દિવ્યકાંત પંડ્યા
આજકાલ બોલિવૂડમાં એક નવી પેટર્ન જોવા મળી રહી છે; ફિલ્મ પડદા પર આવે એ પહેલાં કોર્ટના દરવાજે અથવા સોશ્યલ મીડિયાના વોર-ઝોનમાં પહોંચી જાય છે. અત્યારે ઇન્ડસ્ટ્રી એક એવા વળાંક પર ઊભી છે, જ્યાં સર્જનાત્મકતા કરતાં કોન્ટ્રાક્ટ અને કેલ્ક્યુલેશન વધુ હાવી થઈ રહ્યા છે.
`ડોન 3' હજુ તો ફ્લોર પર ગઈ નથી ત્યાં જ વિવાદોની સ્ક્રિપ્ટ લખાવા માંડી છે. જ્યારે ફરહાન અખ્તરે રણવીર સિંહને નવા ડોન તરીકે જાહેર કર્યો ત્યારે ફેન્સમાં એક પ્રકારનો આઘાત અને ઉત્તેજના બંને હતા. શાહરુખ ખાનની લેગસીને આગળ વધારવી એ રણવીર માટે જેટલું ગૌરવ છે, તેટલું જ મેકર્સ માટે જોખમ પણ છે. પણ અહીં મુદ્દો માત્ર કાસ્ટિંગનો નથી-અંદરખાને રણવીર અને મેકર્સ વચ્ચે જે મતભેદોની ચર્ચા છે તે ફિલ્મના ભવિષ્ય પર પ્રશ્નાર્થ મૂકે છે.
`ડોન 3'માં જે ખેંચતાણ ચાલી રહી છે તે રણવીર સિંહની પોતાની સ્ટાર ઈમેજ અને ફરહાન અખ્તરના ડિરેક્ટોરિયલ વિઝન વચ્ચેનો ક્લેશ છે. અત્યારે બોલિવૂડમાં સૌથી વધુ ચર્ચિત સમાચાર એ છે કે રણવીર સિંહ આ પ્રોજેક્ટમાંથી બહાર થઈ ગયો છે. વિવાદનું મુખ્ય કેન્દ્રબિંદુ ફરહાન અખ્તર દ્વારા કરવામાં આવેલી 40 કરોડ રૂપિયાની વળતરની માંગ છે.
ફરહાનનું કહેવું છે કે રણવીરે પ્રોજેક્ટ હોલ્ડ પર રાખ્યો તેના કારણે પ્રોડક્શન હાઉસને જે નુકસાન થયું છે તેની ભરપાઈ તેણે કરવી જોઈએ. બીજી તરફ, રણવીર આ રકમ આપવા તૈયાર નથી અથવા તો બહુ ઓછી રકમ આપવાની જીદ પર અડ્યો છે. તેનું તેમ પણ કહેવું છે કે `ધુરંધર'ની સફળતા પછી જ ફરહાને પાછો પ્રોજેક્ટને હાથ લગાડ્યો છે, નહીં તો પ્રોજેક્ટ અભેરાઈએ ચડી ગયો હતો.
આ વિવાદ એટલો વકર્યો કે ઇન્ડસ્ટ્રીના દિગ્ગજોએ તેમાં હસ્તક્ષેપ કરવો પડ્યો. રિપોર્ટ્સ મુજબ, આમિર ખાન અને સાજિદ નડિયાદવાલા જેવા મોટા નિર્માતાઓએ એક ગુપ્ત મીટિગ કરી હતી, જેથી રણવીર અને ફરહાન વચ્ચેના આર્થિક વિવાદનો કોઈ વચલો રસ્તો નીકળી શકે. આ નિર્માતાઓ ચિંતિત છે કે જો આવી મોટી ફ્રેન્ચાઇઝીના મુખ્ય કલાકાર અને દિગ્દર્શક વચ્ચે આવા કાનૂની અને આર્થિક ક્લેશ થશે તો તે સમગ્ર ઇન્ડસ્ટ્રીની પ્રતિષ્ઠા અને કાર્યપદ્ધતિ પર અસર કરશે.
જોકે, આ મધ્યસ્થી પછી પણ રણવીર હજુ પોતાના નિર્ણય પર મક્કમ છે, જે સૂચવે છે કે હવે `ડોન 3'માં રણવીરને જોવો લગભગ અશક્ય છે. આ સમસ્યા માત્ર `ડોન 3' પૂરતી સીમિત નથી. અજય દેવગણની `દ્રશ્યમ 3' માં પણ કંઈક આવું જ જોવા મળ્યું. અક્ષય ખન્ના જેવા ગંભીર અને ટેલેન્ટેડ એક્ટર જ્યારે કોઈ પ્રોજેક્ટમાંથી બહાર નીકળે અને પ્રોડ્યુસર તેમને કાનૂની નોટિસ મોકલે, ત્યારે સમજવું કે મામલો બિઝનેસ એથિક્સ સુધી પહોંચી ગયો છે. અહીં પ્રોડ્યુસર્સનો દાવો એવો છે કે `ધુરંધર' જેવી ફિલ્મની સફળતા બાદ અક્ષય ખન્નાએ પોતાની ફીમાં મોટો વધારો માગ્યો હતો અને અચાનક શરતો બદલી નાખી હતી.
જોકે, આ સિક્કાની બીજી બાજુ પણ છે. કેટલાક અહેવાલો મુજબ, અક્ષય ખન્નાએ `ધુરંધર' રિલીઝ થાય તે પહેલાં જ એટલે કે તે હિટ જશે કે ફ્લોપ તેની ખબર પડે એ પહેલાં જ `દ્રશ્યમ 3' માટે ના પાડી દીધી હતી. અક્ષયના પક્ષે એવું કહેવામાં આવી રહ્યું છે કે વિવાદ ફીનો નહીં પણ ક્રીએટિવ હતો, છતાં પ્રોડ્યુસર્સ તેને ફી વધારાનો રંગ આપી રહ્યા છે.
આવી જ કંઈક સ્થિતિ `હેરા ફેરી 3'માં પણ જોવા મળી હતી. પરેશ રાવલ વગર બાબુરાવના પાત્રની કલ્પના કરવી એટલે મસાલા વગરની રસોઈ જેવું છે. પણ જ્યારે પરેશ રાવલે આ ફિલ્મ છોડવાનો નિર્ણય લેવો પડ્યો ત્યારે તેનું મુખ્ય કારણ પેમેન્ટ સ્ટ્રક્ચર હતું. આજકાલ પ્રોડ્યુસર્સ એવી શરતો મૂકે છે કે ફીનો મોટો ભાગ ફિલ્મ રિલીઝ થયા પછી આપવો.
કલાકારો માટે આ એક પ્રકારનો જુગાર છે. જો ફિલ્મ ન ચાલે તો તેમની મહેનત પાણીમાં જાય. પરેશ રાવલે આ શરત ન સ્વીકારી અને સાઇનિંગ અમાઉન્ટ પરત કરી દીધી. ફિલ્મના એક નિર્માતા અક્ષય કુમાર અને પરેશ રાવલના વર્ષોના સંબંધમાં પણ આનાથી ઓટ આવી. જોકે, મહિનાઓની વાટાઘાટો પછી એમના વિવાદનો ઉકેલ આવ્યો, પણ આ આખી પ્રક્રિયામાં જે નેગેટિવિટી પેદા થઈ તે ફિલ્મની બ્રાન્ડને નુકસાન પહોંચાડે છે. આ તમામ કિસ્સા એક જ દિશામાં આંગળી ચીંધે છે જે બોલિવૂડમાં હવે સ્ટાર પાવર અને કોર્પોરેટ સ્ટ્રક્ચર વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.
પહેલાના જમાનામાં સ્ટાર્સ સ્ક્રિપ્ટ સાંભળ્યા વગર હા કહી દેતા, પણ આજે દરેક મિનિટનો અને દરેક રૂપિયાનો હિસાબ રાખવામાં આવે છે. પ્રોડ્યુસર્સ માટે ફ્રેન્ચાઇઝી ફિલ્મ્સ એક સુરક્ષિત કિલ્લો છે, કારણ કે તેમાં દર્શકો પહેલેથી જ તૈયાર હોય છે. માર્કેટિગ ખર્ચ ઓછો થાય છે અને ગેરંટિડ ઓપનિંગ મળે છે, પરંતુ આ કિલ્લાનો પાયો જે કલાકારો છે એ લોકો પણ હવે પોતાની કિમત બહુ સારી રીતે જાણે છે. ઓટીટીના જમાનામાં કલાકારો પાસે હવે માત્ર થિયેટર ફિલ્મ્સ પર નિર્ભર રહેવાની મજબૂરી નથી. તેમની ડિમાન્ડ અને એટીટ્યુડ બંને બદલાયા છે.
સ્ક્રીન પર જે જાદુ દેખાય છે તેની પાછળ અત્યારે પેપરવર્ક અને ઈગો-વોરનું મોટું તોફાન ચાલી રહ્યું છે. આવનારા વર્ષોમાં જે મેકર્સ આ સંતુલન જાળવી શકશે તે જ બોક્સ ઓફિસના અસલી `ડોન' સાબિત થશે.
લાસ્ટ શોટ
ત્રણે વિવાદના કિસ્સાઓના કેન્દ્રમાં છે જે-તે ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ્સ!