Wed Sep 16 2026

Logo

મુખ્યમંત્રી પોતાના મતવિસ્તારમાં પોશ બોપલ-આંબલીમાં અસરગ્રસ્તોને મળવા પહોંચ્યા

2026-07-24 14:02:00
Author: Mumbai Samachar Team
મુખ્યમંત્રી પોતાના મતવિસ્તારમાં પોશ બોપલ-આંબલીમાં અસરગ્રસ્તોને મળવા પહોંચ્યા

અમદાવાદઃ શહેરના પોશ વિસ્તારમાં બોપલ-આંબલીમાં ખાબકેલા 18 ઇંચ વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.  ઉપરાંત આજે સવારથી જ વરસાદ ચાલુ હોવાથી પાણી ઓસરી રહ્યા નથી. શહેરના થલતેજ, બોપલ, આંબલી, શેલા સહિતના વિસ્તારમાં ક્યાંક કેડસમા તો ક્યાંક છાતીસમા પાણી ભરાયેલા છે. આ દરમિયાના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મતવિસ્તારમાં અસરગ્રસોને મળવા પહોંચ્યા છે. ભૂપેન્દ્ર પટેલ ઢીંચણસમા પાણીમાં ચાલીને અસરગ્રસ્તોને મળવા પહોંચ્યા છે. મુખ્યમંત્રીની સાથે મેયર હિતેશ બારોટ પણ હતા.

આખી સોસાયટીઓ ડૂબતાં આર્મીની મદદ લેવી પડી

શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે પશ્ચિમના પોશ વિસ્તારોના લકઝુરિયસ બંગલા, સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે. શહેરના કર્ણાવતી ક્લબની પાછળ આવેલી સોસાયટીઓમાં પાણી ભરાઈ જતાં આખો વિસ્તાર ડૂબી ગયો છે. ત્યાંથી લોકોને સલામત બહાર કાઢવા માટે આર્મીની 5 ટ્રક ટીમ બોટ સાથે મેદાનમાં ઉતારવામાં આવી છે. અહીં કરોડો રૂપિયાના બંગલો ધરાવતો સેન્ટોસા પાર્ક વિસ્તાર પાણી પાણી થઈ ગયો છે. કરોડો રૂપિયા ખર્ચી બંગલા બનાવ્યા છતાં પાણી ભરાઈ જતા આર્મીની ટીમ તેમને બહાર કાઢવા માટે અને તેમની મદદ કરવા માટે પહોંચી હતી. આ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા અને આર્મીની મદદ લેવામાં આવતાં લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

આ ઉપરાંત દર વર્ષની જેમ વેજલપુર વિસ્તારમાં વરસાદના કારણે તમામ રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વેજલપુર વિસ્તારમાં આવેલા શ્રીનંદનગરમાં પાણી ભરાવાથી 20 હજાર કરતા વધુ લોકોને અસર થઈ છે. ગઈકાલ સાંજ બાદ લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. 

અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 11.65 ઇંચ વરસાદ પડ્યો હતો. જેના કારણે સમગ્ર શહેર જળબંબાકાર થયું છે.બોપલમાં સૌથી વધુ 18.41 ઇંચ, બાકરોલમાં 18.21 ઇંચ, સરખેજમાં 16.34 ઇંચ, થલતેજમાં 16.08 ઇંચ, જોધપુરમાં 16.06 ઇંચ તથા બોડકદેવમાં 16.02 ઇંચ વરસાદ નોંધાયો હતો.