Sat Sep 12 2026

Logo

સજોડે આત્મહત્યાનું નાટક રચી નહેરમાં કૂદેલો પ્રેમી ચાલાકીથી બહાર આવ્યો અને પ્રેમિકાને ડૂબવા દીધી

2026-04-21 12:02:00
Author: Yogesh C. Patel
સજોડે આત્મહત્યાનું નાટક રચી નહેરમાં કૂદેલો પ્રેમી ચાલાકીથી બહાર આવ્યો અને પ્રેમિકાને ડૂબવા દીધી

પોલીસ તપાસમાં કાવતરું ઉઘાડું પડતાં પ્રેમી લૉકઅપભેગો

જાલના: જાલના જિલ્લામાં બનેલી આંચકાજનક ઘટનામાં પ્રેમપ્રકરણનો અંત લાવી પ્રેમિકાથી છુટકારો મેળવવા પ્રેમીએ ભારે ચતુરાઈથી કાવતરું ઘડ્યું હતું, પણ પોલીસ તપાસમાં કાવતરું ઉઘાડું પડતાં આરોપીને લૉકઅપભેગો કરમાં આવ્યો હતો.

ગોંદી પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ બાબાસાહેબ રાઠોડ તરીકે થઈ હતી. કોર્ટે તેને ત્રણ દિવસની પોલી કસ્ટડી ફટકારી હતી. પોલીસ રાઠોડની વધુ પૂછપરછ કરી રહી છે.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના અંબડ તાલુકાના નાલેવાડી શિવારમાં આ ઘટના બની હતી. પરિણીત રાઠોડની મુલાકાત 10 વર્ષ અગાઉ કામના સ્થળે પરિણીત સુરેખા આન્વીકર સાથે થઈ હતી. ઓળખાણ પછી બન્ને વચ્ચે ગાઢ મિત્રતા થઈ હતી અને ધીરે ધીરે આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી.
 
આરોપી અને મહિલા બન્ને પરિણીત હોવા છતાં એકબીજાથી પ્રેમ કરતાં હતાં. પતિ સાથે વિવાદ હોવાથી સુરેખા રાઠોડ સાથે સંસાર માંડવા તૈયાર હતી, પરંતુ રાઠોડ પત્નીને છોડવા તૈયાર નહોતો. એવામાં સુરેખા પતિથી અલગ રહેવા માંડી હતી અને વારંવાર રાઠોડને અપનાવી લેવાની જીદ કરતી હતી. જોકે રાઠોડ તેને પોતાની સાથે રાખી શકે એમ ન હોવાથી તેણે કાંટો કાઢવાની યોજના બનાવી.

કહેવાય છે કે બે દિવસ પહેલાં રાતના સમયે નાલેવાડી શિવાર ખાતેની નહેર પાસે રાઠોડે સુરેખાને બોલાવી હતી. રાતે એ પરિસરમાં કોઈની આવનજાવન નહોતી. સમાજ સાથે રહેવા નહીં દે એટલે આપણે સાથે જીવ આપીને હંમેશ માટે એક થઈ જઈએ, એવી ભાવનાત્મક વાતોમાં આરોપીએ મહિલાને ફસાવી હતી. નહેરના પાણીમાં કૂદકો મારીને આત્મહત્યા માટે મહિલાને ઉશ્કેરી હતી.

નક્કી થયા મુજબ સુરેખા સાથે આરોપી પણ નહેરમાં કૂદ્યો હતો, પણ તરતા આવતું હોવાથી રાઠોડ અમુક મિનિટમાં જ નહેરમાંથી બહાર આવી હતી. તરતા ન આવડતું હોવાથી સુરેખા પાણીમાં ડૂબી ગઈ હતી. પછી સુરેખાના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી રાઠોડે જ પોલીસને ઘટનાની જાણ કરી હતી. આત્મહત્યામાં પોતે બચી ગયો હોવાનું જુઠ્ઠાણું આરોપીએ ચલાવ્યું હતું, પરંતુ પોલીસે કરેલી તપાસ બાદ આરોપીએ ગુનો કબૂલ્યો હોવાનું અધિકારીનું કહેવું છે.