ભ જોડી કેવી ફિલસૂફી કહેવામાં આવી છે એ જાણવા જેવું છે: सूरज की गर्मी से जलते हुए तन को, मिल जाए तरुवर की छाया l ऐसा ही सुख मेरे मन को मिला है मैं जब से शरण तेरी आया मेरे राम.