વિશેષ - કે. પી. સિંહ
આજે ગ્લોબલ વોર્મિંગ એક વૈશ્ર્વિક સમસ્યા બની ગઈ છે. વાતાવરણમાં પરિવર્તન, કમોસમી વરસાદ, અતિશય ગરમી, વધુ પડતો વરસાદ અને પૂર આવવા એ બધા વધતા પ્રદૂષણનું જ પરિણામ છે. એ બધા માટે તો આપણે જ જવાબદાર છીએ કેમ કે આપણે જ આડેધડ જંગલ અને વૃક્ષોનું નિકંદન કાઢ્યું છે. આધુનિકીકરણ, બહુમાળી ઈમારતો અને સિમેન્ટ-કોંક્રિટનાં જંગલોને કારણે ધરતીને આપણે જ પોકળ કરી નાખી છે. એને કારણે ઘણી વખત ધરતી પણ ધ્રુજી ઊઠે છે. જે વૃક્ષોને ઘટાદાર થવામાં વર્ષો લાગી જાય છે એને એક ઝાટકે મૂળ સાથે ઊખેડી નાખવામાં આવે છે.
અનેક વર્ષોથી ઝાડ વાવવાની હાકલ લોકોને કરવામાં આવી રહી છે. એના માટે દર વર્ષે ત્રીજી માર્ચે વિશ્ર્વ વન્યજીવ દિવસ મનાવવામાં આવે છે. વિશ્ર્વને આ આફતથી બચાવવા માટે જો કોઈ નક્કર પગલાં નહીં લેવામાં આવે તો હજુ પણ માઠા પરિણામ ભોગવવા માટે આપણે તૈયાર રહેવું પડશે. આપણાં જ કર્મના માઠા પરિણામ આજે આપણે ભોગવી રહ્યાં છીએ.
વિશ્ર્વના લગભગ 10 લાખ વન્યજીવ પ્રજાતિઓ વિલુપ્ત થવાની કગાર પર છે. અનેક મહત્ત્વનાં પ્રાણીઓ જેવા કે વાઘ, ગેંડા, એશિયાટિક લાયન અને ગીધ પર સંકટનાં વાદળ તોળાઈ રહ્યાં છે.
વિશ્ર્વ વન્યજીવ દિવસની અધિકારિક ઘોષણા 20 ડિસેમ્બર 2023માં કરવામાં આવી હતી. ત્રીજી માર્ચના દિવસે જ 1973માં ‘ક્ધવેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઈન એન્ડેન્જર્ડ સ્પેસિઝ ઓફ વાઇલ્ડ ફાઉના એન્ડ ફ્લોરા’ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. એનો ઉદ્ેશ હતો આંતરરાષ્ટ્રીય વેપાર માટે વન્યજીવો અને વનસ્પતિઓની ગેરકાયદે થતી તસ્કરીને અટકાવવાનો.
આ દિવસ એટલા માટે પણ અગત્યનો છે, કેમ કે આજે દુનિયા અનેક પડકારોનો સામનો કરી રહી છે. ઝડપથી ઘટતાં જંગલો, જંગલોમાં થતાં ગેરકાયદે શિકાર, જળવાયુ પરિવર્તન અને દરરોજ જૈવ વિવિધતાને થતા નુકસાન લોકો માટે આફત બની ગઈ છે. વન્યજીવ હશે તો પર્યાવરણનું સંતુલન જળવાઈ રહેશે. આવનારી પેઢી માટે વન્યજીવોનું સંરક્ષણ કરવું જરૂરી છે. જો હજી પણ માનવજાતિ વન્યજીવો પ્રત્યે સંવેદનશીલ ન થઈ તો વન્યજીવો માત્ર પુસ્તકો સુધી જ સીમિત રહી જશે. તેમના શિકારને પણ અટકાવવા જોઈએ.
દરવર્ષે એક થીમની સાથે વન્યજીવ દિવસ ઉજવવામાં આવે છે. વન્યજીવોની વિવિધ સમસ્યાઓ તરફ લોકોનું ધ્યાન જાય એ એનો ઉદ્ેશ છે. આ દિવસે અનેક શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. સ્કૂલ, કોલેજમાં વિદ્યાર્થીઓ અને ટીચર્સ વચ્ચે આ બાબતે સંવાદ, સ્પર્ધાઓ, ભાષણ, નિબંધ લેખન વગેરેનું આયોજન કરવામાં આવે છે.
વર્કશોપ્સ પણ યોજવામાં આવે છે. રેલી અને પર્યાવરણ કાર્યકર્તાઓની વચ્ચે ચર્ચાસત્ર અને વન્યજીવોના સંરક્ષણ માટે કાર્યશાળા યોજવામાં આવે છે. સોશ્યલ મીડિયા કેમ્પેન, વૃક્ષારોપણ કાર્યક્રમ, ડોક્યુમેન્ટરી સ્ક્રીનિંગ, વન્યજીવને લઈને વિશેષ કાર્યક્રમો આયોજિત થાય છે.
ભારત દેશે પ્રોજેક્ટ ટાઈગર દ્વારા વન્યજીવ સંરક્ષણ કાર્યક્રમમાં ભાગીદારી નોંધાવી છે. હવે પ્રોજેક્ટ એલિફન્ટ દ્વારા દેશ એ દિશામાં આગળ વધી રહ્યો છે. આવા કાર્યક્રમ દ્વારા આપણે દુનિયાને દેખાડવા માગીએ છીએ કે વિશ્ર્વની સામે આવેલા પડકારથી સુરક્ષા પ્રદાન કરવામાં આપણે પાછીપાની નથી કરતા.
વન્યજીવ માનવજાતી માટે કેમ જરૂરી?
ધરતી પર જીવન માટે એક ચક્ર છે. માનવ પણ ત્યારે જ ટકી શકશે જ્યારે અન્ય વન્યજીવ હાજર હોય. એથી માનવજીવન ટકાવી રાખવા માટે વન્યજીવનું હોવું પણ જરૂરી છે. પૃથ્વી પર લગભગ 10 લાખ વન્યજીવ પ્રજાતિઓ ઉપર જોખમના વાદળ તોળાઈ રહ્યાં છે.
માનવે પોતાના સ્વાર્થ માટે વન્યજીવોનો બેફામ ઉપયોગ કર્યો છે. એના પર હાલમાં નિયંત્રણ લાવવું ખૂબ જરૂરી છે નહીં તો વન્યજીવનો સમૂળ નાશ થઈ જશે.
સ્વસ્થ વન અને સમુદ્રી પારિસ્થિતિકી તંત્ર કાર્બનને અવશોષિત કરીને જળવાયુ પરિવર્તનને ઘટાડે છે. જોકે એના માટે વન્યજીવોનું અસ્તિત્વ ટકાવી રાખવું પણ અગત્યનું છે.